પટેલોને પટેલ જ રહેવું છે કે સરદાર બનવું છે?

Wjatsapp
Telegram

ઓક્સિજનના બાટલા માટે તરફડતા, રેમડેસિવિર ઇન્જેક્શન માટે દોડાદોડ કરતા, ખેતપેદાશોના સારા ભાવ ન મેળવનારા, હોસ્પિટલોની બહાર લાઈનમાં ઊભા રહેલા,  પંદર APMC બંધ થયા પછી નવરા થઈ ગયેલા, અનામત માગણી આંદોલન સમયે પોલિસનો બરાબર સારી પેઠે માર ખાનારા, ભારે ભ્રષ્ટાચારનો રોજેરોજ અનુભવ કરનારા એવા કડવા અને લેઉવા પટેલો ગુજરાતમાં મુખ્ય પ્રધાન પટેલ હોય માટે ચૂંટણીમાં ભાજપને જ મત આપે એવું?

આમ તો, ગુજરાતમાં એક છાપ એવી છે કે પટેલોમાં એકતા બહુ જ હોય અને P for P જ જુએ. પણ કડવા અને લેઉઆ પટેલો વચ્ચે ખાસ્સાં તડાં તાજેતરમાં કોણે કેવી રીતે પડાવ્યાં એવો સવાલ કોઈ પટેલ પૂછે ખરા કે નહિ? અને એનો વાજબી, ભેળસેળ વિનાનો અને તદ્દન સાચો જવાબ પણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે કે નહિ?

પટેલ મુખ્ય પ્રધાન, માટે આપણો મત ભાજપને જ, એમ જો પટેલો વિચારે તો એમણે એમ પણ ના વિચારવું જોઈએ કે આનંદીબહેન પટેલ જ હતાં અને છતાં એમને પદ છોડાવી દીધેલું કેમ અને કોણે? કોંગ્રેસે?

વળી, માની લઈએ કે પટેલો ભાજપને જ મત આપે અને ભાજપ ૨૦૨૨ની કે તે અગાઉ થનારી વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવે પણ ખરો. પણ પછી પટેલ જ મુખ્ય પ્રધાનપદે પાંચ વર્ષ રહેશે એની શી ખાતરી? એવી લેખિત ખાતરી લેવાની સરદાર ધામ, ખોડલ ધામ કે ઉમિયા ધામના માંધાતા અને માતબર પટેલોમાં કોઈ હિંમત બાકી બચી છે ખરી? જો નથી એવી માગણી કરવાની હિંમત, તો પછી સરદાર વલ્લભભાઈ પટેલ જે બંધારણ બનાવવામાં અને દેશને સંગઠિત કરવામાં ભાગીદાર હતા તે દેશનાં બંધારણીય લોકશાહી મૂલ્યોનું શું?

એટલે હવે ભાજપને જ મત આપવાનું પટેલો નક્કી કરે તો એમને એમ કહેવું પડે કે, ચરોતરના વલ્લભભાઈ પટેલ, પછી પટેલ અને પહેલાં સરદાર હતા! અને હા, એ દેશના *સરદાર* થયા તે પહેલાં મોહનદાસ કરમચંદ ગાંધીના સરદાર થયેલા એ પટેલોએ સુપેરે યાદ રાખવાની જરૂર છે. પટેલોને ભાગ્યે જ ગાંધી નામની જણસને યાદ કરતા જોયા છે એટલે આમ કહું છું. ખબર ન હોય તો ઇતિહાસ વાંચવાની મથામણ અને મહેનત કરી લેવી જોઈએ, એ ઇતિહાસ બદલાઈ જાય તે પહેલાં.

થોડાક સમય પહેલાં એક પટેલ નેતા એવા મતલબનું બોલેલા કે  હવે પાટીદાર જ ગુજરાતના મુખ્ય પ્રધાન થાય.  આશરે ૧૨ ટકા વસ્તી ધરાવનાર સમુદાયના નેતા આવું બોલે છે, પણ ૧૬ ટકા વસ્તી ધરાવનાર આદિવાસીઓનો કોઈ નેતા આવું કેમ બોલતો નથી એ વાયબ્રન્ટ, ગતિશીલ અને અડીખમ ગુજરાતના રાષ્ટ્રવાદી ભારતીય નાગરિકોએ વિચારવું જોઈએ કે નહિ તે તો RSS પર પ્રતિબંધ લાદનાર સરદાર વલ્લભભાઈ પટેલને જ પૂછવું પડે! ભારતના બંધારણમાં વિચાર કરવાની સ્વતંત્રતા સરદાર પટેલની હાજરી અને એમની પર્યાપ્ત સૂઝબૂઝ સાથે લખવામાં આવી હતી તે તો પટેલોને ખબર હશે જ.

ગુજરાતમાં પટેલોને *સરદાર* થવું છે કે માત્ર *પટેલ* જ રહેવું છે એ તો પટેલોએ જાતે નક્કી કરવું પડે. દૃષ્ટિ ટૂંકી રાખો તો પટેલ રહેવાય અને લાંબી રાખો તો સરદાર થવાય.

આ તો ગુજરાતના પટેલો વારંવાર સરદાર પટેલના નામની દુહાઈ દે છે અને *“જય સરદાર જય સરદાર”* કહેતાં એમની જીભે થોથા વળી જાય છે, એટલે, આ મહાન દેશ માટેનું *સરદાર પટેલ* નું કર્તૃત્વ અને કર્તવ્ય યાદ દેવડાવી દેવા માટે જ આ લખ્યું!! બાકી જ્ઞાતિઓના વાડામાં રહેવું અને જીવવું એ તો હિન્દુ ધર્મીઓની સાવ જ પછાત માનસિકતા કહેવાય.

– પ્રો. હેમંતકુમાર શાહ
અમદાવાદ,
તા. ૧૨-૦૯-૨૦૨૧.

You may also like...