બહુજન નેતા | લલઈસિંહ યાદવ – ઉત્તર ભારતના પેરિયાર

Wjatsapp
Telegram

લલઈસિંહ યાદવ – ઉત્તર ભારતના પેરિયાર

બલિદાન ન સિંહ કા હોતે સૂના,
બકરે બલી વેદી પે લાયે ગયે.
વિષધારી કો દૂધ પિલાયા ગયા,
કેંચુએ કટિયા મેં ફંસાયે ગયે.
ન કાટે ટેઢે પાદપ ગયે,
સિધોન પર આરે ચવાયે ગયે.
બલવાન કા બાલ ન બાંકા,
બલહીન સદા તડપાયે ગયે !

આ કાવ્ય છે ઉત્તર ભારતના પેરિયાર કહેવાતા લલઈસિંહ યાદવનું.

ભારતમાં શોષિતો અને પીડિતોના અનેક મસીહા અવતરી ચુક્યા છે, જેઓએ પોતાનું સમગ્ર જીવન બહુજનોના ઉત્થાન પાછળ ખર્ચી નાખ્યું છે. પરંતુ મનુવાદી મીડિયા અને પ્રકાશન સંસ્થાઓએ ક્યારે પણ આ બહુજન નાયકોને સ્થાન આપ્યું નથી. સ્થાન આપવું તો બહુ દૂરની વાત છે, પરંતુ યોગ્ય જગ્યાએ ટાંક્યા પણ નથી. આવો, આજે એક એવા બહુજન નાયકની વાત કરીએ.

લલઈસિંહ યાદવનો જન્મ 1 સપ્ટેમ્બર 1911 ના રોજ ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના કઠારા ગામમાં થયો હતો. અન્ય બહુજન નાયકોની માફક લલઈસિંહ યાદવનું જીવન પણ સંઘર્ષયુક્ત છે.

આર્ય સમાજી પિતા ગુજ્જુસિંહ યાદવ અને માતા મુલાદેવીનું સંતાન લલઈ એ 1928 માં મેટ્રિક પાસ કરી 1929 માં ફોરેસ્ટ ગાર્ડ તરીકે નોકરી શરુ કરી. 1933 માં ગ્વાલીયર સશસ્ત્ર પોલીસમાં સિપાહી તરીકે ભરતી થયા, પરંતુ ભારતની આઝાદીની લડાઈમાં ભાગ લેવાને કારણે નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા, પરંતુ તેમણે કરેલ અપીલ ચાલી જતા પુનઃ નોકરી શરુ કરી.

1946 માં ગ્વાલિયરમાં જ તેઓએ નોન ગેઝેટેડ પોલીસ અને સેના કર્મચારી સંઘની સ્થાપના કરી તેના પ્રથમ અધ્યક્ષ બન્યા. જેના નેજા હેઠળ તેઓ પોલીસ કર્મચારીઓના હક અને અધિકારો માટે ઉચ્ચ અધિકારીઓ સામે લડયા. 1946 માં તેમણે “સિપાહી કી તબાહી” નામનું પુસ્તક લખ્યું, જે ઈન્સ્પેક્ટર જનરલે જપ્ત કરાવ્યું. આથી તેઓએ હાથથી લખેલ કોપીઓ સૈનિકો વચ્ચે વહેંચી. આ પુસ્તકના અંતમાં તેમણે લખ્યું છે, “વાસ્તવમાં સ્વર્ગ અને નર્ક એ મુલ્લા, મૌલવી, પાદરી, પુરોહિતો દ્વારા કરવામાં આવેલ કપોળ કલ્પિત કલ્પના છે. આ પુસ્તકમાં સૈનિકો પર વીતતા સાચા નર્કની કથા છે. આ નર્ક જેવી વ્યવસ્થાનું કારણ છે સિંધિયા સરકારની અવ્યવસ્થા. આપણે તેને કોઈપણ સંજોગોમાં, કોઈપણ ભોગે તેને દૂર કરવાની છે. જ્યારે જનતા પર જનતાનું શાસન હશે, ત્યારે આપણી બધી માગણીઓ પૂર્ણ થશે.”

ત્યારબાદ લલઈસિંહે ગ્વાલીયર પોલીસ અને સૈન્યમાં હડતાલ કરાવી. જેના ફળસ્વરૂપે 29 માર્ચ, 1947 માં તેઓની ધરપકડ કરવામાં આવી અને કેસ ચલાવવામાં આવ્યો. કોર્ટે તેમને પાંચ વર્ષની સજા ફટકારી. નવ મહિના જેલમાં રહયા બાદ 12 જાન્યુઆરી 1948 માં આઝાદ ભારતમાં તેમને છોડી મુકવામાં આવ્યા.

