કોરોના | હિટલરના સમયના જર્મની અને હાલના ભારત વચ્ચે શું સામ્યતા છે?

જર્મનીમાં સામાન્ય ચૂંટણીઓમાં ચૂંટાઈને આવેલો હિટલર રાતોરાત તાનાશાહ નહોતો બન્યો. એક લાંબા ગાળાના સમયમાં શિસ્તબદ્ધ રીતે ડિકટેટર બન્યો હતો. યહુદીઓના નિકંદન અને અત્યાચારો વિષે મેં અનેક પુસ્તકો વાંચી છે. યુ ટ્યુબ પર ઉલબ્ધ અનેક ફિલ્મો અને ડોક્યુમેન્ટરીઓ જોઈ છે. અહીં ટોરોન્ટોમાં હોલોકોસ્ટમાં બચી ગયેલા અનેક યહૂદી પાસેથી એમના પર ગુજારેલા જુલ્મો અને અત્યાચારોની વાતો સાંભળી છે. ‘કૅનેડિયાન જ્યૂઝ જર્નલ’ નામક એક સાપ્તાહિક અત્યાર સુધી પ્રકાશિત થતું હતું જેમા યહૂદીઓ પર ગુજારેલા જુલ્મોની દાસ્તાનો પ્રકાશિત થતી. હોલોકોસ્ટ (નિકંદન) પણ રાતોરાત બનાવવામાં આવ્યું ના હતું. એ માટે લાંબા સમયથી તૈયારીઓ થઇ હતી.

મીડિયા દ્વારા યહૂદીઓને લોહી પિતા રાક્ષશો ચીતરવાથી શરૂઆત થઇ હતી. આનું કારણ યહુદીઓનો મૂળ ધંધો વ્યાજ પર પૈસા આપવાનો હતો. એ લોકોને ‘બ્લડ સકર્સ’ કહેવામાં આવ્યા. જર્મનોને યહૂદીઓ વિરુદ્ધ ઉક્સાવવામાં આવ્યા. એમને મળતાં સરકારી લાભોથી વંચિત કરવામાં આવ્યા. એમની મસ્જિદો (સિનાગોગ) પર હુમલા કરવામાં આવ્યા, એમની રોજી રોટીના સાધનો સળગાવવામાં આવ્યા જેથી આખું કુટુંબ પાયમાલ થઇ જાય. લેબર કેમ્પ બનાવી એમની પાસેથી સખત કામ લેવામાં આવ્યું. જે લોકો મરી ગયા એમને બાળી નંખાયા. યહૂદી સગર્ભા સ્ત્રીયોની પ્રસુતિ ના કરવા જર્મન ડોક્ટરોને ફરમાન કરાયું. યહૂદી વેપારીઓ પાસેથી વસ્તુ ના ખરીદવાનું કહેવામાં આવ્યું.
આ બધું એટલા માટે યાદ આવ્યું કે ગઈકાલથી એક ટીવી ચેનલ પર અને એ પહેલા સોશ્યિલ મીડિયા પર એક વિડિઓ જોયો જેમાં યુપીના દેવરિયા જિલ્લાના એક એમ એલ એ લોકોને મુસલમાનો પાસેથી શાકભાજી નહીં ખરીદવા લોકોને જણાવી રહ્યા છે. જયારે એમની પાસેથી જવાબ માગવામાં આવ્યો તો એમણે કહ્યું કે જનતા મને પૂછી રહી છે કે શું કરવું? એટલે મેં આવું કહ્યું. શું ખોટું કર્યું?

આજે ભારતમાં કોરોનાની બીમારી છે એજ રીતે એ સમયે જર્મનીમાં ‘ટાઈફ્સ’ નામક મહામારી ચાલતી હતી. મીડિયા દ્વારા લોકોને કહેવામાં આવ્યું કે યહૂદીઓ આ બીમારીના વાહક છે. ભારતમાં પણ એજ થયું, મરકઝ અને જમાતિઓ દ્વારા મુસ્લિમ સમાજને બદનામ કરવામાં આવ્યો. આજે પણ જયારે મહારાષ્ટ્રના પાલઘરમાં બે સાધુઓનું મોબ્લિન્ચિંગ થયું ત્યારે મીડિયા સહીત અનેક લોકો એને મુસ્લિમ એંગલ આપવા તાકીને જ બેઠા હતા. ભલું થાય ઉદ્ધવ ઠાકરે સરકારના હોમ મિનિસ્ટર અનિલ દેશમુખનું કે એમણે ટ્વિટ કરી લોકોને જાણ કરી કે મરનાર અને મારનાર બંને એકજ સમુદાયના હતા. ભારતમાં અમુક તત્વો વર્ષોથી રાત દિવસ મુસલમાનો માટે જર્મની બનાવવાની તૈયારીમાં લાગેલા છે. જોકે મોટાભાગના સેક્યુલર હિન્દુઓના કારણે આ હજુ શક્ય નથી બન્યું.
જર્મનીમાં ‘લોકશાહી’ના અંચળા હેઠળ આ બધું થયું હતું એ યાદ રાખવા જેવું છે. જર્મનીની વાત તો જૂની છે પરંતુ હંગેઇમાં તો હાલમાં જ ત્યાંનો શાસક સરમુખત્યાર બની ગયો.
– ફિરોઝ ખાન
Photo is taken with thanks from Prakash K’s facebook wall. In this photo members of Hitler’s party are standing with posters in front of Jew shops, in whcih it is written, ”Do not buy from Jews.”