નાગરિક તરીકે શરૂઆત કેવી રીતે કરવી?

Kaushik Parmar Editor Publisher
Wjatsapp
Telegram

નાગરિક તરીકે શરૂઆત કેવી રીતે કરવી?

ચૂંટણી પતી અને પરિણામ આવ્યાં પછી કેટલાંય યુવાનોને મેં વિધવાવિલાપ કરતાં જોયાં. જાણે પોતે ચૂંટણી ના હારી ગયા હોય!! બીજેપીને બસ! પાડી જ દઈએ, સબક શીખવાડી દઈએ, કોંગ્રેસને જીતાડી દઈએ. કેટલાંકે તો જોશમાં ને જોશમાં બીજી નાની પાર્ટીઓ કે અપક્ષ તરીકે ફોર્મ પણ ભર્યા અને “આપણે ચૂંટણી લડ્યા”ના સંતોષ સાથે હારી પણ ગયા. હવે શું?

ઘણા હજુ નિરાશામાં છે કે એની એ જ સરકાર પાછી આવી. એના એ જ મુખ્યમંત્રી અને ઉપ-મુખ્યમંત્રી(આ લખાય છે ત્યાં સુધી તો છે જ!) પાછા બની ગયા. ફરીથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની બંધ થઇ(ટેકનીકલ કારણોસર), ફરીથી આઉટ-સોર્સ નોકરી માટે ભરતીની જાહેરાત ભાર પડી, VS હોસ્પિટલમાં ટેન્ડર વગર કોન્ટ્રેક્ટ અપાયો. બધું એનું એ જ શોષણચક્ર, લુંટચક્ર ચાલ્યું. કેટલાકે સામે ચાલીને મને ફોન પણ કર્યો. “કૌશિકભાઈ હવે આપણું શું થશે?”

મારે આ બધા યુવાનોને પૂછવું છે કે, “કોંગ્રેસ જીતતી તો નાગરિક તરીકે તમને શું લાડવા મળવાના હતાં? કે ૧૫ લાખ મળવાના હતાં?” કોંગ્રેસ ભ્રષ્ટાચાર ના કરત? શું અમદાવાદમાં ટોરેન્ટની મોંઘી વીજળી માટે કોંગ્રેસ કઈં બોલી? મગફળી ઉત્પાદક ખેડૂતો માટે કોઈ આંદોલન કર્યું? આ નવી આઉટ-સોર્સ જાહેરાત પડી છે એની સામે કોંગ્રેસ કંઈ બોલી? અરે!!! આ છોડો… પેલા EVM જેનાં લીધે કોંગ્રેસ હારી અને VVPAT ગણાવે તોય જીતી જાય, શું એ EVM હટાવવા માટે કોઈ જનઆંદોલન કર્યું? તો તમે શેના માટે રડો છો? તમારું હતું શું, જે તમે ગુમાવ્યું?

ચૂંટણી દરમ્યાન જો તમે નોંધ્યું હોય તો યાદ કરજો, ચૂંટણીના છેલ્લા ૧૫ દિવસ મીડિયામાં “નીચ”, “જનોઈ”, “ગુજરાત કા બેટા”, વિગેરે અને જમીન ઉપર જાતી, ધર્મના સમીકરણો સિવાય કશું જ નોહતું. આપણા પ્રાથમિક મુદ્દાઓ ઉપર કોઈ ચર્ચા જ નોહતી થતી. તમે પોતે યાદ કરો કે તમે વોટ કરવાં ગયા ત્યારે, બુથમાં, EVMનું બટન દબાવતી વખતે તમારા મગજમાં શું ચાલતું હતું? પ્રાથમિક મુદ્દાઓ કે નેતાઓના ભાષાણો? સારું શિક્ષણ કે મારો સમાજ, મારી જાતિનો ઉમેદવાર? યાદ કરો, થોડુક દિમાગ પર જોર આપો. EVMનું બટન દબાવતાં પહેલા, તમારા મગજમાં કયો વિચાર ચાલતો હતો? “આ વખતે તો પાડી દેવું” કે પછી ખેતી બચાવવા માટે વોટ કરવો?

આ જ બધી સમસ્યાઓનું અસલ મૂળ આપણે નાગરિકો પોતે જ છીએ. (ઉપરનો ફકરો ફરી એકવાર, નિરાંતે વાંચજો અને વિચારજો. તમે વોટ કર્યો કે પછી કોઈકે તમારી પાસે વોટ કરાવ્યો?)

