ઉના એનાલિસિસ | દલિતોએ શુ મેળવ્યું? શુ ગુમાવ્યું?

Wjatsapp
Telegram

ઉના અત્યાચાર – ૪ વર્ષ પૂર્ણ.

          ઉના અત્યાચારનો એ વિડિયો જેણે સમગ્ર સમાજને ગાઢ ઉંઘમાંથી ઢંઢોળીને જગાડી હતી અને લોકોને પોતાના ઘરોમાંથી રોડ-રસ્તા સુધી ખેંચી લાવ્યો હતો. એજ વિડિયો જોઈ મારા જેવા અનેક બહુજન યુવાઓ સમાજની જમીની હકીકતથી વાકેફ થયા, લખતાં-બોલતા થયા, રેલીઓમાં હાજર થયા અને બહુજન મહાનાયકોની મહાનતા સાથે પરિચિત થયા. આમ આ બનાવે સમગ્ર સમાજ માટે એક ચિંગારીનું કામ કર્યુ જેણે સમાજમાં અનેક આશાઓ જન્માવી હતી.
           આજે ૪ વર્ષ બાદ જયારે આપણે પાછા વળી જોઇએ છીએ તો જે આશાઓ જન્મી હતી એ ખોટી દેખાઇ રહી છે. સમાજ પર એજ અત્યાચારો થઇ રહ્યા છે, ઉના અત્યાચારના પીડીતો ગુમનામીના અંધારામાં ધકેલાઇ ચૂક્યા છે. રોડ-રસ્તાઓ ગૂંજવનાર આગેવાનો એસી ઓફિસમાં સેટલ થઇ ચૂક્યા છે. આગઝરતાં ભાષણો અને નિવેદનો કરતાં સમાજના વાઘો ભાજપ-કોંગ્રેસ ની પાલતું બિલાડી બની ચૂક્યા છે. મનુવાદીઓ આજેપણ કાયદાનો ડર રાખ્યા વગર બિન્દાસ્ત આપણા લોકોને મારી રહ્યા છે, અપમાનિત કરી રહ્યા છે. ભાનુભાઇ જેવા સમાજના સાચા વીર ને લોકો સમય પૂરતું માન આપી ભૂલી ચુક્યા છે. તો શું આપણો જન્મ માત્ર અત્યાચાર સહેવા જ થયો છે. આવા અનેક સવાલો સમાજના સાચા માણસોને સતાવી રહ્યા છે. ઉના અત્યાચાર બાદ સમાજમાં કેટલાક હકારાત્મક અને નકારાત્મક એમ બંને પરિણામો જોવા મળ્યા છે. આવો નજર નાંખીએ.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

હકારાત્મક પરિણામો:
👉 ઉનાકાંડ બાદ બહુજન યુવાઓ સમાજની સમસ્યાઓ અંગે રસ લેતા થયા છે.
👉 ઉનાકાંડ ના લીધે વર્ષોથી દબાવી રાખવામાં આવેલો બહુજન મહાપુરુષોનો ઇતિહાસ ઉજાગર થયો.
👉 ઉનાકાંડ બાદ ગુજરાતના અસંખ્ય ગામડાઓમાં મરેલા ઢોર તાણવાના ગુલામી કાર્યને લોકોએ જાકારો આપ્યો.
👉 ઉના અત્યાચાર ના લીધે અસંખ્ય બહુજન યુવાઓ લખતાં, બોલતાં, વ‍ાંચતા થયા તેમજ ખોટા કાર્યો સામે સવાલો કરતાં થયાં.
👉 ઉનાકાંડ બાદ સોશિયલ મિડિયા બહુજન જાગૃતિ નું સૌથી મોટું પ્લેટફોર્મ બન્યું.

નકારાત્મક પરિણામો:
👉 ઉનાકાંડ બાદ પણ અસંખ્ય અત્યાચારના બનાવો ચાલું જ રહ્યાં.
👉 ઉનાકાંડ બાદ બહુજનોની યુવા રાજનીતીનો પ્રારંભ થવાની આશા ઠગારી નીવડી.સમાજના અત્યાચારનો મુદ્દો આગળ ધરી, સમાજના વોટ અને સહકારથી જીતી અંતે નવું બહુજન યુવા રાજકારણ ભાજપ-કોંગ્રેસના ચરણોમાં ગયું.
👉 ઉનાકાંડ બાદ આટલી જાગૃતિ છતાં આજે પણ એટ્રોસિટીની ફરિયાદ લેવામાં આવતી નથી.
👉 ઉનાકાંડ બાદ ભાજપ-કોંગ્રેસે તેમની રણનીતી બદલી, પોતાના પક્ષના ઉમેદવારો ઉભા રાખવાને બદલે પોતાના જ અપક્ષો ઉભા કર્યા અને તેઓ સફળ રહ્યા.
👉 ઉનાકાંડ બાદ સ્થાપાયેલી સમાજની એકતાને સામ્યવાદીઓ દ્વારા સમયાંતરે લાલ સલામ-નીલા સલામ  જેવા વિભાજીત સૂત્રો દ્વારા તોડવાનો સિલસિલો શરુ થયો.
👉 ઉનાકાંડ બાદ સમાજના નામે જીતેલા કેટલાક ગદ્દારો જીત્યા બાદ બાબાસાહેબ, મહાન પેરિયાર, માન્યવર કાંશીરામ જેવા બહુજન મહાનાયકોની વિચારધારાનો જ વિરોધ કરતાં થયાં.
👉 સમાજ પરના અત્યાચારને અવસરમાં ફેરવી અમુક ગદ્દારોએ બહુજન મતોનું ધ્રુવીકરણ શરુ કર્યુ.
            આમ જોવા જઇએ તો ઉનાકાંડ બાદ શરુ થયેલી સામાજીક નવચેતના ફરી પાછી વિરામ પામી છે. સમાજના સામાજીક કાર્યકરો, સેવાભાવી સંસ્થાઓ, આંદોલનકારીઓ ફરી નવા અત્યાચારની રાહ જોઇ બેઠાં છે. ફરી કોઇક અત્યાચાર થશે ને ફરી કોઇ ને સમાજના નવા આગેવાન અને નવા નેતા બનવાની તક મળશે. પણ એક જાગૃત સમાજ તરીકે આપણી ફરજ છે કે આપણે ચુંટેલા નેતાઓ અને નિમેલા આગેવાનો સમાજની સાચી સેવા કરી રહ્યા છે કે નહી. આપણે જ જાગૃત થવું પડશે જેથી કોઇ આપણો ઉપયોગ ન કરી જાય. માત્ર સોશિયલ મિડીયા પૂરતાં સિમિત ન રહેતાં વિવિધ મોરચે એક્ટિવ થઇએ. પોતાની આજુબાજુના લોકોને વિચારધારાથી પરિચિત કરાવીએ.
            સમાજ પર ફરી આવો અત્યાચાર ન થાય તે માટે શિક્ષિત બનીએ, સંગઠિત થઇએ અને સાથે મળી સંઘર્ષ કરીએ.
જય ભારત……..જય ભીમ………….

  • રાજેશ કનુભાઈ પરમાર

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.