ડૉ. હરિભાઈ દેસાઈનો મણકો 1 | ડૉ. અમિત જ્યોતિકરનો સવાલ

સચ્ચાઈ ડૉ.આંબેડકરની: મણકો-૧ (૧૩ મે ૨૦૨૦)
ડૉ. હરિ દેસાઈ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન પર પ્રકાશ પાડતા મણકાઓ શરૂ કરવામાં આવ્યા છે. જેના પ્રથમ મણકામાં વિડિઓ સાથે તેમના દ્વારા આ પોસ્ટ કરવામાં આવી હતી.
ડૉ. હરિભાઈ દેસાઈ : (આ મણકાઓ સૌથી વધુ શેયર કરશો જેથી પ્રવર્તમાન ગેરસમજો દૂર થાય અને સાચો ઈતિહાસ વર્તમાનમાં સૌને જાણવા મળે.)
ભારતરત્ન બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરના જીવન અને કાર્યોને લગતી આ સચ્ચાઈસભર અને તથ્યસભર શ્રેણીના આજના પ્રારંભિક મણકામાં એમના વિશેની આછેરી ઝલક અપાઈ છે. ડૉ.આંબેડકર એટલે વિરાટ, બહુમુખી વ્યક્તિત્વ અને સ્વાભિમાની વિદ્વાન. દેશ અને દુનિયામાં કાયમ ચર્ચામાં રહેલા આ મહામાનવ ભારતીય રાજકારણ અને સમાજકારણમાં ખૂબ મોટું યોગદાન કરનાર વ્યક્તિ. મહામના ભીમરાવની જીવનકથા આલેખનાર ધનંજય કીરએ અધિકૃતપણે ડૉ.આંબેડકરના જીવન અને યોગદાનને આલેખ્યું છે. આ ગ્રંથ અધિકૃત એટલા માટે ગણાય કે ૧૯૫૪માં એ અંગ્રેજીમાં પ્રકાશિત થયો હતો અને બાબાસાહેબે એ વાંચીને એના વિશે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ગ્રંથને ગુજરાતીમાં લાવવાનું ભગીરથ કાર્ય દેવેન્દ્ર કર્ણિક અને મૂળજીભાઈ ખૂમાણ (દિશા) થકી થયું છે.
(બોલ્ડ કર્યું છે એ ફરીવાર વાંચો. “અધિકૃત” અને “બાબાસાહેબે સંતોષ વ્યક્ત કર્યો” આ બે બહુ અગત્યના શબ્દો છે.
ડૉ. અમિત પી. જ્યોતિકર : આદરણીય હરિભાઈ આપના માટે આદર છે માટે જ કેટલીક ચોખવટ કરવી જરૂરી છે. આપના જણાવ્યા પ્રમાણે, આપના કહેવા મુજબ ધનંજય કીર લિખિત જીવન ચરિત્ર અધિકૃત એટલા માટે છે કે તે અંગ્રેજીમાં છે જેના પરિણામ સ્વરૂપે વધુ લોકો સુધી એ પહોંચી શકયુ.
ધનંજય કિર લિખિત જીવન ચરિત્ર બાબાસાહેબે વાંચીને સંતોષ વ્યક્ત કર્યો હતો આ કોટેશન આપશ્રીએ ક્યાંથી લીધું એ જણાવશો તો મારા જ્ઞાનમાં વૃદ્ધિ થશે.
આપની જાણ સારું જે આપને ખબર નહીં જ હોય એવો મને પાક્કો વિશ્વાસ છે કારણકે સત્ય છુપાવવું એ આપનો સ્વભાવ નથી.
બાબાસાહેબનું જીવન ચરિત્ર લખવાની સૌપ્રથમ ૧૯૪૦માં કરસનદાસ લેઉવા દ્વારા એક સારી શરૂઆત કરાઈ હતી. આમ, સમગ્ર ભારતમાં બાબા સાહેબના જીવન ચરિત્રનો કન્સેપ્ટ એક ગુજરાતીએ આપ્યો તે આપણા માટે ગૌરવની વાત છે.
બાબાસાહેબની હયાતીમાં ચાંગદેવ ખેરમોડે ૧૯૨૩થી જીવન ચરિત્ર લખવાની ધીરે ધીરે શરૂઆત કરી હતી આ જીવન ચરિત્ર બાર ખંડમાં છે. એનો પ્રથમ ખંડ બાબાસાહેબની હયાતીમાં 14 એપ્રિલ 1952માં પ્રકાશિત કર્યો. અધિકૃતતા અને વિશ્વસનીયતાની વાત આવે એટલે ચોક્કસ પણે કહેવું પડે કે એનો પ્રથમ ખંડ બાબાસાહેબના પુત્ર શ્રી યશવંતરાવ આંબેડકર પ્રકાશક તરીકે તેમજ સમગ્ર પ્રિન્ટિંગ બાબાસાહેબની પ્રેસ ભારતભૂષણ પ્રિન્ટીંગ પ્રેસની અંદર છપાવવામાં આવેલો.
