ડૉ. હરિભાઈ દેસાઈનો મણકો 3-1 | હરિભાઈ કોમેન્ટ કેમ ડીલીટ કરે છે?

પહેલા બે મણકાની જેમ જ હરિભાઈ દેસાઈના ત્રીજા મણકામાં કેટલીક બાબતો સામે લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. અને હરિભાઈ અગાઉના બે મણકામાં જવાબ ન આપી શક્યા હોવાથી અને “આપ શોધકાર્ય આદરી શકો છો.” મતલબ જાતે શોધો અને એકદમ સરળ મોદીજીની ભાષામાં સમજો તો “આત્મનિર્ભર બનો.” એમ સંભળાવવામાં આવે છે.
જેને અનુલક્ષીને ડૉ. કલ્પેશ વોરાએ આત્મનિર્ભર બની ત્રીજા મણકામાં ડૉ. હરિભાઈ દેસાઈએ જણાવેલ કેટલીક બાબતોની સ્પષ્ટતા કરી હતી અને તેમને ત્રીજા મણકાની પોસ્ટની કોમેન્ટમાં આ માહિતી આપી હતી. જેને હરિભાઈ દ્વારા ડીલીટ કરવામાં આવી હતી. થોડા સમય બાદ ડૉ. કલ્પેશ વોરાને પોતાની કોમેન્ટ ના દેખાતા, કોઈ ટેક્નિકલ કારણસર કોમેન્ટ પોસ્ટ નહીં થઇ હોય એમ સમજી તેમણે ફરીથી એ જ કોમેન્ટ મૂકી હતી. અને આ બીજી વાર પણ કોમેન્ટ ડીલીટ કરી નાંખવામાં આવી હતી.
વાંચો, ડૉ. કલ્પેશ વોરાએ શુ માહિતી આપી હતી?
આદરણીય હરિભાઈ દેસાઈ,
આપશ્રી દ્વારા સચ્ચાઈ આંબેડકરના મણકા સાંભળું છું, આજના ત્રીજા મણકામાં આપે જણાવેલ બાબત વિશે હું આપનું ધ્યાન દોરવા માંગુ છું.
1) આંબેડકર અટક વિશે ઘણી વાતો હવે વહેતી થઈ રહી છે ત્યારે ડો આંબેડકરે તા 13/04/1947 ના રોજ મરાઠીમાં “નવયુગ સામયિક” માં તેમના વિશે વિશેશાંકમાં પોતાના ગુરુ દ્વારા આંબેડકર અટક મળી તેનો ઉલ્લેખ કર્યો છે. આ વિગત ચંદુભાઈ મહેરિયાના “દિલના દરવાજે દસ્તક” માં ઉલ્લેખ છે.
2) ડો. આંબેડકરએ ગાંધીજીને શ્રદ્ધાજલી આપી નોહતી એ વાત પર હું આપનું ધ્યાનદોરું તો, કમલાપતિ ત્રિપાઠી દ્વારા 1948માં “શ્રદ્ધાંજલિયાં” નામે પુસ્તિકા પ્રગટ થઈ હતી જે ભારત સરકાર દ્વારા પ્રકાશિત હતી. તેમાં બાબા સાહેબની ગાંધીજી ને શ્રદ્ધાજલી છે. આ વિગતો ગુણવંત શાહને પણ ડૉ. પી.જી. જ્યોતિકરે આપી હતી. મને યાદ છે ત્યાં સુધી ગુણવંત શાહે દિવ્ય ભાસ્કરની તેમની કોલમમાં પણ જ્યોતિકર સાહેબના નામ સાથે લખ્યું છે. બીજું કિશોર મકવાણાનું પુસ્તક “વિચાર વૈભવ” ના પાના 170 પર પણ છે જ.

3) ગાંધીજી આંબેડકરને પ્રથમ મળ્યા ત્યારે આપના કહેવા પ્રમાણે તેઓએ ડૉ. આંબેડકર સાથે ખૂબ અયોગ્ય રીતે વાતચિત કરી હતી. જે માટે આપશ્રી “આર્ષદ્રષ્ટા ડો બાબા સાહેબ આંબેડકર” પુસ્તક (લેખક – ડૉ. પી.જી. જ્યોતિકર, પ્રકાશક – ગ્રંથ નિર્માણ બોર્ડ, પાનાં નં. 19 પર) વાંચવા વિનતી છે.
આપશ્રી વિદ્વાન છો, હું તો માત્ર એક વિદ્યાર્થી છું. મારી પણ ભૂલ હોઈ શકે, આ કોઈ આલોચના કે વિવાદ ઉભો કરવા માટે નથી લખતો પરંતુ આપ જેવા મહાનુભાવ મને ખુબ પ્રેમથી ચાહો છો માટે આપને પણ હું જેટલું જાણું છું તે નમ્ર ભાવે જણાવું છુ.
આપનો વિદ્યાર્થી
– ડૉ. કલ્પેશ વોરા
આમ, આટલા વિનમ્ર ભાવે માહિતી કોમેન્ટમાં આપી હોવા છતાં ડૉ. હરિભાઈ દેસાઈએ વારંવાર આ કોમેન્ટ ડીલીટ કરી હતી.
મજાની વાત એ છે કે, આ મણકાના ડિસ્ક્રિપ્શનમાં હરિભાઈ લખે છે, ” (૧) સદગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ એકવાર સંસદમાં કહ્યું હતું :”નિંદકાચે ઘર અસાવે સેજારી” (નિંદક નિયરે રાખીએ). સ્વસ્થ ડિબેટ થવી જોઈએ. તથ્યો અને સત્યોની ચર્ચા થવી જોઈએ. ભિન્ન મતનો આદર કરીને ગરિમાપૂર્ણ શૈલીમાં અને ડૉ.બાબાસાહેબ આંબેડકરને અભિપ્રેત તર્કબદ્ધ રીતે નવાં સત્ય પણ પ્રકાશમાં આવવાં જોઈએ.“
બીજા મણકાના અંતે કુલદીપ રાણવા દ્વારા પૂછવામાં આવેલ સવાલનો જવાબ આપવાનું પણ હરિભાઈ દેસાઈ દ્વારા ટાળવામાં આવ્યું હતું. કુલદીપ રાંણવાનો પ્રશ્ન વાંચવા અહીં ક્લિક કરો.
પ્રથમ મણકાના અંતે ડૉ. અમિત જ્યોતિકર દ્વારા પૂછવામાં આવેલ સવાલનો જવાબ આપવાનું પણ હરિભાઈ દેસાઈ દ્વારા ટાળવામાં આવ્યું હતું. ડૉ. અમિત જ્યોતિકરનો પ્રશ્ન વાંચવા અહીં ક્લિક કરો.