શું હવે પોલીસ/SRPના જવાનો લઘુમતીઓનું રક્ષણ કરી શકશે?

પોલીસ/આર્મીના જવાનોને ધૃણા/નફરત પ્રગટાવતી ફિલ્મ દેખાડવાથી તેમનું ક્યું વેલ્ફેર થશે?

1990 પહેલાં SRPF-સ્ટેટ રીઝર્વ પોલીસ ફોર્સની એક ઈમેજ હતી કે કાયદો-વ્યવસ્થા જાળવવા તોફાનગ્રસ્ત વિસ્તારમાં SRP મૂકાય તરત જ તોફાનો નિયંત્રણમાં આવી જતાં ! 2002માં SRP ગોધરામાં હિન્દુઓને જીવતા સળગાવ્યા અને તેમની શબયાત્રા અમદાવાદમાં કાઢવામાં આવી ત્યારે પોલીસ/SRPના જવાનોના મનમાં રોષ હતો. જેના કારણે 28 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાત બંધના દિવસે અમદાવાદ અને અન્ય સ્થળોએ સામૂહિક હત્યાકાંડના બનાવો બન્યા. તત્કાલિન મુખ્યમંત્રીએ ક્રિયાની પ્રતિક્રિયા કહી હતી ! અમદાવાદમાં SRP જૂથ-2 ની કંપાઉન્ડ વોલને અડીને નરોડા પાટિયા વિસ્તાર છે, ત્યાં મુસ્લિમોની વસતિ હતી, હિંસક ટોળાંને જોઈને તેઓ બચવા માટે/આશરો લેવા માટે SRP જૂથ-2ના કંપાઉન્ડમાં કૂદી રહ્યા હતા પરંતુ તેમને રોકવામાં આવેલ. અને 96 મુસ્લિમ બાળકો/મહિલાઓ/પુરુષોને ટોળાએ રહેંસી નાખ્યા હતાં ! પ્રતિક્રિયા રોકવા માટે સરકાર હોય છે, પરંતુ સરકારની દાનત રોકવાની ન હોય તો ભીષણ હત્યાકાંડ થાય !

SRP જૂથ-4 પાવડી ખાતે છે, તેમના જવાનોને વેલ્ફેર પ્રવૃત્તિના ભાગ રુપે થીએટરમાં લઈ જઈને મુસ્લિમો પ્રત્યે ધૃણા પ્રગટાવતી/કોંગ્રેસને ઉતારી પાડતી/JNU-જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીને બદનામ કરતી/સેક્યુલર લોકોની હાંસી ઉડાવતી એજન્ડા ફિલ્મ ‘કાશ્મીર ફઈલ’ ફિલ્મ દેખાડવામાં આવી ! એટલું જ નહીં હથિયારી એકમોના વડા ADGPએ, જૂથ-4ના સેનાપતિને 25 માર્ચ 2022ના રોજ ફેસબૂક/ટ્વિટર ઉપર અભિનંદન આપ્યા છે ! અને આ અંગેની જાણ વડાપ્રધાન /મુખ્યમંત્રી/ગૃહમંત્રી/DGPને કરી છે !

થોડાં સવાલ : [1] મુસ્લિમો પ્રત્યે પૂર્વગ્રહ પેદા કરતી એજન્ડા ફિલ્મ પોલીસને દેખાડવાથી જવાનોનું ક્યું વેલ્ફેર થશે? પૂર્વગ્રહો ભરવા વેલ્ફેરના નાણાંનો દુરુપયોગ થઈ શકે?

[2] આવી ફિલ્મ જવાનોના મનમાં પૂર્વગ્રહો ઊભા નહીં કરે? કાશ્મીરની હિંસા મુસ્લિમોએ નથી કરી, આતંકવાદીઓએ કરી છે; કેમકે મરનાર પંડિતો કરતા મુસ્લિમોની સંખ્યા મોટી છે. છતાં ‘આતંકવાદીઓને’ બદલે ‘મુસ્લિમોને’ ટાર્ગેટ કરવાનો પોલિટિકલ/ચૂંટણીલક્ષી ઉદ્દેશ નથી?

[3] ફિલ્મમાં ANU કહીને JNUનું ચરિત્ર્યહનન કરેલ છે; નેહરુનું નામ બદનામ કરવાની કોશિશ થઈ છે, તેની સાથે ADGP સહમત હશે? આપણા નાણાંમંત્રી નિર્મલા સીતારમણ/ વિદેશમંત્રી એસ. જયશંકર/લીબિયાના પૂર્વ પ્રધાનમંત્રી અલી જૈદાન/નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી બાબુરામ ભટ્ટારાઈ/નોબેલ પુરસ્કાર વિજેતા અભિષેક બેનરજી/ પૂર્વ RAW ચીફ આલોક જોશી/નીતિ આયોગના CEO અમિતાભ કાંત/ દલિત નેતા ઉદિત રાજ વગેરે JNUના વિદ્યાર્થીઓ હતા; શું તેઓએ ખોટી જગ્યાએ અભ્યાસ કર્યો હતો?

[4] ફિલ્મમાં સેક્યુલર લોકોની મજાક ઉડાવી છે, તેમના પ્રત્યે રોષ પ્રગટે તેવી ગોઠવણ કરી છે. પોલીસ ‘સેક્યુલર’ મટીને ‘કટ્ટરવાદી’ બને એવું ADGP ઈચ્છતા હશે?

[5] ગુજરાતમાં 2002 જેવી હિંસક ઘટના ન બને તેવું ઈચ્છીએ; પરંતુ એવી કોઈ ઘટના બને ત્યારે પોલીસ/SRPના જવાનો લઘુમતીઓનું રક્ષણ કરી શકશે? તેમનો પૂર્વગ્રહ તેમને ફરજ બજાવતા રોકશે નહીં? શું તેઓ પ્રતિક્રિયા રોકી શકશે? જવાનો પ્રતિક્રિયા ન રોકે તેમાટે આવી ફિલ્મ તેમને દેખાડવા માટે ADGPએ અભિનંદન આપ્યા હશે?

રમેશ સવાણી

You may also like...