ગુજરાતના બેરોજગરોની જાતિ કઈ??

Wjatsapp
Telegram

મેં છેલ્લા કેટલાંક વર્ષના યુવાનોના આંદોલન જોયાં છે અને સોશિઅલ મીડિયા થકી આખા ગુજરાતના યુવાનોનું વલણ જોતા એટલું તો ચોક્કસ કહીશ કે, “બેરોજગરોની પણ જાતિ હોય છે.”

સવર્ણ હિંદુ બેરોજગાર મોટેભાગે નોકરી માંગે, થોડો ઘણો આક્રોશ વ્યક્ત કરે પણ ભાજપ કાઢી નાંખો કે સરકાર વિરોધી ઉગ્ર આંદોલન ક્યારેય નથી કરતો. વળી, જો ભરતી કૌભાંડ કે બેરોજગારીને લઈને આંદોલન કરવાનું થાય તો સરકાર વિરોધી નારા, મુર્દાબાદ પણ નથી બોલતો. એનું મન આ જ સવર્ણ હિંદુ સરકારમાં લાગેલું છે. એને એટલું જ જોઈએ કે મને અન્યાય ના કરો. અને આ જ કારણે રોજગાર માંગવા કે ભરતી કૌભાંડ વિરોધમાં ઉગ્ર આંદોલન નથી કરતો, સરકાર બદલવા, સરકાર પાડી નાંખવા માંગણી નથી કરતો.

ઓબીસી યુવાનોમાંથી ઉગ્ર આંદોલન કરનાર મળી રહે છે પણ આખરે તો તેઓ પણ હિંદુ જ છે. સરકાર સાથે થોડીક બથથમબથથી, દોડાદોડી કરી આખરે ઓબીસી યુવા નેતાઓ પણ શરણાગતિ સ્વીકારી લે છે. #હિંદુરાષ્ટ્ર ની કલ્પનામાં રાચતો આ સૌથી મોટો વર્ગ છે. જો કોઈ સારો યુવા નેતા મળે તોપણ ભાજપ-કોંગ્રેસ બેઉ ભેગા મળી તેનો ભોગ લઈ લે છે. જેમાં તેના જ સમાજના ભાજપ-કોંગ્રેસના નેતાઓ ભાગ ભજવતા હોય છે. આ વર્ગના યુવાનોમાં પણ આખર સુધીની લડાઈ લડી લેવાનો જુસ્સો તો નથી જ હોતો.

દલિત યુવાનો માટે રોજગાર કરતાં મહત્વનો પ્રશ્ન સામાજિક ન્યાયનો છે. રોજગાર માટેના આંદોલનમાં “દલિત યુવાન નેતા” ક્યાંય નથી દેખાતો. જો કે યુવાનોની ભીડમાં જરૂર મળી રહે છે. દલિતો માટે રોજગાર કરતાં આરક્ષણ અને એટ્રોસિટી એકટ ખૂબ મોટો પ્રશ્ન છે. ત્યાં તમને મોટી સંખ્યામાં દલિત યુવાનો મળી રહે છે. કારણ કે આ લડાઈ તેના સિવાય કોઈ નથી લડવાનો. તો તે અસ્તિત્વની લડાઈ છોડીને નોકરીની લડાઈ ક્યાંથી લડે ?

આદિવાસીઓના તેમના સંસ્કૃતિ બચાવવાના, જળ-જંગલ-જમીન બચાવવાના પ્રશ્નો છે. તો એ પણ અસ્તિત્વની લડાઈ છોડીને ગાંધીનગર ક્યાં લાંબો થાય. જો આદિવાસી સમાજમાં શિક્ષણનું પ્રમાણ આજેય ઘણું ઓછું છે. જો ભણતર જ ઓછું છે તો નોકરી માટે તો ક્યાંથી લાઈન લગાવે. આદિવાસી સમાજમાં ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટની સંખ્યા આજે પણ ઘણી ઓછી છે. કેટલાય કોરસીસ એવાં છે કે આદિવાસી સીટ પર એકેય વિદ્યાર્થી મળતો નથી.

દલિત, આદિવાસી Vs સવર્ણ, ઓબીસી
આરક્ષણ પ્રત્યે એટલી બધી ગેરસમજો, નફરત ફેલાવવામાં આવી છે કે એક તરફ દલિત, આદિવાસીનો અધિકાર મરાતો હોય અને સવર્ણ, ઓબીસી યુવાનો તેની ખુશી વ્યક્ત કરતાં હોય છે. આરક્ષણ બચાવવાના આંદોલનમાં સરકાર કરતાં, સવર્ણ અને ઓબીસી હિંદુ યુવાનો વધારે વિરોધમાં જોવાં મળે છે. એ પછી સોશિઅલ મીડિયા હોય કે જમીન પર સામે સામે આંદોલન કરવામાં. સવર્ણ હિંદુ, ઓબીસી યુવાનોને ફિક્સ પે, કોન્ટ્રેક્ટ, આઉટ સોર્સ કરતાં વધુ અન્યાય આરાક્ષણના લીધે લાગે છે.

