ઓનલાઈન-ઓફલાઈન શિક્ષણનો એક્સરે

Wjatsapp
Telegram

મહામારીના કટોકટીપૂર્ણ સમયમાં ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા માટે ટી.વી.માધ્યમ અને સોશ્યલ મીડિયા દ્વારા બાળકો સુધી શિક્ષણનો અસરકારક સેતુ રચાય તે ખૂબ આવકારદાયક છે. શિક્ષણ સદંતર મહિનાઓ સુધી બંધ રહે એના કરતા ઓનલાઈન વિકલ્પથી જેટલા પણ બાળકો સુધી પહોચી શકાય એ એટલી જ શિક્ષણની સિદ્ધિ ગણાશે. શિક્ષણ ના બગડે તે માટેનો આ વૈકલ્પિક હેતુ સારો છે. પરંતુ તેની મર્યાદા વટે તો ગેરલાભ પણ છે.

ખાનગી સ્કૂલો બાબતે ઘણા લોકો/વાલીઓ સાથે ડોક્ટરો ઓનલાઈન વ્યવસ્થાનો વિરોધ પણ કરી રહ્યા છે/ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. બાળકોના આરોગ્યને લઈને આ ચિંતા યોગ્ય પણ છે એટલે જે તે સંસ્થાઓનું આયોજન બાળકોનું આરોગ્ય જળવાય તે મુજબનું હોવું ઘટે. ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા એ કાયમી નથી હાલ પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા છે/શિક્ષણની પૂરક વ્યવસ્થા છે.

ઓનલાઈન માટેના એરિયા જોઈએ તો શહેરોમાં અને સદ્ધર ગામોમાં વધારે અસરકારક રહેશે. ગ્રામ્ય/અંતરિયાળ ગ્રામ્ય કક્ષાએ અપૂરતી સુવિધાઓના કારણે અહીંના બાળકો આ વ્યવસ્થાના લાભથી વંચિત રહેવા પામે છે. વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હોય પણ વોટ્સએપ વાળા વાલીઓ ઓછા મળે એવું બને. હવે જ્યાં ઓનલાઈન શક્ય નથી ત્યાં ઓનલાઈન વિશે વિચારવાનું જ નથી. આવા સમયે એક શિક્ષક તરીકે આપણે ઓફલાઈન શું કરી શકીએ એ વિચારવાનું રહે અને આ વિચારવું એ જ આપણું ઈનોવેશન છે. આ ઈનોવેશન એક પડકાર છે. જો આપણે ઉપાય કરવા બેસીએ તો દરેક મુશ્કેલીના ઉપાય આપણને જડી જ રહેશે અને સમસ્યા સમજાય એમ ઉકેલાતી જશે.આવા કપરા સમયે જ શિક્ષક પર ચેલેન્જ આવતી હોય છે અને એ સ્વીકારવાની હોય છે. એટલે જ કહીશું ‘શિક્ષક ઈનોવેટીવ હોવો જોઈએ’ જે બાળકો પાસે ઓનલાઈન શિક્ષણ મેળવવાના ઉપકરણો નથી એમના માટે શિક્ષકે અલગથી આયોજન કરવાનું રહે.

એક સરસ વાતની ગાંઠ વાળવા જેવી છે કે, “થાય એટલું કરીએ એમ નહીં પણ કરીએ એટલું થાય” એમ વાત રાખવી પડશે. જીવનમાં હકારાત્મક અભિગમ જ તમને તારતો હોય છે. બાકી નકારાત્મકતા તો આજુબાજુ તમે ના માંગો તોય મફતમાં મળી જ રહેશે. શું કરવું એ આપણે જ નક્કી કરવાનું છે.

હવે એ વાત પર આવીએ કે જયાં ટી.વી., ઇન્ટરનેટ,વોટ્સએપ કે ફોન વગેરે નથી. જોવા જઈએ તો મહત્તમ બાળકોના ઘરે આ સુવિધાનો અભાવ જોવા મળે છે.અહીં રસ્તો એ કાઢવાનો છે કે આ મહત્તમ બાળકો સુધી કેવી રીતે પહોચી શકાય. હાલ મોટા ભાગની સ્કૂલો રોટેશન પદ્ધતિએ ચાલે છે. એક દિવસ અથવા વધારે દિવસની ઓન ડ્યુટી ગેપ મળે છે. અહીં બાળકો માટે શિક્ષકે પોતે અલગ આયોજન અને હોમવર્ક કરી શકે છે. બાળકોની નોંધ રાખી શકે છે.શિક્ષક બાળકના ઘરનો કોવિડ-19 ની સૂચના મુજબ સામાજિક અંતર જાળવી રૂબરૂ સંપર્ક કરી ‘ઘરે શીખીએ’ અને જે તે વિષયનું માર્ગદર્શન આપવા સફળ પ્રયત્ન કરી શકે છે. રોજના જે બાળકનો સંપર્ક કરવાનો છે તેની અલગ નોટ બનાવી શકાય જેથી યાદ રાખી શકાય. શાળામાં ગયા પછી જેટલા પણ બાળકોનો સંપર્ક થાય એટલા બાળકોનો સંપર્ક કરી શકાય. એક વાત યાદ રાખવા જેવી છે,આપણે કોઈને બતાવવા કામ નથી કરવાનું, આપણે આપણને બતાવવા આપણું કામ કરવાનું છે.

જ્યાં ટી.વી.,વોટ્સએપ વગેરે છે ત્યાં ઓનલાઈન શિક્ષણ અસર કરશે. આવા બાળકોને માટે ગ્રુપમાં સોફ્ટ ટાઈમટેબલ, ફાઈલો મોકલી શકાય. બીજાના ઘરે ટી.વી.જોઈ શકે એવા બાળકો માટે હાર્ડ કોપી ટાઈમટેબલ અપાય.

ઓનલાઈન શિક્ષણ એ શિક્ષણની ચિંતા વ્યક્ત કરીને હકારાત્મક અભિગમ સાથે ચાલું કરાયેલ કાર્યક્રમ છે. જીવની ચિંતા દરેકને છે ત્યારે વાયરસની ગંભીરતા દાખવીને શિક્ષણનું આ કામ પાર પાડી શકાય. આ સમસ્યાનો ઉકેલ શિક્ષક કેટલું સરળ આયોજન કરે તેના પર નિર્ભર છે. કશુંજ નહીં કરતા જેટલું પણ થાય છે એનો સંતોષ લઈએ/રાજીપો વ્યક્ત કરીએ અને આપણી શાળા માટે વિકલ્પો વિચારતા રહીએ. શું કરી શકાય એના આઈડિયા આપણા હાથમાં છે. આજે રાષ્ટ્રની સાંપ્રત પરિસ્થિતીને જોતા કુશળ શિક્ષકોની મદદથી જ શિક્ષણમાં પાર ઉતરી શકાય એમ છે.

છેલ્લે, બીજા શું કરે છે,શું નથી કરતા એ બધી ચિંતા છોડો પરન્તુ તમે શું કરી શકો એમ છો એનું ચિંતન કરો અને ત્વરીત અમલમાં મૂકો.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

નોંધ:- શિક્ષણ હિતમાં

|| જય શિક્ષણ ||

✍️ પ્રવીણસિંહ ખાંટ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.