જાતિવાદ | એય કુંભાર..!! માટલું કેમ કેમ બને ? અને આખો વર્ગખંડ મારા ઉપર હસી ગયો.

Wjatsapp
Telegram

“એય કુંભાર !!”

પ્રાથમિક શાળામાં એ સમયે ધોરણ સાત સુધીનો અભ્યાસ રહેતો. મને આઠમા ધોરણમાં ભણવા જવાનો ઉત્સાહ એટલા માટે વધારે હતો કેમ કે ત્યાં હાઈસ્કૂલમાં પાટલી પર બેસવા મળતું!
બાકી એ સમયે તો પ્રાથમિકશાળામાં નીચે બેસીને જ અભ્યાસ કરવો પડતો. સરકારી શાળાઓમાં સુવિધાઓ વધે માટે એ સમયે સરકારે બ્લેકબોર્ડ આંદોલન છેડેલું !

1999 માં સાતમા ધોરણમાં ૯૦% લીધા હતા એટલે હું તો હોંશે હોંશે આઠમા ધોરણમાં દાખલ થયો. આપણે તો આખા ક્લાસમાં આમ રૂઆબ સાથે પેલી પાટલીએ બેઠા ! એ પ્રથમ દિવસને તો હું આજેય ભૂલ્યો નથી. બધા જ શિક્ષકો એમના વિષયનું પૂછે, એમાં મેં આખા વર્ગમાં સૌ પહેલાં જવાબ આપવા આંગળી ઊંચી કરીને જવાબો આપેલા. એટલે રિસેસમાં તો મારી બોલબાલા એવી થઈ કે, દસ-પંદર વિદ્યાર્થીઓનું મારી આસપાસ ટોળું બની ગયું ! પહેલા જ દિવસે આપણો આમ દબદબો… મનમાં આમ ગર્વરસ સાથે હું રિસેસ બાદ વર્ગખંડમાં જઈને બેઠો.

ત્યાં જ એક શિક્ષક ધમાધમ કરતા પ્રવેશ્યા… પ્રવેશતાની સાથે જ બધાનો ઉભા કરીને પરિચય લેવાનું શરૂ કરી દીધું. બધા ગભરાતા જઈને પરિચય આપી રહ્યા હતા.

મારો વારો આવ્યો એટલે મને કહેવા લાગ્યા કે હું તને બરાબર ઓળખું છું. તારો બાપો પણ મારી જોડે ભણેલો ! હમજ્યો ?
તું કુંભાર અને હું સોની… ચાલ પરિચય પછી… પણ પહેલા બધાને સમજાવ કે માટલું કેમ કેમ બને ?

હું નીચું જોઈ ગયો.
કેમ કાંઈ બોલતો નહિ ?

આખો વર્ગખંડ મારા ઉપર હસી ગયો.
જીવનમાં મને પહેલીવાર આમ અજીબોગરીબ ભોંઠપનો અનુભવ થયો. પ્રાથમિક શાળામાં તો આવું કશું નહોતું !

બીજા દિવસે શાળામાં જવા નીકળ્યો પણ શાળાએ જવામાં પહેલીવાર અણગમો થયો. શાળાએ જવા મારે એ વખતે ચાર કિલોમીટર ચાલીને જવું પડતું. કેમ કે મારી પાસે સાયકલ કે એવું કોઈ સાધન નહોતું. આખા રસ્તે મને એ શબ્દો અથડાવા લાગ્યા અને આજે ફરી વર્ગખંડમાં મને ઉભો કરશે તો ? એવા વિચારો આવવા લાગ્યા. વર્ગખંડમાં એ સાહેબ આવે એટલે મને હાથમાં પરસેવો છૂટી જતો.

