સબરસનો રસ સભર ઈતિહાસ

Wjatsapp
Telegram

આજના સપરમાં દિવસે બ્રાહ્મ મૂહૂર્તમાં શુકન તરીકે વેચાવા નીકળતા સબરસ એટલે કે મીઠું-નમક-સોલ્ટ અને 25 સદી પૂરાણા ગ્રાન્ડ ટ્રંક રોડ વચ્ચે શું કનેક્શન?

ગ્રાન્ડ ટ્રંક રોડ બાંગ્લાદેશ ના ઢાકા(અત્યારે હાલ હાવરા-કલકત્તા) થી લઈને અફઘાનિસ્તાનમાં કાબુલ સુધીનો ઐતિહાસિક માનવ પગરથ છે. જે કાચા રસ્તાનુ સૌપ્રથમ પાક્કુ બાંધકામ મૌર્ય શાસનમાં(ઈ.પૂ.3જી સદી)થયુ, એ પછી સમ્રાટ અશોક દ્વારા. એ પછી ભારતાદેશમાં ભાગલા પડી જવાથી રોડ અટવાઈ ગયો તે છેક શેર શાહ સૂરીએ એનો જીર્ણોદ્ધાર કરાવ્યો ને એમાં ટોલનાકા ઊભા કર્યા.
કેમ? મીંઠા પરનો ટોલટેક્ષ ઊઘરાવવા વળી. એ પછી અંગ્રેજો આવ્યા એમણે વળી પાછો આ રોડને રીનોવેટ કરાવ્યો ને મીઠા પરનો ટેક્સ વધાર્યો. આખા રોડ પર દર 3 કિમીએ ટોલનાકા બનાવ્યા ને રસ્તાને કડક જાપ્તા હેઠળ મૂકી દીધો જેથી લોકો મીઠાની દાણચોરી ન કરે. બોલો!? 🤔 સૈનિકોને પગારમાં સોલ્ટ મળતું એના પરથી સેલરી શબ્દ આપ્યો અંગ્રેજોએ. રામાપીરના પરચામાં પણ આ સોલ્ટ ટેકસની વાર્તા આવે છે. એ પછી પણ મીઠા જેવી સસ્તી સુલભ જીવનજરૂરીયાતની ચીજ પર ટેકસ ઘટ્યો નહી ને છેક દાંડીકૂચ સુધી ગાંધીજીએ લંબાવુ પડ્યુ. છતાં ય ટેક્સ તો ના જ હટ્યો. અત્યારે હાલ એ બાબતે શાંતિ છે.

સબરસ એટલે મીઠું

પણ આટલી સસ્તી ક્ષુલ્લક વસ્તુ પર આટલા બધા કડક નિયમો કેમ એ વિચાર્યું ક્યારેય તમે?
કેમ કે એ જીવનજરૂરીયાતની વસ્તુ છે. “ગુલામીના જુદાજુદા નામ પણ એક જ કામ, શોષણનું” એ જમાનામાં મીઠું લોકોને કંટ્રોલ કરતું હતું. પ્રાણીઓના શરીરનું ચેતાતંત્ર મીઠાના ક્ષારો સોડીયમ-પોટેશિયમ પર નભે છે. તદ્દન વેજીટેરીયન પ્રાણીઓ પણ મીઠાની ખપત પૂરી કરવા પથરા ચાટે છે. શરીરને જ્યારે પૂરતૂ મીઠુ ન મળે ત્યારે ઢીલુઢભ થઈ જાય, સેન્સેશન લોસ થઈ જાય, હાલુસિનેશન-ભ્રમ થાય અને આ કન્ટિન્યુઅસ ચાલુ રહે તો વ્યક્તિ શારિરીક-માનસિક લાચાર થઈ જાય, મગજમાં કેમિકલ ઈમ્બેલેન્સ થાય ને ભૂવા-ડાકલાનો ભગત થઈ જાય. એટલે માસ પ્રજાના માનસને કંટ્રોલ કરવા મીઠાં પર ટેકસ અને લિમિટેડ ઉપયોગનું બંધન હોતુ. ઇતિહાસમાં સામાજીક વ્યવસ્થા મુજબ મીઠું તમે જે જમીનદાર કે મોભાદાર વ્યક્તિના વેઠીયા કે ગરાગ હોવ એમના ત્યાંથી જ અને એ આપે એટલુ જ લાવી અને વાપરી શકતા. એ સિવાય ખરીદી ન શકો, ભલે તમારા ઘરે દૂધ-ઘી-છાશની નદીયોં વહેતી હોય. “મૈંને આપકા નમક ખાયા હૈ સરદાર!” યાદ આવ્યુ? 😁 આ ક્ષારોની શારિરીક જરૃરીયાતના કારણે જ આપણે ત્યાં ઉપવાસમાં અલગ અલગ મીઠા જેમ કે સિંધવ કે કાળા નમકનો પ્રયોગ કરવાનુ વિધાન છે. (ટોટલહ5 પ્રકારના નમક છે.)
મીઠાના કારણે જ બનેલા ગ્રાન્ડ ટ્રંક રોડને આ નામ અંગ્રેજોએ આપ્યુ. અત્યારે NH1 સહીત દશેક નેશનલ હાઈવે આ લાઈન પર બન્યા છે.

