તમારું મૌન તમારા પોતાના માટે કોરોનાથી પણ વધારે ઘાતક સિધ્ધ થશે, જાણો કઈ રીતે…

ખેડૂતો, મજદૂરો, પત્રકારો, નાના વેપારીઓ, ફેરિયાઓ, રિક્ષા ચાલકો વગેરેની સમસ્યાઓમાં કે પ્રશ્નોમાં લોકોને રસ નથી, લોકો ને ફિલ્મીસ્ટારોનાં બાળકો કે ક્રિકેટરોની લાઇફ સ્ટાઇલ વિશે જાણવામાં વિશેષ રુચિ છે. આ પ્રકારની મનોવૃત્તિ સ્વસ્થ સમાજના નિર્માણમાં ઘાતક સિધ્ધ થઈ શકે છે. લોકો પોતાની આસપાસની દુનિયા અને તેના પ્રશ્નોથી દૂર ભાગી રહ્યા છે અને અમેરિકા કે ચીનમાં શું ચાલી રહ્યું છે તે જોવા ઉત્સુક છે તેને શું કહી શકાય? જે બાબતનું કોઈ પ્રમાણ નથી તેના વિશે કોઈ વાત કરશે તો લોકોની લાગણીઓ ઘવાઈ જશે ને જે સામે ઘટિત થઈ રહ્યું છે તે વિશે કોઈ રિસ્પોન્સ જ આપવામાં આવતો નથી. આ ક્યાં પ્રકારની માનસિકતા છે?? એક પત્રકારને વિના કારણે જેલમાં ધકેલી દેવામાં આવે કે એક ખેડૂતને તેની ઉપજનું વળતર મેળવવાની ન્યાયિક રજૂઆત બદલ ઢોર માર મારવામાં આવે ત્યારે મૌન રહેતી પ્રજા તેની કોઈપણ સમસ્યા બાબતે રજૂઆત કરવાનો કે ન્યાયિક માંગણી કરવાનો અધિકાર આપોઆપ ખોઈ બેસે છે. છેલ્લા હજારો વર્ષોથી ગુલામી ભોગવી રહેલ જનતાને હજુ સ્વતંત્રતા માફક આવી રહી નથી એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બીજા નું શોષણ જોઇને રાજી થતી જનતાને એ ખબર હોતી નથી કે રેલો તમારા પગ સુધી પણ ચોક્કસ આવશે. તમે હાલમાં મૌન રહી જે વ્યવસ્થા તંત્રને હાલમાં આડકતરું ઉત્તેજન આપી રહ્યા છો તેનો ભોગ તમારે પણ બનવાનું છે. આજે ખેડૂત, પત્રકાર કે સામાન્ય ગરીબ માણસ છે, કાલે માધ્યમ વર્ગ ને વેપારીઓનો વારો આવશે ને પછી ઉધોગપતિઓ કે સરકારી કર્મચારીઓ પણ એમાંથી બાકાત નહી રહે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. તમે તમારી જ ચૂપ રહેવાની માનસિકતા ને કારણે વિષચક્ર માં પ્રવેશી ચૂક્યા છો જેનો ભોગ તમે પણ બનશો જ, આ લોકડાઉન દરમિયાન કેટલાય સત્તા પક્ષના કાર્યકરો અત્યાચાર અને અતિરેક ભરી પોલીસ કાર્યવાહીનો ભોગ બન્યા જ છે પણ સહન કર્યા સિવાય કોઈ છૂટકો નથી કારણ કે બીજા પર થયેલ અત્યાચાર કે કાયદાના દુરુપયોગ સમયે તમે મૌન હતા. હજુ તો આ શરૂઆત છે, તમારું મૌન અને સંવેદનહિન માનસિકતા કેવા દિવસો દેખાડશે એની રાહ જૂઓ. તમારે કોઈ અન્યાય કે અત્યાચાર નાં વિરૂધ્ધમાં ઘર બહાર રોડ પર ઉતરવાની જરૂર નથી પરંતુ કમસે કમ સોશ્યલ મીડિયામાં તો આવી બાબતો લખનાર કે જે જનતાનો અવાજ બનવા પોતાના સ્વાર્થ ને બાજુ પર મૂકી સત્તા અને સિસ્ટમ સામે અળખામણા બની ને કઈક મહેનત કરી રહ્યા છે તેને લાઈક કે કૉમેન્ટ કરી જુસ્સો તો પૂરો પાડો. જો એવા સો- બસો લોકો પણ તમારી જેમ ચૂપ થઈ જશે તો શું થશે ??? તે વિચારો.