ધનતેરસ પર સંવિધાન કેમ પૂજે છે દલિતો?

ગઈકાલે ધનતેરસના દિવસે લોકોએ લક્ષ્મીપૂજન કર્યું અને લક્ષ્મી, જાહોજહાલી માંગી. પણ અલ્પેશ સોલંકીએ લક્ષ્મી માતાની પૂજા કરવાને બદલે ડૉ. બાબાસાહેબ આંબેડકર નિર્મિત સંવિધાન પુસ્તક મૂકીને સંવિધાનપુજન કર્યું.
તેમનું માનવું છે કે, સંવિધાન નોહતું ત્યારે અમને માણસ ગણવામાં નોહતા આવતા. ગામના તળાવમાંથી કૂતરા બલાળા પાણી પી શકતા પણ દલિતોને પાણી પીવા દેવામાં આવતા નોહતા. અને અન્ય ધર્મના લોકો જેટલો અત્યાચાર કરતા તેનાથી અનેકગણો અત્યાચાર સ્વધર્મી હિંદુઓ અમારા ઉપર કરતાં. ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણ લખ્યું અને અમને માણસ તરીકેના અધિકારો મળ્યા અને હિંદુ ધર્મની જાતિગત અસમાનતા વિરુદ્ધ લડવાની તાકાત મળી. આજે અમારી પાસે જે સંપત્તિ છે ડૉ. બાબાસાહેબે આપેલ બંધારણને આભારી છે. હિંદુ ધર્મ ગ્રંથો પ્રમાણે તો અમને લક્ષ્મી કમાવવાનો કે લક્ષ્મી રાખવાનો પણ અધિકાર નોહતો.

દલિત અત્યાચારો સામે કેમ નથી ઉઠાવતા હથિયાર?
1947માં દેશ આઝાદ થયા બાદ જ્યારે સરકાર, પોલીસ અને ઉદ્યોગપતિઓ દ્વારા ખૂબ શોષણ થયું અને લોકો કાયદાનું રક્ષણ મેળવવામાં નિષફળ ગયા ત્યારે પ્રતિકાર માટે ભારતના વિવિધ ભાગોમાં લોકોએ હથિયાર ઉપાડી લીધા. જેને આપણે નક્સલવાદ, ઉગ્રવાદ, બોડો, વિગેરે તરીકે જાણીએ છીએ. દુનિયાનો ઈતિહાસ જુઓ તો સમજાશે કે જ્યારે જ્યારે અત્યાચારો ખૂબ વધ્યા ત્યારે પ્રજાએ હથિયાર ઉપાડી લીધા છે, પણ દલિતો ક્યારેય હથિયાર ઉઠાવતા નથી. ડૉ. બાબાસાહેબે લખેલ બંધારણને કારણે દલિતોને બંધારણમાં વિશેષ શ્રદ્ધા છે. અને હંમેશા બંધારણીય રસ્તે જ ન્યાય મેળવવાનો આગ્રહ રાખે છે.
દલિતો હિંસક ક્રાંતિ તરફ નથી વળ્યાં તેનું એકમાત્ર કારણ બંધારણ પ્રત્યે તેમની અતૂટ શ્રદ્ધા છે.