સોશિઅલ મીડિયા | અંધભક્તોને લપડાક, ટીકટોકને પાછું મળ્યું 4.4 રેટિંગ

હાયપર-નેશનાલિસ્ટ એટલે કે મૂર્ખાઓએ ટીકટોક એપને નબળા રેટિંગ આપવાની એક ઝુંબેશ શરૂ કરેલ! જો કે એના મૂળમાં આક્રમક રાષ્ટ્રવાદ કરતા કોઈક અભદ્ર યુટ્યુબરનો વીડિયો જવાબદાર હતો જેણે આ ઝુંબેશને પલિતો ચાંપેલ.
એ વીડિયો મને મારા ભાઈએ બતાવેલ કે જો કેટલા રેકોર્ડ બનાવ્યા વીડિયોએ! કુતૂહલવશ મેં પણ એ વીડિયો જોયો અને સૌથી પહેલું કામ તો મેં એ વીડિયોને રિપોર્ટ કરવાનું કર્યું. મને ખબર હતી કે જે ચેનલમાં મિલિયનના હિસાબે સબસ્ક્રાઇબર જ નહિ, વ્યુઝ અને લાઈક પણ હોય એવા વીડિયોને હું રિપોર્ટ કરું તો કશો જ ફરક ના પડે, પણ હું મારા વિચારોમાં એટલો તો સ્પષ્ટ છું જ કે જો મારે મારા સંતાનો માટે એક પારદર્શક વ્યવસ્થાનું નિર્માણ કરવું હોય તો મારે સારાને સારું અને ખોટાને ખોટું કહેવું જ પડશે. જ્યારે યુટ્યુબે એ વીડિયો ડીલીટ કરી દીધો ત્યારે સાચે આનંદ થયો કે ભલે આપણે ત્યાં મૂર્ખાની ફૌજ હોય પણ મારા જેવા ગણ્યાગાંઠ્યા લોકોએ તો રિપોર્ટ કર્યો જ હશે એ વીડિયો. અને પોતાની આબરૂ જાળવવા યુટ્યુબે વીડિયો ડીલીટ કર્યો અને ટીકટોકના રેટિંગ ફરીથી 4.4 કરી આપ્યા, કોર્પોરેટ દુનિયા પ્રોટોકોલ્સ પર ચાલે છે, એ રાજકારણ નથી કે કોઈપણ ગુંડા ચલાવી જાય.
હવે એ ડાઉનરેટ કરવાવાળા ટણપાઓ માટે એક વાત. તમને એવું લાગે કે ટીકટોક નામની એક એપથી ચીનના અર્થતંત્રને ફરક પડશે એમ? ટીકટોક એપ ByteDance નામની કંપનીની માત્ર એક પ્રોડક્ટ્ છે. કદાચ એમની એક પ્રોડક્ટ માર્કેટમાં ફ્લોપ જાય તો એટલી મોટી કંપનીને કોઈ જ ફરક ના પડે. ગુગલનું ઓરકુટ પણ ઘણું ગાંજીને આખરે ફેસબુક સામે હારી ગયું ત્યારે ગુગલે એને પ્રોફેશનલ ઓપ આપી પ્લસ ગુગલ નામ આપીને ફરી લોન્ચ કર્યું, પણ ધારી સફળતા ના મળી. છતાં ગૂગલની હજારેક પ્રોડક્ટ્સ માર્કેટમાં ધૂમ મચાવે છે, કોઈ કંપની એક પ્રોડક્ટ પર ના જીવતી હોય. મારી જેવા બાળકો પણ ચાર-પાંચ પ્રોડક્ટ લઈને ચાલતા હોય છે. (Indus Toons એમાંની એક છે, કાલે એ બંધ થાય તો મને સહેજે ફરક ના પડે) તો મલ્ટી-નેશનલ કંપનીઓની વાત તો રહેવા જ દો.
રહી વાત ચાઈનીઝ માલના બહિષ્કારની તો એ શક્ય નથી. ભારતમાં લેપટોપ બનાવતી પાંચ કંપનીના નામ આપો. માઇક્રોમેક્સ ફોનની ક્વોલિટી જોઈ હતી ને? ઇલેક્ટ્રોનિક્સ આઇટમની વાત જવા દો, ફૂડ એન્ડ ડ્રગ્સ સેફટીના તમામ નિયમોનું પાલન કરીને આપણે એક વડાપાઉં બનાવી શકીએ એમ નથી. અહીં મને આ વાક્ય લખતા કોઈ આનંદ નથી થતો પણ જો સુધારો લાવવો જ હોય તો પેલા આપણી પરિસ્થિતિ તો સમજવી જ પડશે. જો આર્થિક વાણિજ્ય-આત્મનિર્ભરતાની વાત હોય તો આપણે દેશભક્તિ કરતા પહેલા ક્વોલિટી કન્ટ્રોલ સમજવું પડે એમ છે.
આપણી 99% સરકારી વેબસાઈટ Asp.Net નામની ટેક્નોલોજીમાં બને છે અને ખબર નહિ દસમુ ફેઈલ થયેલા પ્રોગ્રામર હોય એ તો રામ જાણે, પણ એક ફોર્મ સબમિટ કરવામાં પણ આખું પેજ પોસ્ટબેક કરે છે (ટૂંકમાં જ્યાં 4 Kb ડેટાથી કામ ચાલી શકે ત્યાં આપણે 5-6Mb ડેટા વાપરવો પડે છે). જ્યાં સુધી આપણે ત્યાં એવા લેવલની પ્રોડક્ટ નહિ બને ત્યાં સુધી બીજાની સારી પ્રોડક્ટનો બહિષ્કાર કરવાનો કોઈ અર્થ નથી. પાકિસ્તાન આપણાં ટામેટાનો બહિષ્કાર કરે અને આપણે ચાઈનીઝ માલનો, બન્ને એક સરખી જ વાત છે.