કેટલાંય ભરતી કૌભાંડો એવાં છે કે જેમાં આરક્ષિત વર્ગને જ ટાર્ગેટ કરવામાં આવ્યો હોય અને માનીતા સવર્ણ હિંદુ યુવાનોની જ ભરતી કરવામાં આવી હોય, પણ સવર્ણ કે ઓબીસી યુવાનો આવા કૌભાંડો વિરુદ્ધ બોલતા નથી. હવે આવા ભરતી કૌભાંડોમાં જેની ભરતી થાય છે તે મેરિટમાં આવતો સવર્ણ હિંદુ નહિ પણ લાગવગ, ઓળખાણ અને જાતિગત ઊંચો સવર્ણ હિંદુ હોય છે, તેમછતાં મોટા ભાગના સવર્ણ અને ઓબીસી યુવાનો બસ એ વાતે ખુશ થાય છે કે આરક્ષણ તો નબળું પાડ્યું ને ! 😊

મજાની વાત એ છે કે,
સૌથી મોટું આરક્ષણ ઓબીસીનું છે અને સૌથી વધુ નુકશાન ઓબીસીનું જ થાય છે. ગુજરાતની છેલ્લા 10 વર્ષની ભરતીઓમાં ઓબીસીની સ્થિતિ ચેક કરી જુઓ. સૌથી વધુ, દલિત-આદિવાસી કરતાં પણ અનેકગણું નુકશાન ઓબીસીનું થયું છે. તેમ છતાં, હજુ સુધી ઓબીસી યુવાનોને તેનો અંદાજ સુધી નથી આવ્યો. સવર્ણ હિંદુની પ્રગતિને જ પોતાની પ્રગતિ સમજે છે. અને આવાં ભરતી કૌભાંડો, આરક્ષણ સાથે ખીલવાડને યોગ્ય માને છે. ચૂપ રહે છે.

મુસ્લિમ યુવાનો હજુસુધી મોટી સંખ્યામાં સરકારી નોકરી તરફ નથી વળ્યાં. મોટેભાગે ધંધો કરવાનું જ પસંદ કરે છે. જો કે થોડા સમયથી સરકારી નોકરી તરફ તેમનો અભિગમ પણ બદલાયો છે. તેમની પણ સંખ્યા વધી છે. પણ આ સંખ્યા હજુ પણ એટલી મોટી નથી.

હિંદુ ધર્મના નામે વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થાએ અલગ અલગ જાતિના યુવાનોના મનમાં એટલું બધું ઝેર રેડી દીધું છે કે તેઓ “બેરોજગારી”, “ભરતી કૌભાંડ”ને યુવાનોના પ્રશ્ન તરીકે જોવાના બદલે, જે તે જાતિના પ્રશ્ન તરીકે જ જુએ છે.

આંદોલનોમાં પણ કઈ જાતિનો યુવાન આંદોલનનો નેતા છે? એ જોવાય છે. અને તે નેતા પણ તેના સંગઠનમાં પોતાની જાતિના યુવાનોને જ મહત્વના પદ આપે છે. આમ, યુવાનો અને યુવા નેતા, એમ બન્ને તરફથી જાતિ જ જોવાય છે અને તેમનો મુદ્દો, તેમનું યુવાન હોવું ગૌણ બની જાય છે. આવા આંદોલનો ધીરે ધીરે, ગુજરાતના આંદોલનમાંથી, જાતિના આંદોલનમાં પરિણમે છે અને ખતમ થઈ જાય છે.

પ્રાઇવેટાઝેશન અને સવર્ણ, ઓબીસી હિંદુ યુવાનો
સરકારી કંપનીઓના પ્રાઇવેટાઇઝેશનથી સવર્ણ હિંદુ એટલા માટે ખુશ છે કે પ્રાઇવેટાઝેશન કરવાથી આરક્ષણ ખતમ થઈ જશે. કારણ કે, પ્રાઇવેટ સેકટરમાં આરક્ષણ હોતું નથી. તેઓને એ નથી ખબર કે સેવાઓ ખરાબ થઈ જશે, મોટા આર્થિક કૌભાંડો થશે અને લાગવગ, ઓળખાણ વગરના સવર્ણ હિંદુ યુવાનો પણ બેરોજગરના બેરોજગાર જ રહેશે. ઓબીસીની અત્યારે છે તેનાથી પણ વધારે ખરાબ હાલત થશે. જેમ મુસ્લિમોના ડરથી હિંદુ પાર્ટીમાં વોટ આપો એ જ રીતે આરક્ષણ ખતમ કરવા બધી સરકારી કંપનીઓ વેચી મારો, ખાનગીકરણ કરી દો.

તો ગુજરાતના બધા જ જાતિવાદી બેરોજગાર યુવાનોને મારો સવાલ એ છે કે,
“તમારી પાસે, એકબીજાને નફરત કરવા આટલો બધો સમય છે, તો સરકાર તમને શુ લેવા રોજગાર આપે?”

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

કૌશિક શરૂઆત

નોંધ : આ પોસ્ટ ભરતી કૌભાંડના પીડિત, ફિક્સ પે, કોન્ટ્રેક્ટ, આઉટ સોર્સમાં કામ કરનાર લાખો યુવાનોને ધ્યાનમાં રાખીને લખી છે. અન્ય કોઈને પણ લાગુ પડતું હોય તો બિન્દાસ્ત ઓઢી લેવાનું.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.