આંબેડકરજીનું નામ હટાવીને વડાપ્રધાનનું નામ મૂકી જૂઓ !

મિત્રએ ખુલાસો કર્યો : ‘સ્ટેડિયમમાં સરદારનું નામ હટાવી વડાપ્રધાનનું નામ નથી મૂક્યું. સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવના એક નાના ભાગને વડાપ્રધાનનું નામ આપવામાં આવ્યું છે ! વડાપ્રધાને વિશ્વનું સૌથી ઊંચુ સરદારનું સ્ટેચ્યૂ ઊભું કર્યું છે, એ તમને દેખાતું નથી?’
મેં કહ્યું : ‘સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન રાષ્ટ્રપતિએ 24 ફેબ્રુઆરી 2021 ના રોજ કર્યું છે. તે બનવાનું બાકી છે. તે પહેલા એક નાના ભાગ ઉપર સરદારનું નામ હતું તે વડાપ્રધાનને કેમ કઠ્યું હશે? વિશ્વનું સૌથી ઊંચું સરદારનું સ્ટેચ્યુ વડાપ્રધાને ભલે બનાવ્યું; પરંતુ એક નાના ભાગ ઉપર સરદારનું નામ હતું તે કેમ કઠ્યું હશે? સ્ટેડિયમ ઉપરથી સરદારનું નામ હટાવી જીવીત વડાપ્રધાનનું નામ આપવું યોગ્ય છે? વળી નામમાં હેરફેર કરવામાં રાષ્ટ્રપતિનો ઉપયોગ થાય; તે કેવું? શું વડાપ્રધાનને પોતાનું પદ નાનું લાગતું હશે? સરદાર/ગાંધીનો ઉપયોગ મત ખંખેરવા જ થાય છે ! તેમના સાચા વારસદારો કોઈ નથી ! તેમને ગમે તેટલો અન્યાય કરો તો કોઈ નહીં બોલે ! ચેતના હોય તો બોલે ને? વડાપ્રધાને, સરદારનું અપહરણ કરીને તેમનું સ્ટેચ્યૂ ઊભું કરી મત લણવાનું કાયમી આયોજન કરી લીધું છે ! મારી દ્રષ્ટિએ, જેટલી ચેતના દલિતોમાં છે, તેટલી ચેતના બીજા કોઈ વર્ગમાં નથી. જો કે મોટા સંકુલો/મોટી યોજનાઓ સાથે આંબેડકરજીનું નામ ભાગ્યે જ સંકળાયેલું હોય છે ! પરંતુ આંબેડકરજીનું નામ હટાવીને વડાપ્રધાન પોતાનું નામ મૂકે એવી કલ્પના તમે કરી શકતા નથી; કેમકે દલિતોમાં ચેતના પ્રગટી ચૂકી છે. તાકાત હોય તો કોઈ જગ્યાએ આંબેડકરજીનું નામ હટાવીને વડાપ્રધાનનું નામ મૂકી જૂઓ !’
મિત્ર ચૂપ થઈ ગયો !
- રમેશ સવાણી