૩ કૃષિ બિલ | વડાપ્રધાનના શબ્દોમાં સચ્ચાઈ નથી, કપટ છે !

Wjatsapp
Telegram

19 નવેમ્બર 2021ના રોજ સવારે વડાપ્રધાન ટીવી ઉપર અવતરિત થયા અને કહ્યું : “આજ હું આપને, પૂરા દેશને એ બતાવવા આવ્યો છું કે અમે ત્રણ કૃષિ કાનૂનોને પરત ખેંચવા-Repeal કરવાનો નિર્ણય કરેલ છે. કિસાનોની સ્થિતિ સુધારવાના આ મહાઅભિયાનમાં દેશમાં ત્રણ કૃષિકાનૂન લાવવામાં આવ્યા હતા. ઈરાદો એ હતો કે દેશના કિસાનોને, ખાસ કરીને નાના કિસાનોને વધુ તાકાત મળે; એને પોતાની ઉપજની સાચી કિંમત મળે; અને ઉપજ વેચવા વધુને વધુ વિકલ્પ મળે. વર્ષોથી આ માંગણી; દેશના કિસાનો/દેશના કૃષિ વિશેષજ્ઞો/દેશના કૃષિ અર્થશાસ્ત્રીઓ/દેશના કિસાન સંગઠનો લગાતાર કરી રહ્યા હતા. પહેલા પણ ઘણી સરકારોએ આ બાબતે મંથન કર્યું હતું. આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ, મંથન થયું. અને આ કાનૂન લાવવામાં આવ્યા. દેશના ખૂણે ખૂણે, કોટિ-કોટિ કિસાનોએ/અનેક કિસાન સંગઠનોએ એનું સ્વાગત કર્યું; સમર્થન કર્યું. હું આજે એ બધાનો ખૂબ ખૂબ આભારી છું, ધન્યવાદ કરવા ઈચ્છું છું. સાથીઓ, અમારી સરકાર; કિસાનોના કલ્યાણ માટે; ખાસ કરીને નાના કિસાનોના કલ્યાણ માટે દેશના કૃષિજગતના હિતમાં; દેશના હિતમાં; ગામડા અને ગરીબોના ઉજ્જવળ ભવિષ્ય માટે; પૂરી સત્યનિષ્ઠાથી, કિસાનો પ્રત્યે પૂર્ણ સમર્પણ ભાવથી, નેક નિયતથી; આ કાનૂન લઈને આવી હતી. પરંતુ આટલી પવિત્ર વાત, પૂર્ણરુપથી શુદ્ધ, કિસાનોના હિતની વાત, અમે અમારા પ્રયાસો છતાં કેટલાંક કિસાનોને સમજાવી શક્યા નહીં ! ભલે કિસાનોનો એક વર્ગ વિરોધ કરી કહ્યો હતો, તેમ છતાં એ અમારા માટે મહત્વપૂર્ણ હતું. કૃષિ અર્થશાસ્ત્રીઓએ/વૈજ્ઞાનિકોએ/પ્રગતિશીલ કિસાનોએ કૃષિ કાનૂનોના મહત્વને સમજાવવાનો ભરપૂર પ્રયાસ પણ કર્યા. અમે પૂરી વિનમ્રતાથી, ખૂલ્લા મનથી, એમને સમજાવતા રહ્યા. અનેક માધ્યમોથી, વ્યક્તિગત અને સામૂહિક વાતચીત લગાતાર થતી રહી; અમે કિસાનોની વાતને; એમના તર્કને સમજવામાં કોઈ કસર ન રાખી. કાનૂનોની જે જોગવાઈ ઉપર તેમને વાંધો હતો, સરકાર તેને બદલવા તૈયાર થઈ ગઈ; બે વર્ષ સુધી આ કાનૂનોને સસ્પેન્ડ-મોકૂફ રાખવાનો પ્રસ્તાવ આપ્યો. આ દરમિયાન આ વિષય માનનીય સુપ્રિમકોર્ટ પાસે ચાલ્યો ગયો. આ બધી બાબતો દેશની સમક્ષ છે. એટલે હું એના વઘુ વિસ્તારમાં નહીં જાઉં. સાથીઓ, હું આજે દેશવાસીઓની ક્ષમા માંગતા, સાચા મનથી, પવિત્ર હ્રદયથી કહેવા માંગુ છું કે કદાચ અમારી તપસ્યામાં કોઈ ખામી રહી હોય જેના કારણે દિવાના પ્રકાશ જેવું સત્ય કેટલાંક કિસાન ભાઈઓને સમજાવી શક્યા નહીં. સાથીઓ, હું આજ આપણા દરેક આંદોલનરત કિસાન સાથીઓને આગ્રહ કરી રહ્યો છું કે આજ ગુરુ પર્વનો પવિત્ર દિવસ છે; હવે આપ પોતપોતાના ઘેર પરત જાઓ, પોતાના ખેતરે જાઓ, પોતાના પરિવાર વચ્ચે જાઓ. આવો એક નવી શરુઆત કરીએ !”