જો કે એ સમયની બલિહારી જ કહેવાય કે એક સમયે માલિકિનું પ્રતિક અને ગરિબોની દુખતી રગ નમક અત્યારે ગરિબો દ્વારા જ વહેલી પરોઢે સુખી સમૃધ્ધ વસ્તીમાં વેચાવા નીકળે છે!

નવા વર્ષની શુભકામનાઓ… 🙏

મિતાલી સમોવા

You may also like...

1 Response

 1. jitendra vaghela says:

  નવા વર્ષની શરૂઆતની ક્ષણો માં આપણું માનીતું મીઠું સબરસ બની જાય.પછી આખું વર્ષ ભલે ખારું ખારું હોય. મીઠાઈઓ ની પણ તાકાત નથી કે મીઠું શબ્દ સામે વાંધો ઉઠાવી ને ખારા ને મીઠું કહેતું અટકાવી શકે.
  દિવાળીની રાત્રે માંડ બે વાગે આંખ મીચાઈ અને સવારે ચાર વાગે તો તૂટેલા માટલા કલાડીઓ ઉપર સોટી ઠોકતાં ટક ટક ટક ટક અવાજો ચાલુ થયા.કકળાટ કાઢવાની એક અલિખિત પરમ્પરા, ઘરમાં કકકળાટ કોઈ નો પણ હોય કાઢવાનું કામ ઘરની સ્ત્રીઓનું જ એ પણ મૂંગા મોઢે જ.
  આવી નવા વર્ષની સવારે શું ખબર કોણ એવા નબીરાઓ હોય છે, જે આટલા વહેલા ફટાકડા ફોડવા ઉઠી જતા હશે? આટલી મસ્ત સવાર ફટાકડાથી ધમાધવી નાખી અને વર્ષમાં એક વાર સાંભળવા મળતી કકળાટની સંગીત બદ્ધ ટક ટક ટક ને દબાવી દીધી.
  અને મારી સોસાયટીમાં ત્રણ ચાર બાળકોનો અવાજ આવ્યો …. બધાની ઊંઘ ઉપર રીતસરનું મોબ લિન્ચિંગ.
  એ સબરસ … મોટા મોટા અવાજે
  માસી સબરસ …
  બોલો માસી સબરસ આપું ..

  મારા ઘરનો દરવાજાને પણ એક છોકરાએ લાકડીથી થપથપાવ્યો. મેં ઉપરની ગેલેરીથી થોડા ઊંચા આવજે એ લોકો ને જતા રહેવું કહ્યું .અમારે કોઈ સબરસ નથી પીવો તમે લોકો અવાજ ના કરો ઉંઘવાદો યાર. એ લોકો એ સાંભળ્યું ના સંભળાયું ખબર નથી અથવા મને સબરસમાં કઈ ગતાગમ નથી પડતી એમ સમજીને તેઓ આગળના બીજા ઘરો તરફ ગયા.અને બધાની ઊંઘ સબરસ માટે ઉડાળી લીધી.
  ફરી પાછા મારા ઘર આગળ ઉભા રહ્યા.જોર જોર થી સબરસ ની બૂમો પડતા હતા. મને થયું આલોકો ને મારે નીચે જઈને સમજવવા પડશે. હું દાદરા ઉતરતો હતો.મેં જોયું તો મારા મમ્મી પર્શ ખોલી ને પૈસા કાઢતા હતા. હું અટકી ગયો મને થયું મમ્મીને સબરસ પીવો હશે. તો લઈ જ લેવાદે એટલે આ લોકો જતા રહેશે. હું ઉપર જઈ સુઈ ગયો.
  સવારે મમ્મીને પૂછ્યું સબરસ માં કેટલા જાતના રસ ભેગા કરેલા હતા ?
  મમ્મી એ પૂછ્યું, શેના રસ?
  આ રસોડામાં ત્રણ ચાર મીઠાના ગાંગડા પડ્યા ૧૦ રૂપિયાના લીધા.એ સબરસ કહેવાય.
  હવે ખબર પડી કે આ સબરસ એટલે મીઠું … આટલો અજ્ઞાની હું એવું ના સમજી શક્યો કે આખું વર્ષ જેને આપણે મીઠું કહીયે છીએ એજ આ આજના દિવસ માટે આટલી થોડી ક્ષણ માટે નવું નામ અપનાવી સબરસ નામ ધારણ કરી લે છે.
  નવા વર્ષ ને આમ સબરસ સાથે વધાવી ને બધાના જીવન રસ ભર્યા બને અને અને આવતા બધા દિવસો સ્વાદસભર બની રહે એવી શુભેચ્છા.
  જીતેન્દ્ર વાઘેલા

Leave a Reply

Your email address will not be published.