કથાઓને વૈજ્ઞાનિક અભિગમથી જોતાં મને એક સવાલ થાય છે કે આ દેવો હતા કે રાજકારણમાં હોય એવા નેતા-મંત્રીઓ ?

જ્યારે મારા અભ્યાસમાં એમ આવ્યું કે આપણી પૃથ્વી ઉપર સમુદ્ર આવેલ છે. ત્યારે મને સવાલ થયેલ કે વરાહ ભગવાને આપણી પૃથ્વીને બીજા કયા સમુદ્રમાંથી બહાર કાઢી હશે? કેમ કે સમુદ્ર તો પૃથ્વી ઉપર આવેલ છે? અને એ સવાલ જ્યારે મારા દાદાને પૂછ્યો તો એમણે મને સમજાવ્યું કે નાસ્તિકો જેવા સવાલ કરીને તારે નરકમાં જવું છે?
ત્યારે મને બીજો સવાલ એ થયો હતો કે કોઈ શાસ્ત્રમાં કોઈ કથા બાબતે સવાલ કરવાથી નરકમાં કેમ જવું પડે?
પણ પછી સમજાયું કે શાસ્ત્રોમાં રહેલી વાતો પણ સંપૂર્ણ નથી. એટલે એના વિશે કોઈ સવાલ કરે તો એક સમયે જીભ કાપી લેતા! પછી કાયદો બદલાયો અને લોકોને લોકશાહી મળી એટલે હવે નરકમાં જાવું પડે? લોકોએ કહ્યું કે તમે વિજ્ઞાનને માનતા નથી અને તમારી કથાઓ બાબતે સવાલનો જવાબ પણ આપતા નથી. એટલે હવે નવું શરૂ થયું છે કે લાગણી દુભાઈ ગઈ. એટલે સવાલ જ ન કરો અને ઘેટાંની જેમ અમે કહીએ એ માની લો! અને કરુણતા તો જુઓ એ બધી વાતોમાં વિજ્ઞાન નકામું છે એવી વાતો એ વિજ્ઞાનના આધારે જેમ કે મોબાઇલ ફોન અને ટેલિવિઝનના માધ્યમે જ ફેલાવો કરી શકે,પણ છતાંય વિજ્ઞાન ખોટું !!
આપણને શીખવી દેવામાં આવ્યું કે દાનવો ખોટા…નકામા અને વ્યભિચારી અને આવા અને તેવા ! તો સવાલ થાય કે ઇન્દ્રએ અહલ્યા સાથે કર્યું એ કેવું કૃત્ય ગણાય? એવા તો અનેક સવાલો ઉભા કરી શકાય એમ છે. એટલે તર્ક અને વૈજ્ઞાનિક અભિગમ સામે મિથકો માત્ર કલ્પન જેવા કે વાર્તા જેવા લાગે છે. કેમ કે જવાબ આપવાની જગ્યાએ આક્રોશ સાથે સવાલ કરનારને માત્રને માત્ર દબાવી દેવામાં આવે છે.
આવી જ એક કથા કે મિથક એટલે ‘સમુદ્રમંથન’
કથા મુજબ સમુદ્ર પાસે રત્નો હતા પણ એમાંથી કાઢવા કેમ કરીને? એટલે ઉપાય મળ્યો કે સમુદ્રનું મંથન કરવું. અહીં આશ્ચર્ય થાય કે સર્વશક્તિમાન દેવોની શક્તિ પણ ઓછી પડી એટલે એમણે ના છૂટકે એમણે દનાવોની મદદ લીધી. એટલે દનાવોએ કહ્યું કે જે નીકળે એમાંથી અમને પણ 50% લેખે આપવું પડે.
એમાં પર્વતની ધરી બનાવી અને નાગનું દોરડું બનાવ્યું અને એમાંય પક્ષપાત કર્યો! સાપનું મોઢું દાનવો બાજુ રાખ્યું અને સાપે ઉલટી કરી એટલે એ બધાય કાળા થઈ ગયા. લો! આ રંગભેદ સામે ગાંધીજીને એટલે જ તો લડવું પડ્યું!
ખેર !