પહેલા દિવસે જે સહપાઠી મારી આસપાસ હતા, એ હવે રિસેસમાં મને ચીડવતા થયા. જેથી બને એટલું હું એકલો એકલો રહેવા લાગ્યો. પ્રાથમિક શાળામાં તો હું સૌથી હોશિયાર ! અને બધા શિક્ષકોનો વહાલો ! પણ અહીંયા આમ અચાનક આવી સ્થિતિમાં હતો એ મને ઘણું દુષ્કર લાગ્યું. પણ બાપની ગરીબાઈ એવી હતી કે જો જીવનમાં કંઈ બનવું હોય તો આ પરિસ્થિતિને સ્વીકારી લેવી જોઈએ એમ લાગ્યું. પણ આ “એય કુંભાર!” વાળું તો રોજનું થઇ ગયું હતું.

સોની સાહેબ ગુજરાતીના શિક્ષક એટલે કોઈપણ પાઠ કે કાવ્ય આવે, એમાં પેલું કુંભારવાળું ગમે તે કરીને જોડે…

એમનું નામ તો ભાગ્યે જ કોઈ જાણે પણ એમને બધા સોની સાહેબ કહીને જ બોલાવતા. એ સાહેબને કાયમી શરદીની તકલીફ એટલે છીંક ખાતા જાય અને ટ્રે… ટ્રે… કરીને રૂમાલથી નાક સાફ કરતા જાય અને વિદ્યાર્થીઓને ભાંડતા જાય. ગુસ્સો તો જાણે એ નાક ઉપર જ રહેતો. એ પછી કોઈ પણ વિદ્યાર્થી હોય એને ગમેતેમ બોલીને ઉતારી પાડે ! એમના જ શબ્દોમાં કહું તો, કાગડો છું કાગડો… એમ તો એ ખુદને કહેતા. હવે આવા અઘરા શિક્ષક સામે બિચારા બાળકો બોલી શકે ? બોલવાની વાત તો બાજુએ ઊંચી આંખ કરીને પણ ના જોઈ શકાય. નહિતર સાહેબનો ગુસ્સો એવો જાય કે “ તારા બાહની બાયડી ! હોમું જોવે પાછી ?” કે પછી “રોણીના !…” :એમ કરીને ગાળો આપીને ખખડાવી દે.

એટલે મને “એય કુંભાર !..” વાળો અનુભવ રોજ મળતો. એટલું જ નહીં, પણ મને આખા વર્ગમાં ઉભો કરે અને પૂછે કે બોલ માટલું કેમ કેમ મારો વારો આવ્યો એટલે મને કહેવા લાગ્યા કે હું તને બરાબર ઓળખું છું. તારો બાપો પણ મારી જોડે ભણેલો ! હમજ્યો ?
તું કુંભાર અને હું સોની… ચાલ પરિચય પછી… પણ પહેલા બધાને સમજાવ કે માટલું કેમ કેમ બને ? ? ક્લેડું કેમ કેમ બને ? એ બધુંય જાણતા હોય છતાંય મને જાણી જોઈને પૂછે. અને હું નીચું જોઈ રહેતો. આખો વર્ગખંડ મારા ઉપર હસતો. એટલે એ સાહેબનો તાસ આવે એટલે મને એક અજીબોગરીબ ડર લાગતો. જેના કારણે હું ભયંકર લઘુતાગ્રંથિ અનુભવવા લાગ્યો.

હું કોઈને કશુંય કહેતો નહિ, બધું મનમાં જ દબાવી રાખતો. જેથી મનમાં ભયંકર વિદ્રોહ ઉભો થવા લાગ્યો. થતું કે એ સાહેબને બરાબર ફટકારું… મારા પિતા જેમ માટલું ટીપે એમ ટીપી નાંખું !

પણ મને મારા પિતા વિશે વિચાર આવતો. એ કેવી સ્થિતિમાં છે ! કોઈ ખેતીવાડી નહોતી કે પરિવારમાં કોઈ નોકરીયાત નહી, માટીકામ ઉપર આખો પરિવાર ચાલે અને ઉપરથી મારા પિતાને ખેંચની બીમારીમાં દેવું પણ વધી ગયેલું. અપમાનિત થયા બાદ મને યાદ આવતું કે મારા ભણવા માટે કેવી તકલીફ લેતા ! ભર ઉનાળે તેઓ માટલા પકવવા ભઠ્ઠો સળગાવે. માટલા વેચાય તો ખરું નહિતર રાહ જોવાની. એમ જોડતોડથી આખું ઘર ચલાવે. અને હું એમના માટે સમસ્યા ઉભી કરું એ કેમ ચાલે ? એટલે હું ગમ મારી જતો. ઉપરથી એ સાહેબ મારા પિતાના પણ ગુરુ એટલે મારે એમના માટે વિનય રાખવો જ પડે !

