સરદારધામના આગેવાનોમાં ખુમારી કેમ મરી ગઈ છે?

2002માં સત્તાપક્ષના ચાળે ચડી હિન્દુત્વનો બોજ ઊઠાવનાર અનેક પટેલો જેલમાં છે. એ સિવાય પટેલોનો ગુનાહિત ઈતિહાસ નથી. ગુજરાતમાં મોટાભાગના પટેલો સહિષ્ણુ છે. તેમને પાડોશી તરીકે પસંદ કરવામાં આવે છે. 11 સપ્ટેમ્બર 2021ના રોજ અમદાવાદ ખાતે 200 કરોડના ‘સરદારધામ ભવન’નું લોકાર્પણ અને 200 કરોડના ‘સરદારધામ ફેઝ-2નું ભૂમિપૂજન’નો કાર્યક્રમ યોજાઈ ગયો. તેની આમંત્રણ પત્રિકામાં ગુજરાતના ધનાઢ્ય પટેલોના નામો છે. આ કાર્યક્રમ વડાપ્રધાનના વરદ્હસ્તે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંપન્ન થયો. સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા છે. તેમણે આમંત્રણ પત્રિકામાં વડાપ્રધાન માટે માનનીય શબ્દની આગળ બીજા બે વધારાના શબ્દોનો પ્રયોગ કર્યો છે-‘યશસ્વી’ અને ‘તેજસ્વી !’
2002ના તોફાનોમાં જેલમાં રહેલ પટેલોને ખબર છે કે વડાપ્રધાન કેવા યશસ્વી અને તેજસ્વી છે ! 2015ના પાટીદાર આંદોલન વેળાએ પટેલ પરિવારોએ પોલીસનો માર ધરાઈને ખાધો હતો; પાટીદાર બહેનોએ ભૂંડાબોલી ગાળો ખાધી હતી; તેમને પૂછો કે વડાપ્રધાન કેવા યશસ્વી અને તેજસ્વી છે ! કોરોનાની બીજી લહેર વેળાએ, એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલે ધક્કા ખાતા; હોસ્પિટલોની બહાર લાઈનમાં ઊભા રહેલા; ઓક્સિજનના બાટલા માટે તરફડતા; રેમડેસિવિર ઇન્જેક્શન માટે દોડાદોડ કરતાને પૂછો કે વડાપ્રધાન કેવા યશસ્વી અને તેજસ્વી છે ! ખેતપેદાશોના લઘુત્તમ ભાવ ન મેળવનારા, 15 APMC બંધ થયા પછી નવરા થઈ ગયેલા; મગફળીના કોથળામાંથી માટીના ઢેફાં જોનારા; અતિ ભ્રષ્ટાચારનો રોજેરોજ અનુભવ કરનારાને પૂછો કે વડાપ્રધાન કેવા યશસ્વી અને તેજસ્વી છે !
વડાપ્રધાનને માન/સન્માન આપવા સામે વાંધો નથી; પરંતુ તેમના માટે યશસ્વી/તેજસ્વી જેવા વિશેષણોનો ઉપયોગ થાય તે ચાપલૂસીની પરમ સીમા કહી શકાય. આ સત્તાપક્ષની ભક્તિનું પરિણામ છે. ભક્તિ હોય ત્યાં ખુમારી હોઈ શકે નહીં. જો આવા વિશેષણો વાપરવા જ હોય તો ‘જય સરદાર’ના નારા બોલવાનો તેમને અધિકાર નથી. ‘સરદારધામે’ સરદારની ખુમારી/સાદાઈ/નિષ્ઠા/પ્રમાણિકતા/સચ્ચાઈ સાથે છેડો ફાડી નાખ્યો છે અને વડાપ્રધાનની ભક્તિ શરુ કરી દીધી છે ! શું આખો પાટીદાર સમાજ સતાતાપક્ષનો ગુલામ છે? ‘ખોડલધામ’ અને ‘ઉમિયાધામ’માં સત્તાપક્ષના પ્રમુખની [જેમની સામે 107 ગુનાઓ દાખલ થયેલ છે] રજતતુલા કરીને સમાજના આગેવાનો પાટીદાર સમાજના યુવાનોને શું સંદેશો આપ્યો હશે? સુપ્રિમકોર્ટે જેને ગુજરાતમાંથી તડિપાર કરેલ તેમનું ‘રાજસ્વી સન્માન’ કરવાનું કેમ સૂઝતું હશે? સવાલ એ છે કે ‘ખોડલધામ’/‘ઉમિયાધામ’/‘સરદારધામ’ના આગેવાનોમાં ખુમારી કેમ મરી ગઈ છે?rs