યોગ સપ્તાહ નિમિત્તે કેટલાંક અકલ્પનીય અને અલભ્ય યોગાસનો

1.સૂનમૂનાસન:
આ આસન કરતી વખતે એક ઓરડામાં એકદમ અંધારુ કરીને સૂનમૂન એકલા બેસવાનું રહેશે. જયા સુધી મનમા આપઘાતના વિચારો શરૂ ન થાય અથવા દરવાજા બહારથી તમારા ઘરના લોકો તમારી ચિંતામાં દરવાજો ન ખખડાવે ત્યા સુધી આ આસન ચાલુ રાખી શકાય.
2.પશ્ચ્યાતાપાસન:
આ આસનમાં એક અલાયદી જગ્યાએ પલાઠી વાળીને બેસવાનું રહેશે. તમારા જમણા હાથને લંબાવીને હાથની તમામ આંગળીના નખ દેખાય એ રીતે હાથને લંબાવેલો રાખવાનો રહેશે અને એક પછી એક આંગળી મુઠ્ઠીની મુદ્રામાં બંધ કરવાની રહેશે. કેવળ એક જ આંગળી જેના ઉપર મતદાન કરતી વખતે અવિલોપ્ય શાહી લગાડવામાં આવી હતી તે જ આંગળીને નજર સમક્ષ રાખીને ઊંડા શ્વાસ લઇને પશ્ચાતાપ કરવાનો રહેશે.
૩.જાતછેતરામણાસન:
આ આસન અતિ દૂર્ગમ છે. આ આસનમાં તમારે તમારૂ દ્વિચ્રકી કે ચર્તુચક્રીવાહનને ઈંઘણપૂરક સ્થાન સુધી લઇ જવાનુ રહેશે. આપ આપના વાહનને સ્વબળે પણ લઇ જઇ શકો. આ ક્રિયાથી આપ અધિક વ્યાયામનો પણ સાક્ષાત્કાર કરી શકશો. પરંતુ, જ્યારે પણ આપને ઈંધણપૂરક પ્રક્રિયામાંથી પસાર થવાનુ આવે તો તત્ક્ષણે ઈંઘણપૂરક કર્મચારીને નકાર દર્શાવી નિકળી જવાનુ રહેશે. આ આસનથી આપને આર્થિક લાભ પણ થાય છે. કેટલાક હિંસક ઈંઘણપૂરક માનવ દ્રારા આપને પ્રતાડિત થવાનો પણ સંભવ કે શક્યતા હોય છે જે આ આસનના ભયસ્થાન કહી શકાય. પણ આ આસનથી તમે સરકાર, ઈધણસંસ્થાઓ અને તમારી જાતને પણ આનાથી છેતરી શકશો.
4.અપશબ્દાશન:
સંસ્કારી કે અતિસંસ્કારી પ્રકૃતિના સાધકો અને સાધિકાઓએ આ આસનના પ્રારંભે અતિઉગ્ર કે અતિપ્રચંડ થવુ ઘાતક સિધ્ધ થાય છે. હૃદય સંબંધી કે મસ્તિષ્ક સંબંધી વ્યાધિનો સામનો પણ કરવો પડી શકે છે. પરંતુ જે વિશિષ્ટ સાધકો અપશબ્દોને પોતપોતાની જીવનચર્યાના અભિન્ન અંગ તરીકે જુએ છે અને અભદ્ર કથાવસ્તુવાળી જાળશૃંખલાનુ (વેબ સિરિઝ) નિયમિત સેવન કરે છે તેવા સાધકો પ્રારંભથી જ અતિ ઉગ્રતા ધારણ કરી શકે છે. આ આસનમાં તમને આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં મૂકનાર તમામ તત્વો સાથે પારિવારિક સંબંધોના નૈકટ્યની કલ્પના કરી વિકટ-અતિવિકટ અપશબ્દોનુ ઉચ્ચારણ કરવાનુ રહે છે. આવા અપશબ્દોનુ રટણ કેવળ મનોમન કે અતિ મંદ સ્વરે કરવાનુ રહે છે. જેથી આપણી સંસ્કારિતા અકબંધ રહી શકે. જો પ્રચંડ અવાજે આ આસનનું સેવન કરવામા આવે તો રાજદ્રોહના પણ યોગ ઉપસ્થિત થઇ શકે છે.