બંધારણનું અપમાન કરનારાઓ સામે પગલાં શામાટે લેવાતાં નથી?

દરેક ધર્મ/જ્ઞાતિ/જાતિ/વર્ણમાં સારા માણસો હોય છે અને દુષ્ટ માણસો પણ હોય છે. દરેક વર્ણ/જાતિ/જ્ઞાતિમાં અંદરોઅંદર ઝઘડા હોય છે, બોલવાનો વહેવાર હોતો નથી. ભાઈઓ વચ્ચે પણ ખટરાગ હોય છે. મનુષ્યનો સ્વભાવ છે કે અમુકને સચ્ચાઈ ગમતી હોય છે અને અમુકને ખોટું જ કરવું હોય છે, એટલે સમાજમાં સંઘર્ષ રહે છે. જે ખોટું કરી રહ્યા હોય, તેમને અટકાવે નહી અને સચ્ચાઈની સાથે ઊભા ન રહે તેવા માણસો કોઈ કામના હોતા નથી ! સરકાર બહુમતી હિન્દુઓના મતો ખંખેરવા; ‘મુસ્લિમોએ’ (ખરેખર તો આતંકવાદીઓએ) 600 કાશ્મીરી પંડિતોને મારી નાખ્યાં તેવું કહે છે ! આતંકવાદીઓએ 40,000 થી વધુ મુસ્લિમોની હત્યાઓ કરી છે, તે સત્ય ‘કાશ્મીર ફાઈલ’ ફિલ્મમાં શામાટે છૂપાવ્યું હશે? મુસ્લિમો વિરુદ્ધ જૂઠ્ઠો પ્રચાર કરતી આ ફિલ્મને સરકાર કરમુક્ત કરે, તો વધુ લોકોના મન દૂષિત નહીં બને? પોલીસ આ એજેન્ડા ફિલ્મ જોઈ શકે તે માટે ચાલુ ફરજે રજા આપે; તો તેમના મન પૂર્વગ્રહ વાળા નહીં બને? 600 કાશમીરી પંડિતોને મુસ્લિમોએ નથી માર્યા, પાકિસ્તાન સમર્થન વાળા આતંકવાદીઓએ માર્યા છે, તે સત્ય શામાટે છૂપાવવામાં આવે છે? ગુજરાતમાં 28 ફેબ્રુઆરી 2002ના રોજ મુસ્લિમો સામે રોષ ફાટી નીકળ્યો હતો તે સમયે અનેક હિન્દુઓએ, મુસ્લિમોને રક્ષણ પૂરું પાડ્યું હતું; એ રીતે 1990માં કાશ્મીરમાં પંડિતોને અનેક મુસ્લિમોએ રક્ષણ પૂરું પાડ્યું હતું, તે સત્ય શામાટે છૂપાવ્યું હશે? સરકાર પોતે બહુમતી હિન્દુઓના મતો લેવા પૂર્વગ્રહો ફેલાવે/નફરતી ધૃણા ફેલાવે તો કોને કહેવું? વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એટલે કે 2001થી 2013 સુધીમાં મુસ્લિમો વિરુદ્ધ છૂપી/જાહેર ખાસ ઝૂંબેશ ચલાવીને બહુમતી હિન્દુઓના હ્રદય-સમ્રાટ બની ગયા હતા; આ ગુજરાત મોડેલ હવે આખા દેશમાં વડાપ્રધાને અમલી બનાવ્યું છે; તેના એક ભાગ રુપે ‘કાશ્મીર ફાઈલ’ ફિલ્મ બનાવી છે અને લોકોને દેખાડાય રહી છે !

