શુ મંદી તમારા ઘરમાં ઘુસી છે? આ રીતે ચેક કરો.

ગઈકાલે મારા એક મિત્રએ કહ્યું કે, “મંદી એટલી બધી છે કે લોકોએ ફરીથી સાબુના નાના ટુકડા હાથ ધોવા માટે વાપરવાનું શરૂ કરી દીધું છે. જે પહેલા ફેંકી દેતા હતા.”
હું આ સરકારનો વિરોધી છું પણ સાવ આવી બાબતોને મંદી સાથે કેવી રીતે જોડું? તો તેમણે કહ્યું કે, “રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદવાની લોકોની શક્તિ ઓછી થઈ ગઈ છે. મોંઘવારીના લીધે હવે પહેલા જેટલી બચત થતી નથી એટલે લોકોએ સાબુના નાના ટુકડા વાપરવાનું શરૂ કર્યું છે. જે એક બે દિવસ ખેંચી શકાય! વળી, આ ટુકડા સંડાસ પછી હાથ ધોવામાં પણ વાપરીને લોકો દિવસો ખેંચી રહ્યા છે. જેથી નવા સાબુની ખરીદી લંબાવી શકાય.”
આ રોજબરોજ વપરાતા સમાનને FMCG કહે છે. Fast Moving Consumer Goods. જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં, સરળ ભાષામાં જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ કહીએ છે.
ઇકોનોમિક્સ એક બોરિંગ સબ્જેક્ટ છે. મારા બાપાએ મને જબરજસ્તી 11 કોમર્સમાં એડમિશન લેવડાવ્યું હતું અને લગભગ 4 દિવસના ઘમાસાણ યુદ્ધ બાદ મેં વિજય પ્રાપ્ત કર્યો અને 11 સાયન્સમાં એડમિશન લીધું હતું. તે દિવસ અને આજનો દિવસ, હું અને મારા બાપા વચ્ચે કાશ્મીર વિવાદ શરુ થઈ ગયો, જેનો ઉકેલ આજ સુધી આવ્યો નથી. ઇકોનોમિકસે સૌથી વધુ નુકશાન તો મારું જ કર્યું છે.😭
મુદ્દાની વાત,
ઇકોનોમિક્સ મારા કે તમારા રસનો વિષય ના હોવા છતાં આજે રસ લેવો પડે એમ છે. કારણ કે આ જ ઇકોનોમિક્સ આવનાર સમયમાં ભારતમાં લૂંટ ફાટ, હત્યા જેવા ગુનાઓ શરૂ કરાવશે. કેવી રીતે? એ વિષયે અલગથી આર્ટિકલ કરીશું. આજે વાત તમારા ઘરમાં મંદી પહોંચી છે કે નહીં તેની કરીએ.
તો આપણે વાત કરતા હતા #FMCG ની.
આ FMCG પ્રોડક્ટ સૌથી વધુ વેચાતી હોય છે. જેમ કે, સાબુ, ટૂથ પેસ્ટ, બ્રશ, કરિયાણું, દૂધ, ચા પત્તી, વિગેરે. જ્યારે મંદી આવે ત્યારે લોકો ઓછી જરૂરી ચીજ વસ્તુઓ પર સૌથી પહેલો કાપ મૂકે છે. જેમ કે, પેટ્રોલ, પ્રવાસ, ભેટ સોગાદ આપવી, જમવામાં મીઠાઈ, સૂકો મેવો, હોટેલમાં જમવાનું, ફિલ્મ જોવી, વિગેરે. જેના પર કાપ મૂકીને લોકો ઘરનું બજેટ બેલેન્સ કરવામાં આવે છે. પણ ટૂથ પેસ્ટ, બ્રશ, કરિયાણું, વિગેરે પર કાપ મૂકી શકાય તેમ નથી. આ પ્રોડક્ટ્સ જોઈએ એટલે જોઈએ જ. આ FMCG પ્રોડક્ટમાં અત્યારે ભારે મંદી આવી છે.
મોબાઈલ, ટીવી, ઈન્ટરનેટ, કાર, સ્કૂટર, AC જેવી સુવિધાઓ સૌથી પહેલી મંદીમાં સપડાય છે. જે આપણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં જોઈ રહ્યા છે. યુનિટો બંધ થઈ રહ્યા છે. કર્મચારીઓને છુટા કરવામાં આવી રહ્યા છે.
મંદીના સમયમાં આ ઉદ્યોગો પછી અને સૌથી છેલ્લે, #FMCG સેકટરનો વારો આવે છે. આવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી અને ખપત લોકોએ ઓછી કરવા માંડી છે.
જેમ કે,
સાબુના ટુકડા સંડાસ ગયા પછી હાથ ધોવામાં ઉપયોગમાં લેવાનું શરૂ કરવું.
જે લોકો દર 2 મહિને બ્રશ બદલતા હતા, તેઓ વધુ સમય સુધી બ્રશ વાપરવું,
ટૂથ પેસ્ટને નીચોવી નીચોવીને ઉપયોગ કરવો.
ખાવામાં શાકભાજીનું પ્રમાણ ઘટાડવું.
કઠોળનું પ્રમાણ ઘટાડવું.
રસાવાળી શાકભાજી વધારે બનાવવી.
વર્ષમાં 4 જોડી કપડાં લેતા હોય તો જોડીની સંખ્યા ઘટાડવી.
વેહિકલ બહાર કાઢતા પહેલા વિચારવું.
સોસાયટીના નાકે કે નજીકના ગલ્લે ચાલતા જવું, જે પહેલા કિક મારીને ઉપડી જતા હતા,
પરિવાર સાથે પ્રવાસ ઘટાડવો,
ફરજિયાત બહારગામ જવું પડે તેવું હોય તો ઘરના ઓછામાં ઓછા સભ્યોને લઈ જવા,
ટૂંકમાં,
જ્યાંથી રોજબરોજની જિંદગીમાં જ્યાંથી રૂપિયા બચે ત્યાંથી રૂપિયા બચાવવા પ્રયત્ન કરવો.
ચિપ્સ વિગેરેના પડીકાનો વપરાશ ઘટાડવો.
5 રૂપિયાની સામાન્ય બિસ્કિટની ખરીદી પણ ટાળવી.
શુ તમે આ રીતે રૂપિયા બચાવવાનું શરૂ કર્યું છે? ખરીદી ઓછી કરી દીધી છે? જો હા, તો તમારું ઘર મંદીની ચપેટમાં આવી ગયું છે તેમ સમજવું. અને ભારતની ઈકોનોમીમાં રસ લેવાનું તમારે શરૂ કરી દેવું જોઈએ.
આજે સવારે પાડેલો આ મારા શોપ કેસનો ફોટો છે. મેં સવાર સવારમાં પેલા ઈકોનોમિસ્ટ મિત્રને યાદ કર્યા. ગઈકાલે જેટલા મોટા ટુકડા હતા એ બધા વાપરી નાંખ્યા. હવે આ જ બચ્યું છે. અને અત્યારે નવો સાબુ લેવા ઘરની બહાર નીકળ્યો છે.
કૌશિક શરૂઆત
જય ભારત
એક ભારત
નોંધ : હું વર્ષોથી મેડીમીકસનું 3-4 સાબુનું પેકેટ લેવાનો જ આગ્રહ રાખું છું. પણ લગભગ 4 મહિનાથી એક એક સાબુ જ ખરીદુ છું. શુ તમારા ઘરમાં આવી સ્થિતિ છે? મંદી છે? ચેક કરજો.