118 – માસિકધર્મ વખતે સ્ત્રીઓએ શુ કરવું અને શું ન કરવું?

આજે ૧૧૮ મો દિવસ
૧૮ ફેબ્રુઆરી ૨૦૨૦
મંગળવાર
જય સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સંતનો વિડિઓ ધ્યાનથી સાંભળો.
એમણે કહ્યું કે,
૧) શાસ્ત્રોમાં લખ્યું છે.
૨) આ કહીએ તો બધાને કડક લાગે.
૩) મેં ૧૦ વર્ષ પછી પહેલી વાર ટકોર કરી.
૪) મને સંતો ના પાડતા કે આ ધર્મની સિક્રેટ વાત કહેવાય.
૫) પણ કહીએ નહિ તો ખબર નથી પડતી.
૬) આ ધરમ-નિયમની વાતો છે, સંતો નહિ કહે તો કોણ કહેશે?
મતલબ,
૧) આ ધર્મ શાસ્ત્રોમાં લખ્યું છે.
૨) ૧૦ વર્ષ પહેલાંથી સ્વામિનારાયણ સંત જાણતા હતા.
૩) અન્ય સંતો પણ આ જાણે છે પણ આપણને બીજા કોઈ સંત કહેતા નથી.
૪) શાસ્ત્રોમાં જે લખ્યું છે તે આપણાથી છુપાવવામાં આવે છે.
ટીવી ચેનલોમાં એંકરો પૂછે છે કે કયા શાસ્ત્રોમાં લખ્યું છે?
મને લાગે કે આ ટીવી એંકરો ગુજરાત યુનિવર્સીટીના જર્નલીજમ ડિપાર્ટમેન્ટમાંથી જર્નલીજમ ભણ્યા હશે.
ના કાંઈ વાંચવું,
ના કાંઈ જાણવું,
ના કોઈ મુદ્દા પર સરખી ડિબેટ કરવી,
ના કોઈ સંશોધન કરવું,
બસ! ટીવી પર એક્શન બોલે એટલે અધૂરું-પધુરું જ્ઞાન લઈને મંડી પડવું. અને પોતાની માનેલી દુનિયામાં રચ્યા-પચ્યા રહેવું પણ કાંઈ નવું જાણવાની વૃત્તિ ના કેળવવી.
આ ટીવી એંકરો ખરેખર હિંદુ છે કે મુલ્લાઓ-મુલ્લીઓ છે? જે પોતાના હિંદુ ધર્મના ધર્મ ગ્રંથો, ધર્મ શાસ્ત્રો નથી વાંચતા.
- ગૂગલમાં સર્ચ કરો “સ્વામિનારાયણ શિક્ષાપત્રી ગુજરાતી” અને આ ૨૪ પાનાની શિક્ષાપત્રી વાંચી જાઓ એટલે ખબર પડે કે માસિકવાળી સ્ત્રીઓએ શુ કરવું અને શું ન કરવું?
- એ સિવાય વિધવા સ્ત્રીઓ, કુંવારી છોકરીઓ, પરણેલી સ્ત્રીઓએ શુ કરવું, શુ ના કરવું? એ પણ લખેલું છે.
- કેટલીક બાબતો હું અહી લખીને તમારી મહેનત ઘટાડું છું, પણ પૂરેપૂરી શિક્ષાપત્રી વાંચજો. માત્ર ૨૪ પાના છે, અડધો કલાકમાં વંચાઈ જશે.
શિક્ષાપત્રી એ દરેક સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ પાળવા પડતા નિયમો છે. જો તમે આ નિયમો પાડતા નથી તો તમે સાચા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી નથી.
શ્લોક ૧૭૩
અને સુવાસીની ને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના ન્હાવું નહિ, અને પોતાનું જે રજસ્વલાપણું તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું.
- સુવાસીની મતલબ સૌભાગ્યવતી, પરણેલી, જેનો પતિ જીવતો હોય.
- રજસ્વલા મતલબ માસિક, પિરિયડ.
- મતલબ તમે સ્ત્રીઓ માસિકમાં હોય તો તેણે ગુપ્ત રાખવાનું નહિ. અન્ય લોકોને જણાવી દેવાનું.
- મતલબ, કચ્છ-ભુજમાં સહજાનંદ કોલેજની હોસ્ટેલમાં જે છોકરીઓના કપડાં ઉતારી માસિક ચેક કરવામાં આવ્યું, તે સ્વામિનારાયણ શિક્ષાપત્રી પ્રમાણે યોગ્ય જ છે.
- સ્વામિનારાયણ સંત કૃષ્ણસ્વરૂપ દાસજીએ જે કહ્યું તે શિક્ષાપત્રી પ્રમાણે યોગ્ય છે.