પણ મને એ સમજાતું ન હતું કે, સાહેબને મારી સાથે શું વેર હતું ? જાણી જોઈને મારાથી ઉપલા ધોરણના મોટા બાળકો સાથે મારી રમતસ્પર્ધા કરાવતા. જેથી મારી હાર થતી… અને આખી શાળા વચ્ચે મને અપમાન મળતું. આમ હું રોજ જાતજાતનું અપમાન સહન કરતાં કરતાં છેક દસમા ધોરણ સુધી પહોંચી ગયો.

પણ એનું પરિણામ એ આવ્યું કે મારા સ્વભાવમાં એક વિદ્રોહી વલણ જાગ્યું. જેના કારણે મારામાં કોઈપણ કાર્ય હોય તો એ કરવામાં એની પાછળ પડી જવાની અને એ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી એને છોડું નહિ એવી જિદ્દી શક્તિ જાગી.

હું સાહસ કરનારો બન્યો. મેં અંદરો અંદર એક ગુસ્સો પાળ્યો હતો, હવે હું મારાથી મોટી ઉંમરના હોય એવા મારા સહપાઠીઓને પણ હરાવી દેતો ! રિસેસમાં રમત દરમ્યાન હું મારામારી કરતો ! એક જ મુક્કામાં સામેવાળો વાંકો વળી જાય એવું લડતો. જેથી મારી ફરિયાદો વધવા લાગી. ભણવામાં પણ હું મનમોજી બની ગયો. મને લાગે છે કે વિદ્રોહ માણસને વધારે શક્તિશાળી બનાવે છે.

એક તરફ એ શિક્ષકે ત્રણ વર્ષથી એની પેલી ‘એય કુંભાર’ વાળી સિસ્ટમ ચાલુ જ રાખેલી. પણ બે વર્ષમાં હવે હું એ બધાથી ટેવાઈ ગયેલો અને મારામારી અને દાદાપ્રવૃતિના કારણે હવે મારેય મિત્રો હતા. હવે તો એ મિત્રોને પણ આ બધાથી દુઃખ થતું એ મને કહેતા કે :
“તું એને તારો આ એક મુક્કો આલી દે લા ! કુંભારનો હાથ કેવો હોય એને ય ખબર પડે ! હાળો કાગડો… રોજનો મગજ બગાડે !” પણ હું ગમ મારી જતો.
મિત્રો ટીખળ કરતા કે,“એને કુંભાર ઘણો ગમે સે… એટલે રોજનો તન પુસે લાગે સે !”

હું રોજ એમનો તાસ શરૂ થાય એ પહેલાં ભગવાનને પ્રાર્થના કરતો કે, આજે એ સાહેબ મને અપમાનિત ન કરે… તો એક નારિયેળ ફોડીશ… પણ અપમાન તો જાણે મારા માથે લખાયેલું જ રહ્યું. ત્રણ વર્ષમાં એ નિષ્ફળ જતી પ્રાર્થનાઓના કારણે જ ભગવાન બાબતની મારી શ્રદ્ધા પણ દૂર થવા લાગી. ધીમેધીમે ઘરમાં ભગવાનની રોજ આરતીપૂજા થાય એમાં હવે બેસતો નહોતો. અંદરોઅંદર હું ઘૂંટાતો… એટેલે ઘરે એક રેતીનો થેલો બાંધીને એમાં મુક્કા મારતો… ઘરની દીવાલમાં મુક્કા મારતો… ગુસ્સો હવે નાક ઉપર રહેતો.