ગુજરાત સરકારે, 2001થી 2022 દરમિયાન ભારતને હિન્દુરાષ્ટ્ર બનાવી દીધું છે ! ગુજરાતના મોટાભાગના શહેરો/ગામડામાં એક બોર્ડ જોવા મળે છે : “હિન્દુરાષ્ટ્રના કર્ણાવતી મહાનગરમાં સ્વાગત છે/હિન્દુરાષ્ટ્રનું ધનસુરા ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે/હિન્દુરાષ્ટ્રનું વડગામ સ્વાગત કરે છે/હિન્દુરાષ્ટ્રના મોગરીમાં સ્વાગત છે.” જે રાજ્યમાં આ પ્રકારના બોર્ડ વર્ષોથી લાગેલા હોય ત્યાં પોલીસ કાયદો-વ્યવસ્થા જાળવવામાં હિન્દુઓની ખોટી તરફેણ કરતી હશે, તે સમજી શકાય તેમ છે. શું આ પકારના બોર્ડ બંધારણનું અપમાન કરતાં નથી? બંધારણનું પાયાનું મૂલ્ય છે- ધર્મનિરપેક્ષતા. શું આ બંધારણ ઉપર પ્રહાર નથી? બંધારણમાં જ્યાં સુધી ‘સેક્યુલર-ધર્મનિરપેક્ષતા’ શબ્દ છે; ત્યાં સુધી આ પ્રકારના બોર્ડ મૂકી શકાય ખરાં? ભારતમાં હિન્દુઓ બહુમતીમાં છે, છતાંય આ પ્રકારના બોર્ડ મૂકવા પાછળનો સત્તાપક્ષનો હેતુ બહુમતીના મતો ખ્ખેરવાની યુક્તિ નથી? આશ્ચર્યની વાત એ છે કે વિધાનસભા/લોકસભાની ચૂંટણી વેળાએ આચારસંહિતા લાગુ હોય ત્યારે પણ આ બોર્ડ લાગેલાં જ રહે છે ! સવાલ એ છે કે બંધારણનું અપમાન કરનારાઓ સામે પગલાં શામાટે લેવાતાં નથી?

અમદાવાદ/વડાદરા/સૂરતમાં 1946, 1969, 1981-82, 1985, 1990, 1992, 2002, 2006 માં સાંપ્રદાયિક તોફાનો થયા હતા, પરંતુ 2002 પછી ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રોમાં સાંપ્રદાયિક હિંસા જોવા મળે છે; જે ક્ષેત્રોમાં 2002માં શાંતિ રહી હતી. શું આ ચેતવણી નથી? માની લો કે કોઈ ગામમાં/શહેર/કસ્બામાં મુસ્લિમ વસતિ બહુમતીમાં છે; ત્યાં મુસ્લિમો ‘ઈસ્લામિક વિસ્તારમાં આપનું સ્વાગત છે’ એવું બોર્ડ મૂકે તો સરકાર ચલાવી લેશે? શું પોલીસ એવું બોર્ડ મૂકનાર સામે ગુનો દાખલ કરી જેલમાં નહી પૂરે? જિલ્લાના SP/DM/પોલીસ કમિશ્નર આ પ્રકારના બોર્ડ દૂર કરાવી શકતા ન હોય; એનો મતલબ એ થાય છે કે ભલે બંધારણીય મૂલ્યના ધજાગરા ઉડે; પણ તેઓ સરકારને નારાજ કરવા ઈચ્છતા નથી ! સાવધાન, SP/DM/પોલીસ કમિશ્નર નાગરિકોને સુરક્ષા આપશે, તે ભ્રમમાં કોઈએ રહેવું નહીં ! સરકારે સચ્ચાઈ સાથે જ રહેવું જોઈએ, ખોટાની સામે તત્કાળ પગલાં લેવા જોઈએ; તો જ સમાજમાં શાંતિ/કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે. પરંતુ સરકાર ખોટાનો પક્ષ લે તો? બંધારણીય મૂલ્યોનું અપમાન કરનારાઓ સામે સરકાર આંખો બંધ કરીને બેસી રહે તો? મઝધાર મેં નૈયા ડોલે, તો માંઝી પાર લગાયે; માંઝી જો નાવ ડૂબોયે ઉસે કૌન બચાયે?

  • રમેશ સવાણી

You may also like...