કવિતા | હા હું છું બુદ્ધ…

હા હું છું બુદ્ધ …..
ના અતિક્રમણ ,
ના પ્રતિક્રમણ,
બસ…માત્ર મહાભિનિસ્ક્ર્મણ..
ના સ્વર્ગ-નરક
ના મોક્ષ-માયા
ના કોઈ પરમ ધામની કલ્પના.
બસ…માત્ર..
માત્ર સફળ જીવતરની કામના
ને..
પ્રજ્ઞા,શીલ,કરુણા,સંયમ,સમાનતા…
ના કોઈ છળકપટ
ના કોઈ અંધવિશ્વાસ
ના કોઈ જાતિભેદના વાડા
બસ..માત્ર..
અહિંસા,દયા,પ્રેમ,સત્કર્મ જીવનનો સાર…
ના ગર્વ ના અભિમાન
ના લાલચ-લંપટતા
ના વાસના-રૂપ લલના
બસ…માત્ર…
માનવ કલ્યાણ,માનવ શાંતિ,માનવ ઉર્ધ્વતા.
ના હું રામ-કૃષ્ણ નો અવતાર
ના હું પીર-પયગંબર નો ચેલો
ના હું આચાર્ય-મહંત-કે મુલ્લા
બસ…માત્ર..
હું તારી સાથે સદા તારો જ એક અંશ..
ના રાગ-રંગ કે દ્વેષ-ઈર્ષા
ના ધન-વૈભવ કે ઐશ્વર્ય-ભંડાર
બસ…માત્ર …
હું..
નિર્વાણ…શ્રમણ…ભિક્ષુક…પથગામી…હમસફર રાહી..
હા હું છું બુધ્ધ..શુધ્ધ..બુધ્ધ
દુખ દર્દના ચક્રવ્યૂહ ને ભેદનાર…
(બુધ્ધ પૂર્ણિમા…દિન..નિમિત્તે મારી આ રચના મહામાનવ તથાગત બુધ્ધ ને સાભાર અર્પણ)
– ડૉ. મોહન ચાવડા