લલઈસિંહ યાદવ – ઉત્તર ભારતના પેરિયાર

1968 માં લલઈસીહે ઈ. વી. રામાસ્વામી પેરિયાર લિખિત “સચ્ચી રામાયણ” નો હિન્દીમાં અનુવાદ કરીને ઉત્તર ભારતમાં પ્રકાશિત કરતાં જ ધૂમ મચાવી અને હિન્દુવાદીઓમાં હાહાકાર મચી ગયેલો. ઉત્તરપ્રદેશમાં મનુવાદીઓ એ યુપી સરકારને આ પુસ્તક પર પ્રતિબંધ લાદવા ખુબ દબાણ કર્યું. તત્કાલીન સરકારે 8 ડિસેમ્બર, 1969 ના દિવસે હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ભડકાવવાનો આરોપ લગાવી પુસ્તકને જપ્ત કરી તેના પર પ્રતિબંધ મૂકી દીધો. સરકારી વકીલે તેની દલીલોમાં કહ્યું કે સદર પુસ્તક હિંદુઓના દેવી દેવતા રામ, સીતા વગેરેનું અપમાનજનક વર્ણન કરે છે. 19 જાન્યુઆરી 1971 ના દિવસે હાઇકોર્ટ આ પ્રતિબંધને ગેરકાયદેસર ગણાવી તત્કાળ ઉઠાવી લેવાનો આદેશ કર્યો. સચ્ચી રામાયણ સિવાય અન્ય પુસ્તક “ધર્મ પરિવર્તન કરેં”, કે જેમાં બાબા સાહેબના કેટલાક ભાષણો સમાવિષ્ટ હતા અને બાબા સાહેબનું પુસ્તક “જાતિઓનો વિનાશ” ને પણ સરકારે પ્રતિબંધિત કર્યા હતા. જેના વિરોધમાં પણ લલઈસિંહ હાઈકોર્ટમાં ગયા અને જીત્યા હતા. ઉત્તર પ્રદેશ સરકાર સુપ્રીમમાં જતાં ત્યાં પણ લલઈસિંહના વકીલની ધારદાર દલીલોને પરિણામે જીત મેળવી. આ ઉપરાંત તેઓનું અન્ય એક પુસ્તક “આર્યોનો નૈતિક પોલ પ્રકાશ” માટે પણ કોર્ટમાં જવું પડ્યું અને તે કેસ તેમના જીવન પર્યંત ચાલ્યો.

લલઈસિંહે અશોક પુસ્તકાલય નામે એક લાયબ્રેરી બનાવી અને સસ્તું પ્રકાશન નામે પ્રિન્ટિંગ પ્રેસ પણ બનાવ્યો હતો. આ સિવાય તેઓએ પાંચ નાટકો લખ્યા 1. અંગુલીમાલ 2. શમ્બુક વધ 3. સંત માયા બલિદાન 4. એકલવ્ય અને 5. નાગ યજ્ઞ. અન્ય ત્રણ પુસ્તકો “શોષિતો કી ધાર્મિક ડકૈતી”, “શોષિતો પર રાજનૈતિક ડકૈતી” અને “સામાજિક વિષમતા કૈસે સમાપ્ત હો?” આમ, લલાઈસિંહે એમના સમયમાં બ્રાહ્મણવાદ અને મનુવાદ પર પ્રહારો કરતુ બહુજન સાહિત્ય તૈયાર કરી તેનો પ્રચાર પ્રસાર કર્યો.

21 જુલાઈ, 1967 ના દિવસે કુશીનગર જઈને બૌદ્ધ ભિક્ષુ ચંદ્રમણિના હસ્તે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ગ્રહણ કર્યા બાદ લલઈસિંહે જાહેર કર્યું કે આજથી તેઓ મનુષ્ય માત્ર છે. આજથી હું લલઈ છું અને હવે હું જાતિવાદી માન્યતાઓથી મુક્ત છું. હવે હું મારા નામ પાછળ કોઈપણ પ્રકારના જાતિ સૂચક શબ્દનો ઉપયોગ નહીં કરું. આમ કહી યાદવ અટકનો ત્યાગ કર્યો. આમ તેઓએ તેમનું સમગ્ર જીવન લેખક, પ્રકાશક અને સામાજિક કાર્યકર તરીકે બહુજન સમાજને સમર્પિત કર્યું. 7 ફેબ્રુઆરી 1993 ના દિવસે તેઓનું પરીનિર્વાણ થયું.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

“સચ્ચી રામાયણ” PDF પુસ્તક ડાઉનલોડ કરવા લિંક પર ક્લિક કરો.

લેખક : અશ્વિન સોલંકી
મહેસાણા.
મો : 7383459755

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.