તમે સુધારાવાદી છો ? તો તમારા રોલ મોડલ જ્યોતિરાવ ફૂલે હોવા જોઈએ.

ક્રાંતિકારી હોવું એ ખુબ જ સન્માનીય છે, પણ તેવા વિચારનું સ્વીકારવું પણ આવકાર્ય હોય જ.
જયારે કોઈ ક્રાંતિકારી- સુધારાવાદી વિચાર અપનાવીએ અને તેનો અમલ કરવાનો આવે ત્યારે સમજાય છે કે એ કાર્ય ખરેખર સામા પ્રવાહમાં ચાલવા બરાબર હોય છે.
સૌથી પહેલા તો તમે લોકોમાં દોઢ ડાહ્યા અને વંઠેલ સાબિત થઇ જશો. વર્ષોથી ચીતરાયેલા, સમય કે સમજ મુજબ સ્વિકારાયેલા ચીલામાં જ્યાં આખો સમાજ આંખો બંધ કરી ચાલ્યો જતો હોય, ત્યાં તમે નવી કેડી બનાવવા એ ચીલા માંથી બહાર નીકળો અને વળી લોકોને પણ નવા ચીલામાં ચાલવા આગ્રહ કરો એટલે તમે બહુ મોટા સમૂહના અણગમાનું કારણ બનો જ. લોકો દ્વારા પોતાનો ચીલો છોડી તમારા બતાવેલા ચીલાને સ્વીકારવો એટલે લોકો માટે પ્રથમ તો પોતે અત્યાર સુધી ખોટા રસ્તે હતા તે સ્વીકરવું પડે. એથી વધારે કપરું કે તમે જે બતાવો છો એ સાચો રસ્તો હોવાનું માની લેવું. તમે આટલા મોટા ટોળાં કરતા એડવાન્સ છો એ સાબિત થાય.
માનવ મનની એ વિચિત્રતા છે જ કે નવી રાહ ચીંધનારને જલ્દી અપનાવશે નહીં, પણ તેને ટીકાઓનો ભોગ બનાવી તોડી નાખવા સામે પડશે. ક્યારેક તો તમે સાચા છો એ ખબર હોવા છતાં તમને સાચા સ્વીકારવાથી પોતે ખોટા હતા તે નો સ્વીકાર થઇ જતો હોવાના કારણે લોકો પોતાની જડતા છોડશે નહીં. કુટુબના સભ્યોથી લઈને સમાજના મોટા સમૂહ સાથે સીધા સંઘર્ષનો સામનો કરવો જ પડે છે. સમૂહના ધિક્કારના પાત્ર તો બનો જ બનો.

હાલના સમયમાં તો તમે કોઈની સાડાબારી ના કરો, અને કોઈ તમને અવગણે તો પણ કઇ મોટો ફર્ક પડતો નથી. પણ પચાસ વર્ષ પાછળ જઈને વિચારીયે તો ઘણો મોટો ફર્ક પડતો હતો એ દેખાઈ જશે.સુધારાવાદી, રૂઢિઓને પડકારનાર લોકોને કુટુંબથી બહાર, નાત બહાર, ગામ બહાર, કરી દેવામાં આવતા, એ હદે બહિષ્કૃત કરવામાં આવે કે સમૂહથી અલગ નવા વિચારો ઊપર ચાલતા લોકોને કોઈ સાથ પણ ના આપી શકે, અને જે લોકોના ભલા માટે તમે આ જોખમ ઉઠાવતા હોય તે જ લોકો તમારા વિરોધી બની જતા. અને હિજરત કરી ગામ છોડી જવા મજબુર થઇ જાવ તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ જતી.
જયારે આજે આવા ક્રાંતિકારી વિચારોને અમલમાં મુકનાર જ્યોતિબા ફૂલેને યાદ કરું છું, તો થાય છે. જડતા થી ભરેલા કટ્ટર માનસિકતાના તે સમયમાં તેમને કેવા કેવા સંઘર્ષ કરવા પડ્યા હશે ?અને એ સંઘર્ષ પણ કોના માટે ?
એ જ વિરોધ કરી રહેલા લોકોની ભવિષ્યની પેઢીઓના ઉજળા વર્તમાન માટે. શુદ્ર સમાજે ભણવાનું જ પ્રતિબન્ધિત હોય ત્યાં આ ક્રાંતિકારી મહામાનવ બધા સમાજને બધી જાતિના લોકો એમાં સ્ત્રી હોય કે પુરુષ બધાને શિક્ષણ અને સમાનતા અપાવવા સામાપ્રવાહે નીકળી પડેલા. તેના બદલામાં તેમના પિતાજી એ જ તેમને ઘર બહાર કાઢી મુક્યા, તેમની પત્ની ઊપર લોકો એ છાણ અને કાદવ ઉછાળ્યા હતા. પણ તેઓ અડગ રહ્યા અને તેના પરિણામોને એ કાદવ ઉછાળતી પ્રજાના બાળકો આજે લિજ્જત થી માણી રહ્યા છે.
ક્રાંતિની ચિનગારી જો તમારામાં હોય તો તમારે એક વાર જ્યોતિબા ફૂલે અને સાવિત્રીમાઈ ફૂલેના જીવનના સંઘર્ષને બારીકાઇ થી સમજવા ખુબ જરૂરી છે. ડગલેને પગલે સમાજ ક્યાં કેવી રીતે નડવાનો તે સમજાઈ જશે. છતાં કેવી રીતે અડગ રહેવું તે પણ સમજાઈ જશે. જો તમે કંઈક નવું વિચારી શકો છો, સુધારાવાદી મન તમને કંઈક સુધાર તરફ આકર્ષે છે, તો તમારા રોલ મોડલ જ્યોતિબાફૂલે હોવા જોઈએ.
જીતેન્દ્ર વાઘેલા.