આ ચૂંટણી તો પાર્ટીઓની હતી, છતાંય તમે લડ્યા અને એવું લડ્યા કે કરોડો-અરોબો રૂપિયા, અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેબીનેટ મંત્રીઓ, એમએલએ, એમપી, મોટા-મોટા ચાણક્ય કે’વાતા દિગ્ગજોને તમે યુવાનોએ જ રેલો લાવી દીધો. લડત બે પાર્ટીઓની હતી તેમ છતાં જે ઉત્સાહ, તાકાત અને હિંમતથી ગુજરતના યુવાનોએ ભાગ લીધો એ તમારી જીત છે. પણ લડત તમારી તો બિલકુલ ના હતી.

તમારી અસલી લડાઈની હવે શરૂઆત થાય છે. તમારી સમસ્યાઓ સામેની લડતની શરૂઆત. જે મૂળભૂત છે, વાસ્તવિક છે અને તમારાં સિવાય આ સમસ્યાઓમાં કોઈ પાર્ટી કે કોઈ નેતાઓને આમાં રસ નથી.

મુખ્યત્વે ત્રણ પ્રકારની નાગરિક સમસ્યાઓ છે.

૧. પ્રાથમિક સમસ્યા

૨. માધ્યમિક સમસ્યા

૩. ઉચ્ચતર માધ્યમિક સમસ્યા

૪. સ્નાતક-અનુસ્નાતક સમસ્યા

 

અલ્યાવ, હસવાનું નથી. સાચું લખ્યું છે. ઉપર મુજબની ચાર પ્રકારની જ સમસ્યાઓ છે.

૧. પ્રાથમિક સમસ્યાઓ :

તમે યુવાન છો, તમે આ ભારત દેશનાં, ગુજરાત રાજ્યના નાગરિક છો. તમારે સત્તા નથી જોઈતી, તમારે જોઈએ છે સારું શાસન. સારી સુવિધાઓ, સારું શિક્ષણ, સારા રસ્તા, વિગેરે, વિગેરે અને વિગેરે. આ લડતની હવે શરૂઆત કરવાની છે. તમારી ગલી, મહોલ્લામાં સ્ટ્રીટ લાઈટ, ગટર, પાણી, રસ્તો આટલી ચાર સગવડો બરાબર મળે છે? જો ના મળતી હોય તો આખા ગુજરાતનો ભાર લઈને ફરવાની જરૂર નથી. સૌથી પહેલા આ ચાર સગવડોની પાછળ પડો. બીજું તમને જાણીને નવાઈ લાગશે કે આ ચાર સગવડો માટે તમારે કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદસભ્ય કે પાર્ટીઓની મદદની કોઈ જરૂર નથી. આ કામ તમે જાતે યોગ્ય જગ્યાએ, યોગ્ય રીતે રજૂઆત કરીને કરાવી શકો એમ છો. તમારા ફળિયા, સોસાયટીની મીટીંગ બોલાવો, સમસ્યા પર ચર્ચા કરો, આવેદનપત્ર તૈયાર કરીને આપો અને કામ થાય તેવું છે. મહાનગરોમાં તો આની પણ જરૂર નથી. અમદાવાદમાં ૧૫૫૩૦૩ નામની હેલ્પલાઈન નંબર છે. ગટર ઉભરાય તો ફોન કરો, ૨૪ કલાકમાં કામ થઇ જશે. સ્ટ્રીટ લાઈટ બંધ છે? તો થાંભલા પર નંબર લખેલ હોય એ નંબર ૧૫૫૩૦૩ પર નોંધાવો. કામ થઇ જશે. એ જ વાત કચરો પડ્યો હોય, ગંદકી હોય, પાણી ગંદુ આવવું, ઓછા પ્રેશરથી આવવું જેવી સમસ્યા માટે પણ લાગુ પડે છે. બીજા મહાનગરો માટે તમે જાતે નંબર શોધી કાઢો અને કામ કરાવો. છે ને સરળ? તો વ્હાલા તમે શરૂઆત, તમારી પ્રાથમિક સમસ્યાઓથી કરો.(અને  હા! આવતાં અંકમાં તમારા અનુભવ અમને લખી મોકલજો, અમે છાપીશું.)