બીજું એક જીવન ચરિત્ર ખુબ જ વિશ્વસનીય એવું બાબા સાહેબની હયાતીમાં ૧૯૪૬માં રામચંદ્ર બનોધા, રાજાપુર ઇલ્હાબાદ દ્વારા “બાબાસાહેબ આંબેડકરકા જીવનસંઘર્ષ” નામે પ્રકાશિત થયો છે. બાબાસાહેબ આંબેડકર વાઇસરોય કમિટીમાં હોવાથી કેટલીકવાર બાબાસાહેબની સાથે સલૂનમાં રૂબરૂ મળીને વિવિધ પાસાઓની છણાવટ કરીને જીવનચરિત્ર લખવામાં આવ્યું છે. હું ધનંજય કિરના પુસ્તક પર વાંધો નથી ઉઠાવતો, આપના કહેવા મુજબ એ અંગ્રેજીમાં હતું એટલા માટે લોકો સુધી જલ્દી પહોંચી શકે, જ્યારે આ પ્રાદેશિક ભાષામાં લખાયેલા જીવન ચરિત્ર એટલા જ વિશ્વસનીય અને અધિકૃત છે જે બાબા સાહેબની હયાતીમાં લખાયા છે. ફરી એક નમ્ર વિનંતી કે બાબાસાહેબ વિશે થોડું રિસર્ચ કરીને મણકો બનાવશો તો વધુ યોગ્ય ગણાશે નહીં તો લોકો આપના દ્વારા બોલાયેલા વાક્યોને સત્ય માનસે એ યોગ્ય નથી.
ડૉ. પી.જી. જ્યોતિકર લિખિત જીવનચરિત્ર ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત કદાચ આપને ઉપયોગી થશે
ડૉ. હરિભાઈ દેસાઈ : અમે કીરના ગ્રંથને વિશે કહ્યું એ અંગ્રેજીમાં લખાયો એટલે એ વધુ પ્રસારિત થયો અને ગુજરાતી સહિતની ભાષાઓમાં લખાયેલ જીવનકથાઓનું મૂલ્ય અમે ઓછું આંક્યુ એવું આપનું અર્થઘટન સત્યથી વેગળું છે. આપના પ્રતિભાવ માટે આભાર. અમારે અહીં વિવાદ નહીં, સત્ય અને તથ્ય રજૂ કરવાનાં છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ શોધકાર્ય કરે.
ડૉ. અમિત પી. જ્યોતિકર : બાબાસાહેબે કીર લિખિત જીવન ચરિત્ર લખી સંતોષ વ્યકય કર્યો એ ના વિશે આપ કોઈ પ્રકાશ ના પાડ્યો…..
આ કોટેશન ક્યાંથી લીધું જો કહેશો તો મારા જેવા અનેક અજ્ઞાની ને જ્ઞાન મળશે.
ડૉ. હરિભાઈ દેસાઈ : આપ જ્ઞાની છો.શોધી શકો છો
ડૉ. અમિત પી. જ્યોતિકર : આપશ્રીએ અર્ધસત્ય પીરસ્યું…માટે થોડું ઉમેરવાનો વિનમ્ર પ્રયાસ….
બાકી તથ્યો મેં આપનો મણકો વધુ મજબૂત બને એ જ આશયથી મુક્યા….
ડૉ. હરિભાઈ દેસાઈ : આભાર
ટૂંકમાં, “સચ્ચાઈ આંબેડકરની” મણકો 1માં હરિભાઈ દેસાઈ “આ ગ્રંથ અધિકૃત એટલા માટે ગણાય કે ૧૯૫૪માં એ અંગ્રેજીમાં પ્રકાશિત થયો હતો અને બાબાસાહેબે એ વાંચીને એના વિશે સંતોષ વ્યક્ત કર્યો હતો.” વિધાન ક્યાં આધારે કર્યું? તેનું સત્ય રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે.
દરેકને વિનંતી છે કે ડૉ. હરિભાઈ દેસાઈ દ્વારા બાબાસાહેબ આંબેડકરના જે મણકા શરૂઆ કરવામાં આવ્યા છે, તે જોજો અને “આંબેડકરની સચ્ચાઈ – ડૉ. હરિ દેસાઈની નજરે” જાણજો.
જય ભીમ નમો બુદ્ધાય
ડો હરિ દેસાઈ ના પ્રથમ મણકા માં મેં પણ માહિતી માંગી હતી કે આપે કહ્યું કે બાબાસાહેબ ને આંબેડકર અટક તેમના એક બ્રાહ્મણ શિક્ષકે આપી હતી તો શું આપના ધ્યાનમાં એવા કોઈ બ્રાહ્મણો છે જેમની અટક આંબેડકર હોય? મારા પ્રશ્ન ને પણ તેમના દ્વારા ઉડાઉ જવાબ આપી ને ટાળી દેવામાં આવ્યો હતો.
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો