Women in politics

Wjatsapp
Telegram

ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામેલો છે. પણ તેમાં ધ્યાનથી જાેશો તો ખ્યાલ આવશે કે આજની તારીખે પણ તેમાં મહિલાઓની ભાગીદારી  બહુ ઓછી છે. સંસદમાં માત્ર ૧૨ ટકા અને રાજ્યોની વિધાનસભાઓમાં ફક્ત ૯ ટકા જેટલી બેઠકો મહિલાઓ પાસે છે. સંસદ અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓનાં પ્રતિનિધિત્વ મામલે દુનિયાની સૌથી મોટી સંસદીય લોકશાહી ગણાતા ભારતનું સ્થાન ૧૪૦માંથી ૧૦૩મું છે.  આવું કેમ?
વર્તમાનમાં ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારી ન હોય. દરેક મોરચે તે સફળતાની સીડીઓ ચઢતી આગળ વધતી રહી છે. પરંતુ એ વાત સ્વીકારવી રહી કે રાજકીય તખ્તા પર તેની હાજરી નિરાશાજનક છે. હાલમાં જ બહાર આવેલાં આંકડાઓમાં એ વાત સામે આવી છે કે વિશ્વભરમાં રાજકીય સ્તર પર મહિલાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રાજકારણમાં મહિલાઓની સંખ્યા પુરૂષોની તુલનામાં ઘણી ઓછી છે. વિશ્વનાં નેતાઓમાં તેની ટકાવારી માત્ર ૭ છે અને સાંસદોમાં ફક્ત ૨૪ ટકા મહિલાઓ છે. થોડાં વર્ષ પહેલાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં અધ્યક્ષ મારિયા ફર્નાન્ડા એસ્પિનોસાએ મહિલાઓની સ્થિતિ પર યુનાઈટેડ નેશન્સનાં પ્રતિનિધિ મંડળ સામે આ વાત રાખતાં જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાક વર્ષોમાં વિશ્વભરમાં રાજકીય ક્ષેત્રે મહિલાઓની સંખ્યામાં ભારે અછત જાેવા મળી છે. હજુ ગત અઠવાડિયે જ જાહેર થયેલાં આંકડાઓ અનુસાર મહિલાઓની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદગી થવાની ટકાવારી ૨૦૧૭માં ૭.૨ ટકા હતી તે ઘટીને વર્ષ ૨૦૧૮માં ૬.૬ ટકા સુધી પહોંચી ગઈ હતી. તો મહિલા પ્રમુખોનું પ્રમાણ પણ ૫.૭ ટકાથી ઘટીને ૫.૨ ટકા થઈ ગયું છે. સંસ્થાનું માનવું છે કે અમુક હકારાત્મક આંદોલનો છતાં નેતાગીરીમાં આજેપણ બહુમતિ પુરૂષોની છે.
ભારતની વાત કરીએ તો આગામી લોકસભા ચૂંટણીઓમાં મમતા બેનરજીનાં તૃણમૂલ કોંગ્રેસ સિવાય એકપણ પક્ષને મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ આપવાનું વ્યાજબી લાગતું નથી. લોકસભા ૨૦૧૯ની ચૂંટણી માટે તેમણે જાહેર કરેલી ૪૨ ઉમેદવારોની યાદીમાં ૧૭ મહિલાઓને તક આપી હતી. તેમની પહેલાં ઓરિસ્સાનાં નવીન પટનાયકે ૩૩ ટકા સીટો મહિલાઓ માટે અનામત રાખવાની જાહેરાત કરી હતી. અગાઉ ૨૦૧૪માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પણ મમતા દીદીએ ૩૪ ટકા મહિલાઓને મેદાનમાં ઉતારી હતી. જાે કે આવા છુટક અપવાદોને બાદ કરતાં દેશનાં લગભગ તમામ નાનાં મોટાં રાજકીય પક્ષોનું નેતૃત્વ પુરૂષોનાં હાથમાં છે. થોડાં વર્ષ પહેલાં ‘ધ હિંદુ’ વર્તમાન પત્રએ દેશનાં પાંચ મોટા રાજકીય પક્ષોનો સર્વે કર્યો હતો. જેમાં સામે આવ્યું હતું કે દેશની અડધોઅડધ વસ્તી ધરાવતી મહિલાઓનું રાજકીય નેતૃત્વ સંદર્ભે પ્રમાણ આઘાત પહોંચાડે એ હદે મર્યાદિત છે. તમામ રાજકીય પક્ષોમાં મહિલાઓ પાસે નજીવી સત્તા હતી. એક સદી જૂની કોંગ્રેસ પાર્ટી પાસે પણ માંડ ૧૪ ટકા મહિલા નેતૃત્વ હતું, જે તમામ પક્ષોમાં સૌથી વધુ હતું. આ આંકડો પોતાને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી અને પાર્ટી વિથ ડિફરન્સ તરીકે પ્રોજેક્ટ કરતાં ભાજપમાં માંડ ૮ ટકા હતો. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ) અને માર્ક્‌સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી(સીપીએમ)માં ટકાવારી ૬ ટકા. જ્યારે શરદ પવારની એનસીપીમાં માત્ર ૪ ટકા મહિલા નેતૃત્વ હતું. અહીં આશ્ચર્યની વાત એ છે કે માર્ક્‌સ અને સામ્યવાદી વિચારધારાને વરેલાં બંને પક્ષોએ પણ મહિલા નેતૃત્વની રીતસરની બાકબાદી કરી નાખી હતી. દેશનાં રાજકીય ફલક પર દર વર્ષે મહિલાઓનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. એવા સમયે રાજકીય પક્ષો પણ મહિલાઓને અવગણશે તો લોકશાહી નામ માત્રની રહેશે. 
મહિલાઓનાં હાથમાં નેતૃત્વ ન જાય તે માટે આપણાં રાજકીય પક્ષો કેવા ત્રાગા કરતાં હોય છે તેનું સૌથી મોટું ઉદાહરણ મહિલા અનામત બિલ છે. ભારતીય બંધારણનાં ૮૫માં સંશોધનનાં આ બિલમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો પર અનામત લાગુ કરવાની જાેગવાઈ છે. આ ૩૩ ટકા બેઠકો પૈકી એક તૃતિયાંશ બેઠકો અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓ માટે અનામત રાખવાની છે. ૨૦૧૦માં આ બિલ રાજ્યસભામાં પસાર થઈ ગયું, પણ લોકસભામાં લટકી પડ્યું છે. મહિલા અનામત બિલ સૌ પ્રથમ ૧૯૯૬માં એચ.ડી. દેવગૌડાની સરકારમાં રજૂ કરવામાં આવ્યું હતું. પણ સત્તાધારી પક્ષમાં જ તેને લઈને એકમત સાધી શકાયો નહોતો. બે વર્ષ બાદ ૧૯૯૮માં તત્કાલિન કાયદામંત્રી થંબી દુરાઈ જ્યારે આ બિલ રજૂ કરવા ઉભા થયાં ત્યારે ભારે હોબાળો મચી ગયો હતો. સાંસદો વચ્ચે ઝપાઝપી થઈ અને આખરે કેટલાકે થંબી દુરાઈનાં હાથમાંથી બિલ પડાવી લઈને લોકસભામાં જ ફાડી નાખ્યું હતું. એ પછી ૧૯૯૯, ૨૦૦૨ અને ૨૦૦૩માં પણ આ બિલ સંસદમાં મુકાયું પણ આજદિન સુધી પાસ થઈ શક્યું નથી. નવાઈની વાત એ છે કે કોગ્રેસ, ભાજપ અને ડાબેરીઓ બિલનાં સમર્થનમાં હોવા છતાં દર વખતે કોઈને કોઈ બહાને બિલ પાછું ઠેલાતું રહ્યું છે.