૨. માધ્યમિક સમસ્યાઓ :

જેમ પ્રાથમિક ભણ્યા પછી માધ્યમિકમાં જવાય, તેમ પ્રાથમિક સમસ્યાઓ હલ કર્યા પછી જ તમે માધ્યમિક સમસ્યાઓ હલ કરી શકશો. એટલે આ આર્ટીકલ વાંચતા દરેક યુવાનોને મારી ખાસ વિનંતી કે શરૂઆત તો હંમેશા પ્રાથમિક સમસ્યાઓથી જ કરજો. માધ્યમિક સમસ્યાઓમાં રોડ નવો કરાવવો, પાણીનો નવો બોર કરાવવો (ખાસ ગામડામાં), યોજનાઓ માટે ફોર્મ ભરાવવા અને યોજનાઓનો ફાયદો આપવવો, વિગેરે, વિગેરે. ટૂંકમાં, ક્લાસ ૨-૩ અધિકારીઓ સાથે પાનો પડવો અને નાગરિક તરીકેના લાભ મેળવવા અથવા સમસ્યા દુર કરવી. આ પ્રકારની સમસ્યાઓ ઉકેલવા સરકારી ફંડ જોઇશે અથવા તો સરકારીતંત્ર કેવી રીતે કામ કરે છે, એની સાચી સમજણ જોઇશે. આ પ્રકારની સમસ્યાઓ દુર કરવા માટે સંગઠન અનિવાર્ય થઇ પડશે. વળી તેમાં વકીલ, મીડિયા, સોસીઅલ મીડિયા, સ્થાનિક આગેવાનો, સરપંચ, સરકારી કર્મચારી વિગેરેનો સાથ સહકાર પણ જોઇશે. એટલે રખે એમ માનતાં કે ખભે થેલો નાંખીને નીકળી જઈશ એટલે થઇ જશે, “મેરા તો ક્યાં હે!!! મેં તો ઝોલા ઉઠા કે નીકલ જાઉંગા!” માધ્યમિક સમસ્યા ઉકેલવી એ એકલા માણસનું કામ નથી. આ સમસ્યાઓ તમારી પાસે ટીમ વર્ક માંગશે. જેને મોટા થવું છે, મોટું નામ બનાવવું છે કે આવનારી ચૂંટણી લડવી છે, તેમનાં માટે આ અતિ આવશ્યક છે યોગ્ય ટીમ બનાવી, યોગ્ય રજુઆતો કરી નિરાકરણ લાવે. અહી, તમને તમારી પ્રાથમિક સમસ્યાઓ સોલ્વ કરતાં જે અનુભવો થયા હશે અને જે લોકો મળ્યા હશે, તે કામ લાગશે. સરકારી કર્મચારીઓ માટે હું એટલું કહી દઉં કે, બધાં સરકારી કર્મચારીઓ કામચોર નથી હોતાં. ઘણા સારા પણ હોય છે. જો યોગ્ય રજૂઆત કરો અને સબંધો કેળવો તો ના ફક્ત તમને કામ કરી આપશે ઉલ્ટું તમને વધુ સરળ, યોગ્ય રસ્તો પણ બતાવશે.” કેમ કે તમારે જે તંત્ર સામે લડવું છે, જે તંત્ર તમારે બદલવું છે, એના એ સરકારી કર્મચારીઓ ભાગ છે. તેમને સરકારીતંત્ર વિષે વધુ સારી ખબર હોય એ સ્વાભાવિક છે.

ત્રીજા અને ચોથા પ્રકારની સમસ્યાઓ પર ૧ ફેબ્રુઆરી ૨૦૧૭ના આવતાં અંકમાં વાત કરીશું. પણ, ત્યાં સુધી તમે પ્રાથમિક સમસ્યાઓ પર કામ શરુ કરો તેવી અપેક્ષા, તેવી પ્રાથના. એક ખાસ વાત. આ વિષય ભાષણ, દલીલો કે લેખનનો નથી પણ અનુભૂતિનો છે. તમે અનુભવ લો તો બાકીનો રસ્તો આપોઆપ જડશે. આગળના વળાંક પર શું આવે છે એતો એ વળાંક સુધી ચાલ્યા પછી જ ખબર પડે. પણ તમે આજે ચાલવાની #શરૂઆત કરશો તો!

જય ભારત યુવા ભારત

યુવાશક્તિ ઝીંદાબાદ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.