ભગવાન બુદ્ધ અને ગૌતમી

“રક્ષા ચીવર ધારણ કરનારી ભિક્ષુણી શ્રાવિકાઓમાં કિસ્સામાં ગોતમી શ્રેષ્ઠ છે.”
એનો જન્મ શ્રાવસ્તીમાં એક ગરીબ કુટુંબમાં થયો હતો. ઉંમર લાયક થતાં એનું લગ્ન થયું, પણ ગરીબ કુળની હોવાથી સાસરિયાંમાં એની અવહેલના થવા લાગી. કેટલોક વખવ વીત્યા બાદ એને એક છોકરો થયો, અને એથી એનું માન વધવા લાગ્યું. છોકરો મોટા થઈ આમતેમ નાચવા કૂદવા લાગ્યો, એટલામાં જ કોઇ રોગથી એ મરણ પામ્યો. ત્યારે એ અત્યંત શોકાતુર થઈ, ‘આને કંઈ ઓસડ આપો, આને કંઈ દવા આપો,’ એમ બૂમો પાડતી આમથી તેમ ફરવા લાગી; અને મરેલાનું ઓસડ શું ? એમ કહી લોકો એની મશ્કરીઓ કરવા લાગ્યા. એથી એનું ભેજું ઠેકાણે ન આવતાં વધારે ને વધારે ચસકવા લાગ્યું. ત્યારે એક ડાહ્યા માણસે એને કહ્યું, “આ સામેના વિહારમાં ભગવાન બુદ્ધ રહે છે. એમની પાસે જઇ તું તારા છોકરા માટે ઓસડ માગ.” એને એ ખરું લાગ્યું અને એ ભગવાન પાસે જઈ ઓસડ માગવા લાગી.
ભગવાન બોલ્યા, “ઓસડ માટે તું મારી પાસે આવી એ તેં ઠીક કર્યું. હવે તું એમ કર, શહેરમાં જા. અને જે ઘરમાં જેનું કોઇપણ આપ્તેષ્ટ મરણ ન પામ્યું હોય તેની પાસેથી ચપટી રાઈના દાણા લઈ આવ.” એ સંતોષ પામી શહેરમાં ગઈ, અને જે મળે તેની પાસે રાઈના દાણા માગવા લાગી. લોકોએ એને રાઈના દાણા આપવા માંડ્યા. પણ એણે કહ્યું, “તમારા ઘરના કોઈ મનુષ્યનું કોઈ સગુસંબંધી મરણ નથી પામ્યું ને ?”
લોકો કહેતા, “અલિ ગોતમી, તું આ શું બોલે છે ? અહીં તો જીવતા કરતાં મરેલાં માણસોની સંખ્યા જ વધારે.” એટલે તે રાઈ ન લેતાં બીજે ઘરે જતી. આ પ્રમાણે ઘણાં ઘર ફરી આવી; ત્યારે તેને જ્ઞાન થયું કે આ જ જગતનો નિયમ છે. એમ જાણી છોકરાનું પ્રેત (શબ) સ્મશાનમાં મૂકી દઈ એ મનમાં જ બોલી,
न गामधम्मो नो निगमस्स धम्मो
न चापयं एककुलस्स धम्मो ।
सब्बस्स लोकस्स सदेवकस्स
एसो व धम्मो यदिदं अनिच्चता ।।
અર્થ :- “અનિત્યતા (મરણ) એ એક ગામ, શહેર કે કુટુંબનો જ સ્વભાવ નથી, દેવલોક(ધમ્મનું શુદ્ધ આચરણ કરનારા લોકો) સાથે અખિલ વિશ્વનો આજ ધર્મ છે.”
ત્યાર પછી એ ભગવાન પાસે પાછી આવી. ભગવાને એને ધર્મોપદેશ કર્યો, અને એ ભિક્ષુણી થઈ.
ભિક્ખુનીસંયુત્તમાં એના માર સાથે થયેલા સંવાદની હકીકત છે. એનો સારાંશ આ પ્રમાણે છે.
સવારના પહોરમાં કિસા ગોતમી શ્રાવસ્તીમાં ભિખાટન કરી જમી રહ્યા પછી વિશ્રાંતિ લેવા માટે અંધવનમાં જઈ એક ઝાડ નીચે બેઠી. એને ભય તથા લોમહર્ષ ઉત્પન્ન કરવાના અને સમાધિમાંથી ચ્યુત કરવાના ઉદ્દેશથી ‘માર’ (પોતાની અંદરના વિકાર) ત્યાં આવ્યો અને બોલ્યો, “કેમ અલિ, મરી ગયેલા છોકરાની મા જેવી દેખાય છે તો.તારું મોઢું રોતલ દેખાય છે. અહીં જંગલમાં એકલી શા માટે બેઠી છે ? કોઈ પુરુષને કેમ શોધી કાઢતી નથી ?”
કિસા ગોતમી બોલી, “મારો છોકરો જરૂર મરણ પામ્યો છે. બધા માણસોની છેવટે એ જ ગતિ થવાની છે. તેથી હું શોક પણ કરતી નથી અને રડતી પણ નથી; અને હે માર, તારાથી ગભરાતી પણ નથી. સર્વ ઠેકાણે મારી તૃષ્ણાનો નાશ થયો છે, અંધકાર-રાશિનો વિધ્વંશ થયો છે; મૃત્યુની સેના પર જીત મેળવી મેં અર્હંત્પદ મેળવ્યું.”
પોતાને કિસા ગોતમી કળી ગઈ, એમ જાણી દુઃખી અંત:કરણે માર ત્યાં જ અંતર્ધાન થયો.
ગ્રંથ સંદર્ભ :- બૌદ્ધ સંઘનો પરિચય
લેખક :- ધર્માનંદ કોસમ્બી
પૃષ્ઠ સં :-૨૪૫/૪૬