૨૦૧૦માં સોનિયા ગાંધીનાં પ્રયાસોથી બિલ રાજ્યસભામાં તો પસાર થઈ ગયું હતું પણ લોકસભામાં કોંગ્રેસ પાસે બહુમતિ ન હોવાથી પસાર થઈ શક્યું નહોતું. લાલુપ્રસાદ યાદવ, મુલાયમ સિંહ અને બહુજન સમાજ પક્ષનાં સાંસદો વિરોધમાં ઉતરી આવીને લોકસભામાં જ બિલની કોપીઓ ફાડી હતી. એ વખતે જાે ભાજપે ધાર્યું હોત તો કોંગ્રેસને ટેકો
આપીને બિલ પસાર કરાવી શકી હોત. પણ વિરોધ પક્ષ તરીકે માત્ર વિરોધ જ કરવામાં માનતા ભાજપે આ મુદ્દે કોંગ્રેસને સહકાર આપ્યો નહોતો. છેલ્લાં ૬ વર્ષથી લોકસભામાં ભાજપની નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી સ્પષ્ટ બહુમતિ ધરાવતી સરકાર હોવા છતાં મહિલા અનામત બિલ પાસ થઈ શક્યું નથી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાનાં ચૂંટણી ઢંઢેરામાં મહિલા અનામત બિલ પસાર કરવાનો વાયદો કર્યો હતો. આજે તેમની પાસે પૂર્ણ બહુમતિ છે અને બિલ પસાર કરવાનું સરળ લાગે છે છતાં એ તરફ નજર સુદ્ધાં કરવામાં આવતી નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે વડાપ્રધાનને પત્ર લખીને બિનશરતી સમર્થન આપવાની જાહેરાત કરી હતી પણ સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો નહોતો.
આજે પરિસ્થિતિ એ છે કે છેલ્લાં ૨૩ વર્ષથી મહિલા સંગઠનો આ બિલ પાસ કરાવવા પ્રયત્નો કરી રહ્યાં છે પણ પુરૂષ રાજકારણીઓ તેને ગણકારતા નથી. હકીકતે રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી એક માનવાધિકાર છે.  મહિલાની સમાન નાગરિકતા માટે પણ આ બિલ જરૂરી છે. આઝાદીનાં ૭૦ વર્ષ બાદ ભારતમાં મહિલાઓ અનેક પડકારોનો સામનો કરી રહી છે.  સંસદમાં માત્ર ૧૨ ટકા અને રાજ્યોની વિધાનસભાઓમાં ફક્ત ૯ ટકા જેટલી બેઠકો મહિલાઓ પાસે છે. સંસદ અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓનાં પ્રતિનિધિત્વ મામલે દુનિયાની સૌથી મોટી સંસદીય લોકશાહી ગણાતા ભારતનું સ્થાન ૧૪૦માંથી ૧૦૩મું છે? ભારતીય સંસદમાં મહિલાઓની ટકાવારીની સરેરાશ ૧૧.૪ ટકા છે.  જ્યારે આ જ મામલે રવાન્ડા જેવા પછાત આફ્રિકી દેશની સંસદમાં મહિલાઓની ટકાવારી ૬૩ ટકા છે. પડોશી દેશ નેપાળમાં આ આંકડો ૨૯.૫ ટકા છે. અફઘાનિસ્તાન જેવા રાજકીય અસ્થિરતા ધરાવતાં દેશ કે જ્યાં ખુદ ભારત લોકશાહી સ્થાપિત કરવામાં મદદ કરી રહ્યું છે ત્યાં મહિલાઓની સંસદમાં ટકાવારી ૨૭.૭ ટકા છે. સામ્યવાદી ચીનની સંસદમાં મહિલા પ્રતિનિધિત્વ ૨૩.૬ ટકા છે. અરે આતંકવાદથી ગ્રસ્ત પાકિસ્તાનની સંસદમાં પણ ૨૦.૬ ટકા મહિલા સાંસદો બિરાજે છે. 
આ બધાં આંકડાઓ જાેતાં તો એવું સ્પષ્ટ લાગે છે કે પુરૂષ રાજકારણીઓ જ મહિલાઓનું નેતૃત્વ વધી ન જાય તે માટે પ્રયત્નશીલ છે અને એ વધારે ચિંતાજનક બાબત છે.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.