પૂજા કેમ નથી કરતો ? એમ કરીને મારા પિતા મને લડ્યા. તો મારાથી સામે બોલાય ગયું કે શું જરૂર છે ? હું કોઈ પાપી થોડો છું ? જેમને પાપ ધોવાના હોય એ કરે… એ વખતે મારા પિતાએ મને એક થપ્પડ ઝીંકી દીધી, એ ગુસ્સામાં મેં સ્વામિનારાયણ વાળી કંઠી તોડી, અને હવેથી આ ટીલાટપકાં નહિ કરું ! એમ સંભળાવી દીધુ. દાદાએ બાળપણથી જ રમત રમાડતાં જે ધર્મ શીખવ્યો એનો આવી રીતે અનાદર થતો જોઈને એ પણ અચંબામાં હતા. મને સમજાવ્યો પણ હું ટસનો મસ ના થયો.

એ દિવસે ઘરમાં લાઇટ નહોતું કેમ કે પૈસાના અભાવે સમયસર લાઇટ બીલ ભર્યું ન હોવાથી લાઇટવાળા મીટર કાઢી ગયેલા. સાંજે હું ચીમનીના અજવાળે વાંચવા બેઠો, ત્યારે મારા દાદા બોલ્યા કે, “કુંવર હવે વાંચવા બેઠા છે… આખો દિવસ તો…” પહેલીવાર જોયું કે દાદાને લડતા રોક્યા અને મારા પિતા મારી જોડે આવીને બેઠા. વહાલથી માથે હાથ ફેરવીને પૂછ્યું કે, “કોઈ સમસ્યા છે ?” આંખો ભરાઈ આવી, પણ મેં ના પાડી..
એમણે મને દિલાસો આપતાં કહ્યું કે, “આજે તારે જે કહેવું હોય એ કહી દે… હું તને કશું ય નહિ કહું બસ !.. અને આજથી આ ટીલાટપકાં અને પૂજા ન કરે તો પણ કાંઈ નહિ કહું. આજથી ચાલશે પણ તારા મનમાં જે હોય એ મને સાચું કહી દે… તું બદલાઈ ગયો છે એટલે પૂછું છું.’’

મારા પિતાને મેં એ ત્રણ વર્ષની “એય કુંભાર” વાળી વાત કરી અને કહ્યું કે વર્ગખંડમાં આ સાહેબ ચીડવે અને રિસેસમાં આ ટીલાટપકાં માટે બધા એય સોમી… એય સોમી કરીને ચીડવે..

મારા પિતા આ સાંભળીને વ્યથિત થઈ ગયા. એમણે ચિડાઈને કહ્યું કે, “આ વાત તેં આટલા સમય સુધી મને કેમ ના કહી ?”

કેમ કે ઘરની અને તમારી સ્થિતિ હું સમજું છું. એટલે એક નોટમાં બે વિષય હોય અને સાહેબ લડે કે એક નોટમાં બે વિષય કેમ લખે છે ? તો પણ ચલાવી લીધું. હું તમને મારી સમસ્યા કહી ને તમારી સમસ્યા વધારવા… હું વાત પૂરી કરું એ પહેલાં જ એમણે મને બાથમાં લઈ લીધો. એ દિવસ મને યાદ છે કે મારા પિતા ખૂબ રડ્યા હતા. બીમારી અને કાળી મજૂરીના કારણે મારું બરાબર ધ્યાન ન આપી શક્યા, એ બાબતે એમણે ભારોભાર દુઃખ અનુભવ્યું.

એમણે એ દિવસે મને આ ધર્મબંધનથી મુક્ત કરેલો. એમણે સ્વીકાર્યું કે મા-બાપ જે માને એ બધું બાળકો ઉપર ઠોકી ન દેવાય ! આ ધર્મ તારા માટે બોજો બની ગયો !