- ખરેખર તો સ્ત્રીઓએ ગળામાં બોર્ડ લગાવીને ફરવું જોઈએ, “હું માસિકમાં છું.” જેમ ભૂતકાળમાં અસ્પૃશ્ય લોકોને ગળામાં કુલડી અને પાછળ ઝાડુ બાંધવામાં આવતું હતું તેમ… એટલે આપણને ખબર પડે કે આવી સ્ત્રીઓથી દૂર રહેવું.
શ્લોક ૧૭૪
અને વળી રજસ્વલા એવી જે સુવાસિની અને વિધવા સ્ત્રીઓ તે ત્રણ દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડે નહિ, અને ચોથે દિવસે નાહીને અડવું.
- માસિકના ત્રણ દિવસ, સ્ત્રીઓએ કોઈને અડવું નહિ. આભડછેટ લાગે.
- તેમછતાં આજે અધર્મી એવી સ્ત્રીઓ માસિક છુપાવે છે અને જેને ને તેને અડે છે. અને પાછી અમુક તો જાહેરમાં લખે કે હું માસિકમાં હતી તોય મંદિરમાં ગઈ. જાણે આપણો ધર્મ ભ્રષ્ટ કરવામાં એને મજા ના આવી હોય!!
- હવે આવી માસિકવાળી સ્ત્રીઓ ખાવાનું બનાવે અને આપણે ખાઈએ તો આપણો પણ ધર્મ ભ્રષ્ટ થાય કે નહી?
- તો સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કૃષ્ણસ્વરૂપ દાસજીએ શુ ખોટું કહ્યું?
શ્લોક ૧૬૧
અને પતિવ્રતા એવી જે સુવાસિની(સૌભાગ્યવતી) સ્ત્રીઓ તેમણે પોતાની નાભિ(ડુંટી), સાથળ, અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું. અને ઓઢયાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું, અને ભાંડ ભવાઈ જોવા ન જવું, અને નિર્લજ્જ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈરિણી, કામિની અને પુંશ્વલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો.
- આજે સ્ત્રીઓની ડુંટી જ્યાં ત્યાં દેખાતી હોય છે. ટી શર્ટ, જીન્સ, મોડર્ન, ફેશનેબલ કપડાં પહેરતી છોકરીઓની ડુંટી તો દેખાય જ છે. જાણે ડુંટી બતાવવા જ કપડાં ના પહેરતી હોય. હહ..
- કેટલીય ન્યુઝ ચેનલવાળી સ્ત્રીઓ દુપટ્ટો નાંખ્યા વગર રિપોર્ટિંગ કરતી હોય છે.
- હવે તો સ્ત્રીઓને જીન્સ પર દુપટ્ટા વગરનો ટોપ પહેરવાની ફેશન પડી ગઈ છે.
- સ્વામિનારાયણ સંપ્રદાયમાં “ભાંડ ભવાઈ ના જોવું” એવું કહ્યું છે પણ જર્નલીજમ ડિપાર્ટમેન્ટ, ગુજરાત યુનિવર્સીટીમાં તો ભાંડ ભવાઈ શીખવાડવામાં આવે છે.
- હું થોડા દિવસ પહેલા ડિપાર્ટમેન્ટની મુલાકાતે ગયો તો એક છોકરી ભવાઈ કરતી હતી.
- અને જર્નલીજમ ડિપાર્ટમેન્ટમાં ભવાઈ શીખવાની સગવડ એક સ્ત્રી, HOD, સોનલબેન પંડ્યાએ કરી આપી છે.
- બોલો! કેવાં કેવાં ધર્મ વિરોધી કામો થઈ રહ્યા છે આપણા દેશમાં અને એય પાછું આપણા ગુજરાતમાં.
- ફિલ્મો એ ભાંડ ભવાઈનું જ એક રૂપ છે. અને સ્ત્રીઓ આજે હોંશે હોંશે જોવા જાય છે.
- એટલું જ નહીં આ ભાંડ ભવાઈમાં સ્ત્રીઓ કામ પણ કરે છે. હેલ્લારો મુવી યાદ છે ને!!
શ્લોક ૧૬૨
અને સુવાસિની(જેનો પતિ જીવતો છે) સ્ત્રીઓ તેમણે પોતાનો પતિ પરદેશ ગયે સતે આભૂષણ ન ધારવા, ને રૂડાં વસ્ત્ર ન પહેરવાં, અને પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્ય વિનોદાદીક ત્યાગ કરવો.
- આજે કોઈ સ્ત્રી આવું પાળતી નથી.
- પતિ વિદેશ ગયો છે કે નહીં એ સ્ત્રીઓના વસ્ત્રો પરથી આપણને ખબર પડતી નથી.
- ઘરના લોકો પણ આવી સ્ત્રીને(જેનો પતિ પરદેશ ગયો હોય) તેની પાસેથી આવું કાંઈ પળાવતા નથી.