વડાપ્રધાનને રુપાળા અને છેતરામણા શબ્દોથી પોતાનો બચાવ ઊભો કર્યો છે : [1] કિસાનોની સ્થિતિ સુધારવા ત્રણ કૃષિ કાનૂન લાવ્યા હતા ! સ્પષ્ટતા : જો કિસાનોની સ્થિતિ જ સુધારવી હોય તો પ્રથમ પગથિયું છે MSP-મિનિમમ સપોર્ટ પ્રાઈસની કાનૂની ગેરંટી. તેનો ઉલ્લેખ આ કાનુનોમાં કેમ કરેલ ન હતો? ઉપજની સાચી કિંમત MSPથી મળે. MSPની માંગણી, વર્ષોથી દેશના કિસાનો/દેશના કૃષિ વિશેષજ્ઞો/દેશના કૃષિ અર્થશાસ્ત્રીઓ/દેશના કિસાન સંગઠનો લગાતાર કરી રહ્યા છે; એનો અમલ કેમ થતો નથી? કોઈ પણ કિસાન કૃષિ ઉપજનો અમર્યાદ જથ્થો સંગ્રહ કરી શકે; એવી ભલામણ ક્યા કૃષિ વૈજ્ઞાનિકે/અર્થશાસ્ત્રીએ/કિસાન સંગઠનોએ કરી છે? બસ જૂઠના ગોળા જ ફેંકવાના? [2] ખાસ કરીને નાના કિસાનોને તાકાત આપવાનો ઇરાદો હતો ! સ્પષ્ટતા : નાના કિસાનો ચિંતાનો ઢોંગ કરીને અદાણી જેવા કોર્પોરેટ મિત્રોની વડાપ્રધાનને વધુ ચિંતા છે. છેલ્લા સાત વરસમાં એક પણ પગલું એવું ભર્યું નથી કે વડાપ્રધાનને ગરીબોની/નાના ખેડૂતોની ચિંતા હોય. પેટ્રોલ-ડીઝલના આકાશી ભાવ વધારાના કારણે મધ્યમવર્ગ/ગરીબો અનેક હાડમારી વચ્ચે પીસાઈ રહ્યાં છે. સામૂહિક આત્મહત્યાઓની ઘટનાઓ બની રહી છે. [3] જો દેશના ખૂણે ખૂણે, કોટિ-કોટિ કિસાનોએ/અનેક કિસાન સંગઠનોએ કૃષિકાનૂનોનું સ્વાગત/સમર્થન કર્યું હોય તો શામાટે પરત ખેંચવાની જાહેરાત કરી? કેટલાંક કિસાનોનો વિરોધ મહત્વનો કે કોટિ-કોટિ કિસાનોનું સમર્થન? વડાપ્રધાનજી, આપ શું બોલી રહ્યા છો? લોકોને મૂરખ સમજો છો? [4] પૂરી સત્યનિષ્ઠાથી, કિસાનો પ્રત્યે પૂર્ણ સમર્પણ ભાવથી, નેક નિયતથી; કૃષિકાનૂનો કોરોના મહામારીમાં લાવવાની જરુર શી હતી? ઉતાવળે સંસદમાં પાસ કરવાની જરુર શી હતી? પવિત્ર વાત, પૂર્ણરુપથી શુદ્ધ, કિસાનોના હિતની વાત, શામાટે કિસાનોના ગળે ન ઉતરી? કોર્પોરેટ મિત્રોના લાભ માટેના કાયદાઓ કિસાનોના ગળે ન ઉતરે. કૃષિ અર્થશાસ્ત્રીઓએ/વૈજ્ઞાનિકોએ ત્રણ કૃષિ કાયદાઓને ‘કાળા કાયદા’ કહ્યા; છતાં આંખ ન ખૂલી? વડાપ્રધાનજી, અવળી તપસ્યાનો કોઈ પ્રભાવ પડતો નથી. [5] વડાપ્રધાન એક બાજુ ત્રણ કૃષિ કાનૂનો પરત ખેંચવાની જાહેરાત કરે છે; તો બીજી તરફ ત્રણ કૃષિ કાનૂનોને નાના કિસાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે હતા; તેવું બોલે છે ! અદાણી વગેરેના ઉજ્જવળ ભવિષ્ય માટેના કાનૂનો નાના કિસાનો માટે કાળા જ સાબિત થાય ! હિમાચલ પ્રદેશમાં અદાણીએ સફરજનના ખેડૂતોની હાલત ખરાબ કરી છે; એ વડાપ્રધાનને દેખાતું નહીં હોય?

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

સુપ્રિમકોર્ટે ગઠિત કરેલ સમિતિના સભ્ય અનિલ ઘનવતે 19 નવેમ્બર 2021ના રોજ કહ્યું છે : ’સમિતિની ભલામણો વડાપ્રધાને વાંચી પણ નથી ! કૃષિ કાનૂનો રદ કરવાનો નિર્ણય વિશુદ્ધ રુપથી રાજકીય છે, જેનો ઉદ્દેશ્ય ઉત્તરપ્રદેશ તથા પંજાબની વિધાન સભાઓમાં જીત હાંસલ કરવાનો છે !’ વડાપ્રધાન ‘દેશવાસીઓની ક્ષમા માંગતા, સાચા મનથી, પવિત્ર હ્રદયથી’ જે કંઈ કહે છે; તેના ઉપર લોકોને વિશ્વાસ બેસતો નથી; કેમકે તેઓ બોલે છે, તેનાથી ઉલટું કામ કરે છે. વડાપ્રધાનના શબ્દોમાં સચ્ચાઈ નથી, કપટ છે ! વડાપ્રધાનનું આવું ચરિત્ર બની ગયું છે; તે ચિંતાનો વિષય છે !

રમેશ સવાણી

You may also like...