કવિતા | ચાલ છે બધી…!

ચાલ છે બધી….!
પુરુષ પ્રધાન સમાજ દ્વારા સુનિશ્ચિત આયોજિત ચાલો છે બધી,
નાનપણથી જ ટોકવામાં આવી છે,
તું છોકરી છે તારે આમ ના કરાય,
તારે તો ફક્ત પુરુષ પ્રધાન સમાજ દ્વારા ઘડાયેલ નિયમોનું પાલન જ કરાય,
ચાલ છે બધી….!
વ્રતો, ગ્રંથોમાં ઉલજાવી રાખી,
ધર્મનું અફીણ પીવડાવી રાખી,
મગજને તે જ માર્ગે દોરી રાખવાની,
ચાલ છે બધી….!
ચાર દીવાલોમાં રોટલા ઘડાવી,
સામાજિક,આર્થિક સ્તરે પછાત રાખી,
શરીર સાથે ફક્ત સંબંધ બાંધવાની,
ચાલ છે બધી….!
ફલાણા જ્ઞાતિ,ફલાણા સમાજ,ફલાણા દેશની “ઈજ્જત”,
ઈજ્જતનાં નામે બેઇજ્જત કરવાની,
ચાલ છે બધી….!
ફક્ત ને ફક્ત સંપત્તિ સાચવવા વારસદારો પેદા કરવાની,
ચાલ છે બધી….!
માથે લોટનો ડબ્બો મૂકી,
કે માથે પાણીનાં ઘડા મૂકી,
સતત ગૃહ શ્રમમાં વ્યસ્ત રાખવાની,
ચાલ છે બધી….!
વર્ષોનાં વર્ષથી ગુલામીની બેડીઓમાં કેદ રાખી,
અદબ અને મોં ઉપરથી આંગળી ના હટવા દેવાની,
ચાલ છે બધી….!
ચાલ બધી જ બાતલ જવાની,
પુરુષ પ્રધાન સમાજ સામે સવાલનો પર્વત ઊભી કરવાની,
જ્વાળાની જેમ આક્રોશ ફાટી નીકળશે સ્ત્રીઓમાં,
એ આક્રોશ સાથે પુરુષ પ્રધાન સમાજ તોડી,
એક સુંદર સમાજની રચના થવાની…!
લિ. જયરાજ_રાજવી
તારીખ -1/03/2021
સમય - 2:09 AM