- પછી આપણી સંસ્કૃતિ નષ્ટ ના થઈ જાય, હિંદુ ખતરામાં ના પડે, તો બીજું શું થાય?
શ્લોક ૧૬૮
અને વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો, અને પૃથ્વીને વિષે સૂવું, અને મૈથુનાસક્ત એવાં જે પશુ પક્ષી આદિક જીવ પ્રાણીમાત્ર તેમને ક્યારેય જાણીને જોવાં નહિ.
- આજે વિધવા સ્ત્રીઓ બે ટાઈમ ભરપેટ ખાવાનું ખાય છે.
- આજે વિધવા સ્ત્રીઓ જમીન પર સુવાને બદલે ખાટલા, પલંગ, સેટી પલંગમાં સુવે છે. શુ આ સ્ત્રીઓ અધર્મી નથી?
શ્લોક ૧૬૯
અને તે વિધવા સ્ત્રીઓ તેમણે સુવાસિની(સૌભાગ્યવતી) સ્ત્રીના જેવો વેષ ન ધારવો, તથા સન્યાસણી તથા વેરાગણી તેના જેવો વેષ ન ધારવો, અને પોતાના દેશ, કુળ, અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેષ તે પણ ક્યારેય ન ધારવો.
- આજે વિધવા કોણ એ ખબર જ પડતી નથી. બધા જ પ્રકારના વસ્ત્રો આજની વિધવા સ્ત્રીઓ પહેરે છે.
- મોદજીએ કહ્યું હતું, “કપડાં જોઈને ઓળખો.” પણ જ્યારે વિધવા, વિધવાના કપડાં જ ના પહેરે તો આપણે વિધવાઓને ઓળખવી કેવી રીતે?
- ન્યુઝ ચેનલોમાં કામ કરતી અધર્મી સ્ત્રીઓ પોતાના દેશના વસ્ત્રો ના પહેરીને પશ્ચિમી સંસ્કૃતિના કપડાં પહેરે છે. ટી શર્ટ, જીન્સ, બ્લેજર એવું બધું પહેરે છે.
- શુ આ સ્ત્રીઓને અધર્મી ના કહી શકાય?
બસ હવે,
મારે કેટકેટલું તૈયાર ભાણું આપવાનું?
બાકીનું તમે, જાતે, પોતે, શિક્ષાપત્રી વાંચીને જોઈ લેજો.
કેટલાંકને થશે કે,
કૌશિકભાઈ આમાં બળદ અને કુતરીવાળી વાત તો ના આવી.
તો ભાઈઓ અને બહેનો,
સ્વામિનારાયણ સંત કૃષ્ણસ્વરૂપ દાસજીએ શુ કહ્યું હતું? યાદ કરો..
“શાસ્ત્રોમાં લખ્યું છે.”
ક્યાં શાસ્ત્રો?
એ એમને પૂછો.
પણ હું માનું છું કે સંત કૃષ્ણસ્વરૂપ દાસજીએ જે કહ્યું એ ૧૦૦% સાચું જ હશે. બસ! તમે અધર્મી લોકો હિંદુ ધર્મ શાસ્ત્રો વાંચતા નથી અને બીજો કોઈ સંત હિંમત કરીને બોલતો નથી એટલે તમે લોકો શાસ્ત્રોની આવી આજ્ઞાઓથી અજાણ છો. અને રોજ ધર્મના નામે અધર્મ કરી રહ્યા છો.
શિક્ષાપત્રી (શ્લોક નંબર ૯૩-૯૪) પ્રમાણે 8 શાસ્ત્રો વાંચવા અને પાલન કરવા કહ્યા છે જેને “સચ્છાસ્ત્ર” કહ્યા છે.
૧) ચાર વેદ,
૨) વ્યાસસૂત્ર,
૩) શ્રીમદ ભાગવત પુરાણ,
૪) મહાભારત વિષે શ્રી વિષ્ણુ-સહસ્ત્રનામ,
૫) શ્રીમદ ભગવત ગીતા,
૬) વિદુરજીએ કહેલી નીતિ,
૭) સ્કંદપુરાણનો જે વિષ્ણુખંડ અને,
૮) શ્રી વાસુદેવ માહાત્મ્ય
આ આઠ શાસ્ત્રો વાંચો.
કૌશિક શરૂઆત
“જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?
જાહેર ચેતવણી :
સ્વામિનારાયણ સંત કૃષ્ણસ્વરૂપ દાસજીને બદનામ કરવાનું બંધ કરો. હિંદુ ધર્મ શાસ્ત્રોમાં આવું ઘણું બધું લખેલું છે. વાંચો અને તમારો અસલ હિંદુ ધર્મ જાણો.
વાંચન વગર ભારતમાં કોઈ ક્રાંતિ શક્ય નથી. વાંચો… ખૂબ ખૂબ વાંચો…