આદિવાસી વનવાસી કેમ નહીં?

આદિવાસી વનવાસી કેમ નહીં? આદિવાસી સમુદાયના સભ્ય અને સંસ્કૃત લોકો (હા,બિલકુલ સભ્ય-સંસ્કૃત લોકો કેમ કે તેમની પાસે સાચા અર્થમાં જીવનની પ્રેરણા આપનારી પોતાની આદિકાળની આગવી સભ્યતા અને સંસ્કૃતિ છે તે અન્ય લોકો પાસે નથી). સીધી રીતે જોઈએ તો એમનું વૈદગ્ય પહેલું આવે પછી વૈજ્ઞાનિક અભિગમ. ઘણા લોકો તેમની અધૂરી સમજના કારણે આદિવાસી સભ્યતાની પરિભાષાને સમજવામાં બહુ મોટી ભૂલ કરે છે અથવા તો જાણી જોઈને ભૂલ કરે છે. એમના લાંબાલચાક લખાણો કે પુસ્તકો ક્ષતિપૂર્ણ રહેવા પામે છે.આવા ક્ષતિપૂર્ણ લખાણો કે પુસ્તકો લોકોને ગેરમાર્ગે દોરે છે.આવા લખાણોનો અભ્યાસ કરીએ તો, ક્યારેક એમ લાગે કે શું આ બધુ લોકોને ગેરમાર્ગે દોરવા જ લખ્યું હશે? ઈતિહાસનું આવું વિકૃતિકરણ, તોડજોડ નીતિ સત્યોને દબાવે છે, અસ્તિત્વને જોખમમાં મૂકે છે, આદિવાસી અસ્મિતા પર પ્રહાર કરે છે. આદિવાસી સભ્યતા પર લખનારે પ્રથમ તો આ સભ્યતાના મૂળિયાનો, પરંપરાનો અને મૂળ નિવાસનો અભ્યાસ કરવો પડે.
આદિવાસી એટલે આદિ-અનાદિ કાળથી વસતા લોકો. અંગ્રેજીમાં Tribal મૂળે તો Tribe શબ્દ લેટિન ભાષાના Tribus પરથી ઉતરી આવેલ છે જેનો અર્થ આદિવાસી/જનજાતી એમ થાય છે.
આદિવાસીમાં ‘આદિ’ એટલે ‘મૂળ’ અને ‘વાસી’ એટલે ‘રહેનાર’ એટલે કે મૂળથી વસનારા એમ કહેવાય. ભારત દેશની સૌથી જૂની સભ્યતા તે આદિવાસી સભ્યતા છે. તેથી તેમને પ્રથમ નિવાસી કે મૂળ નિવાસી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા અભ્યાસ પછી આ વાસ્તવિક સત્યો સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા છે એટલે શંકા કે નવાઈ પામવાને કોઈ સ્થાન નથી. આદિવાસી સમાજનું ‘આદિવાસી’ નામકરણ નૃવંશશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ દ્વારા આ સમુદાયના લક્ષણો, ઉત્પત્તિ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિને આધારે થયેલું છે. જે ભારતના બંધારણ પહેલાનું છે.
આટલી વિગતો પછી ‘આદિવાસી વનવાસી કેમ નહીં?’ એ વાતને પ્રમાણો સાથે વિસ્તારીએ. મહત્તમ લોકોનું છીછરું જ્ઞાન પ્રગટ થતું રહેતું હોય છે કે આદિવાસી એટલે વનમાં વસનારા ‘વનવાસી’. પરન્તુ, આ અર્થઘટન તદ્દન ખોટું છે. આદિવાસીઓનો વન સાથે નાતો ખરો પણ આદિવાસીને વનવાસી તરીકે ઓળખી શકાય નહીં. ‘વનવાસી’ શબ્દ આદિવાસી અસ્મિતાને ભૂંસનારો શબ્દ છે. સભ્યતાનો અભ્યાસ કરીએ તો આદિવાસીઓ પહેલા સપાટ પ્રદેશમાં રહેતા હતા. ઈ. સ.પૂર્વેની સિંધુ ખીણની સભ્યતા જોઈએ તો તેનું સત્ય જડે છે.આદિવાસીઓ વનમાં વસતા થયા એનું મુખ્ય કારણ બિનઆદિવાસી પ્રજાનું બાહ્ય આક્રમણ અને સતત ખલેલ છે. આમ આદિવાસીઓ વનમાં વસતા થયા એમ ગણી શકાય. આદિવાસીઓને વનવાસીની સાથે ગિરિજન, વનબંધુ જેવા નામો પણ આપવામાં આવેલા છે.
મુખ્યત: આપણે આદિવાસી સભ્યતાનો અભ્યાસ કરતા હોઈએ એને લેખિત સ્વરુપ આપતા હોઈએ ત્યારે આદિવાસીઓને ‘વનવાસી’ તરીકે ઓળખ આપી શકાય નહીં. વનવાસી માત્ર શબ્દ છે તે કોઈ ઓળખ કે સભ્યતા સાથે સુસંગત નથી. સમય સંજોગના બદલાવ સાથે વન્ય વિસ્તારમાં બિનઆદિવાસી લોકોએ પણ વસવાટ કાર્યો છે. આદિવાસીની જગ્યાએ બિનઆદિવાસી લોકો વનમાં રહેતા હોય ત્યારે તેઓ પણ ‘વનવાસી’ કહેવાતા હોય છે. હવે ઓળખનો સવાલ ઊભો થયો કેમ કે આદિવાસી પાસે આગવી સભ્યતા છે જ્યારે વનવાસી પાસે નથી. હવે આદિવાસીની ઓળખ વનવાસી તરીકે કેવી રીતે આપી શકાય.હવે વનવાસીમાં તો બિનઆદિવાસી પણ આવી જાય છે. આ સત્યને નકારી શકાય એમ પણ નથી ત્યારે, આદિવાસી માટે વનવાસી શબ્દ પ્રયોજવો એ આદિવાસી અસ્મિતા માટે ચિંતાજનક છે.