બીજા દિવસે સવારે હું શાળાએ જવા નીકળ્યો ત્યારે મારા પિતાએ મને માથે હાથ ફેરવતા કહ્યું કે
આજે તને ઉભો કરીને પૂછે તો તારી સ્ટાઇલમાં જવાબ આપીને જ આવજે ! પણ હા, મર્યાદામાં…
એ દિવસે જાણે કોઈ અજાયબ શક્તિનો અનુભવ થયો. લાગ્યું કે હું આઝાદ છું ! એ દિવસે વર્ગખંડમાં પેલા સાહેબ એમની આદત મુજબ બોલ્યા કે, “એય કુંભાર… ઉભો થા જો !”

અને હું ઉભો થયો. હા, બોલો સાહેબ… પછી બરોબર એ બેઠા હતા ત્યાં એમની નજીક પહોંચી ગયો. અડોઅડ આમ એમની સામે મને ઉભેલો જોઇને એ અવાક બની ગયા.

બધી તાકાત ભેગી કરી ને એક જોરદાર મુક્કો એમની સામે મુકેલા ટેબલ ઉપર માર્યો ! ધડામ !

મારું આખું શરીર ગુસ્સામાં ધ્રુજી રહ્યું હતું. એમના ઉપર ગમે તે પળે બીજો પ્રહાર થઈ જાય ! એમ લાગતાં એમણે તરત જ ચાલતી પકડી !
પણ આ ત્રણ વર્ષનો ભેગો ગુસ્સો હતો. એ તરત શાંત પડે એમ નહોતો.
હું તો ચાલ્યો એમની પાછળ પાછળ… એ રસ્તે જાણે દોડતા જાય અને હું એમની પાછળ..

મામલો આચાર્ય સાહેબ સુધી પહોંચ્યો. મારા મિત્રોની ટોળી પણ હવે મારી સાથે થઈ, સાથે બે પાંચ છોકરીઓ પણ જોડાઈ. મને આચાર્ય સાહેબે દોષિત માનતા માફી માંગવા ઓફિસમાં બોલાવ્યો.

મારી સાથે બધા સહપાઠી પણ આવ્યા ! પેલી છોકરીઓએ પણ કહ્યું કે, “ આચાર્ય સાહેબ ! આ સાહેબ અમુન તારા બાહની બાયડી એવી ગાળો દે સે !”

મારો પક્ષ મજબુત હતો. મેં આચાર્ય સાહેબ સામે આ ત્રણ વર્ષની વ્યથા કહી સંભાળાવી.
આચાર્ય સાહેબ થોડીવાર મારી સામે અને શિક્ષક સામે જોઈ રહ્યા, એ સમયે એ કશું બોલ્યા તો નહિ પણ આમ આવેશપૂર્ણ વર્તન કરવા બદલ મને માફી લખાવી. મેં માંગ મૂકી કે, માફી તો હું લખી આપું પણ આ સાહેબને કહો, આજ પછી કે આવનાર સમયમાં કોઈ ને પણ આ રીતે હેરાન કરશે નહીં ! કે અપમાનિત કરશે નહીં ! બાકીના વિદ્યાર્થીઓએ પણ માંગ કરી. એ સમયે બોર્ડની પરીક્ષા પણ નજીકમાં હતી. એટલે મને મામલો લંબાય એ યોગ્ય ના લાગ્યું અને બધું થાળે પાડવા મેં માફીપત્ર લખી આપ્યો. પણ આચાર્ય સાહેબની ઓફીસમાં – સ્ટાફમાં મામલો ચર્ચાયો એટલે સાહેબ અઠવાડિયા સુધી શાળામાં આવ્યા નહિ.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

પણ પછી જેવી પરીક્ષા પૂરી થઈ કે મારા પિતાએ શાળામાંથી મારું સર્ટિફિકેટ કઢાવી લીધું. મને યાદ છે કે એ સમયે બીજી શાળામાં જવાનો જે આનંદ હતો એનું મારી પાસે શબ્દોમાં વર્ણન નથી.

– જયેશ વરિઆ

આજે આ કુંભારનો છોકરો પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે નોકરી કરે છે.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.