ભૂત આવ્યું ભૂત…

(મારી એક સત્ય ઘટના)
અંધશ્રદ્ધાની પગદંડી
કેટલાક બનાવો એવા બની ગયા હોય કે આપણે જાણે અજાણે તર્ક વિતર્ક વિના જ સાચા માની બેસીએ તો મન માં કાયમી અંધશ્રદ્ધાના બીજ રોપાઈ જતાં હોય છે.
મારો પ્રાથમિક અભ્યાસ ગામડામાં થયો, શાળા સમયથી જ ધાર્મિક હોવા છતાં કહેવાતા ચમત્કારોના મૂળિયાં ખોતરવાની આદત હતી.
મારા ફળિયાના એક બેને કૂવામાં પડીને આપઘાત કરી લીધો હતો. ગામમાં વાતો થતી હતી કે પેલા બેન નો જીવ અવગતે ગયો અને ભૂત બનીને અહી તહી ભટકે છે. અને કૂવો મારા ઘરથી ૧૦૦ મીટરના જ અંતરે હતો. વળી આ વાતને એક વર્ષ થયું ત્યાં એક નવી વાત આવી કે એ બેન રાત્રે કૂવાની ઉપર મૂકેલા કપડાં ધોવાના પત્થર ઉપર કપડાં ધૂએ છે. એટલે કે લોકો એ કપડાં ધોવા જે ધોકા મારતી એનો અવાજ એક બે નહિ આખા ફળિયાના લગભગ બધા લોકોસાંભડયો હતો. રાત પડે ને ફળિયામાં સન્નાટો છવાઈ જાય.
એક વાર અડધી રાત્રે અચાનક મારી ઊંઘ ઊડી ગઈ. મને પેલા ભૂત દ્વારા કપડાં ધોવાની વાત યાદ આવી. હું એકલો જ જાગતો હોવાથી જાણવાની તાલાવેલી સાથે મનમાં ગભરાટ પણ ખરો, દિવસે હું હોશિયારી મારતો આવું તે કઇ હોતું હશે, એ હોશિયારી મારી રાત્રે છું થઈ ગઈ. રજાઈ પકડી માથું અંદર કરી લપેટાઈ ગયો. અને ત્યાં જ કપડાં ધોવાના પેલા ધોકાનો અવાજ ચાલુ. ધબબ ,,,ધબબ,,, ધબબ,,, એક જ રિધમમાં આવ્યા કરે પછી બે પાંચ મિનિટ બંધ પણ થઈ જાય. પછી વિચાર્યું થોડું ધ્યાનથી સાંભળું પાણી લેવાનો કે કપડાં ને ઝાટકવાનો એવો પણ અવાજ આવશે. પણ એક જ રિધમ માત્ર ધબબ,, ધબબ,, , ક્યાંય પાણીનો અવાજ નહિ ક્યાંક બે ધોકા મારવાના સમયમાં ફેરફાર નહિ, કપડાં યંત્રવત ધોવાતા ગયા . આમ વીસ એક મિનિટ ચાલ્યું હશે તો વિશ્વાસ બેઠો કે ભૂત આપણને ડરાવવા નહિ પણ એનો જીવ કપડાં ધોવામાં રહી ગયો હશે એટલે ધૂએ છે આપડે ડરવાની જરૂર નથી.
હિંમત કરી રજાઈ માંથી માથું બહાર કાઢ્યું. પેહલા તો મને એમ લાગ્યું કે ભૂત તો બધુ જાણતું જ હોય એટલે જો એને ખબર પડે અને મારુ મોઢું રજાઈ માંથી બહાર કાઢવાથી એને વાંધો હશે તો જરૂર કઈક જુદા જુદા બિહામણાં આવજો કાઢશે. તો આવું કઈક થાય તો ફરી તરત રજાઈમાં છુપાઈ જવાની તૈયારીઓ રાખી. પણ ધબબ ધબબ તો ચાલુજ રહ્યું.
જેમ મે રજાઈ માંથી મોઢું બહાર કાઢ્યું હતું એમ હવે મને આખી રજાઈ ફગાવી દેવાની હિંમત મળી. ભૂત થોડું ફ્રેન્ડલી લાગવા મોડ્યુ. કૂવો અને મારા ઘરની વચ્ચે થોળની વાડ હતી. ભૂત મને જોઇના જાય એની સાવચેતી રાખી વાડ સુધી પહોંચી ને ત્યાં બેસી ગયો. આછા આછા પ્રકાશમાં જોવા પ્રયત્ન કર્યો.
કૂવા ઉપર કોઈ દેખાયુ નહિ , પણ હા , એ ચોક્કસ હતું કે અવાજો તો કૂવાથી જ આવતા હતા. વાડ ના સહારે સહારે થોડો થોડો આગળ ગયો.
જોયું તો અરે.. યાર..આ શું ?
એ કૂવાને અડીને એક ભેસ બાંધેલી હતી, અને એ ભેસ એની આદત મુજબ શિંગડુ એને જ બાંધેલા ખીલા ઉપર ઠપકાર્યા કરતી હતી. કારણકે એ ભેસને કાન માં કૈક તકલીફ હતી. દિવસે પણ આવું કરતી હતી, પણ રાતના એકાંત અને સૂમસામ સમયમાં આવે એવો અવાજ કોઈના ધ્યાન માં ગયો નહિ. પછી તો છેક કૂવા સુધી પહોંચ્યો. કન્ફોર્મ કર્યું કે આ અવાજો કરે એ કોઈ ભૂત નથી પણ ભેસ જ છે.
સવારે મારુ કહ્યું માને કોણ ? એટલે રાત્રે મમ્મી ને જગાડી. શું થયું એ સમજવાતો હતો ત્યાં ભેસ એ ફરી ધબબ ધબબ ચાલુ કર્યું. અને અમે બંને ફરી વાર ત્યાં જઈને નજરે જોયું કે આ ભૂત નહિ ભેસ જ છે.
એ રાત્રે ભૂત અને ભેસ વચ્ચે નો ભેદ ન ખૂલ્યો હોતો તો આજે હું પણ ભૂત, ભૂવા બાધા, માદરિયા માં ગળાબુડ હોતો, કદાચ સારામાં સારો ભૂવો બની ગયો હોતો. હા જાથા વાળા પણ પર્દાફાસ ન કરી શકે એવો જ તે…
(આ એક જ છે બીજો અનુભવ ફરી ક્યારેક )