જેમ જેમ વસ્તુઓ નિકળી એમ એમ વહેંચવામાં આવી. અમુક વસ્તુઓ ખુદ જજ કરનારા દેવો જેમ કે વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજી આપવામાં આવ્યા ! આજકાલની ઘટનાઓ જોતાં આ ઘટના બિલકુલ બંધ બેસતી લાગે છે. આપણી સિસ્ટમમાં પણ આવું ઘણું વિવાદમાં રહ્યું.
ઘોડા- રથ ને બધું અવનવું નીકળ્યું એ બધુંય દેવોએ ચાલાકી કરીને મેળવ્યું. છતાંય એક ભાવક તરીકે આપણા મનમાં ઠસાવી દેવામાં આવ્યું કે દાનવો કેવા?? – ખરાબ અને કળિયા એટલે આપણે પણ આ કથામાં આંનદ લઈએ. પણ પક્ષપાત અને બીજી બાબતો ઉપર સવાલ ન ઉઠાવીએ. મેં જોયું કે મિથકોમાં આ એક જોરદાર ટૅક્નિક હોય છે. તમે બસ દેવોનો જ પક્ષ લો એ ભલેને દેવો ખોટું કરે !
આખરે જેની લાલસાથી આ મહાસમુદ્રમંથન કરેલું એ અમૃત નીકળે છે. પણ એની પહેલાં હળાહળ ઝેર નીકળે છે. જેનો કોઈ સ્વીકાર કરતું નથી. ત્યાં બધા જજ તરીકે ધ્યાન આપનારા દેવો ભાગી જાય છે. અને આખરે મહાદેવને બોલાવ્યા… એમણે ઠીક છે ત્યારે એમ કરીને એ પી લીધું. અને એકેય સવાલ ના ઉઠાવ્યો કે આવી વસ્તુ મને કેમ આપી?? અહીંયા પણ સવાલ જવાબ નથી. બસ એક ઘટના છે જે સ્વીકારી લેવાની છે. પછી જેવું અમૃત નીકળે છે કે દાનવો એના ઉપર તૂટી પડે છે. ત્યાં પણ આપણે દાનવોને ખોટા ગણીએ છીએ. કે કેવા તૂટી પડ્યા? નકામા દાનવો! નીચ દાનવો! કેમ કે આ જ તો મનોવિજ્ઞાન છે! તમારા મગજોમાં ઠસાવી દેવામાં આવ્યું…પણ વિચાર તો કરો કે કશુંય કે’તા કશુંય એમને મળવા ન દીધું તો બિચારા કરેય શું? આમ છતાંય એ માન્યા નહિ ઝપાઝપી ચાલુ રાખી અને છેલ્લે એ દાનવો કોઈપણ ભોગે ગાંઠશે નહિ એમ લાગતાં આજકાલની જેમ લોકો હનિટ્રેપમાં સપડાય એમ એ વખતે દાનવો સાથે પણ થયું. જજ તરીકે જેમને નિયુક્ત કરેલા એવા ખુદ વિષ્ણુજીએ મોહિનીરૂપ લઈને અમૃત વહેંચવાનું કામ કર્યું. બે પંગતમાં દાનવોને દારૂ અને દેવોને અમૃત એમ ઘડો બદલાઈ જતો.એમાં ભગવાનને પણ પક્ષપાતી બતાવાય છે. છતાંય કોઈ સવાલ નથી કરતું ? પણ એક રાહુ હતો અને બીજો કેતુ એ બન્ને અમૃત પીવા દેવોની પંગતમાં રૂપ બદલીને ઘુસી ગયા! આજકાલ નોકરી મેળવવા માટેની ભરતી પ્રક્રિયાઓમાં પણ આવું જ થાય છે !
રાહુ-કેતુએ એ અમૃત પી લીધું પણ ઝડપ તો જુઓ કે એ અમૃત એ બીચરાઓને ગળાથી નીચે ન ઉતરવા દીધું. કે ભાઈ તમે આમ ચિટિંગ કરીને કેમ ઘૂસ મારી?? સુદર્શનથી ગળા ઉડાવી નાંખ્યા!! હવે ભાવક તરીકે તમે વિચાર કરો કે વાસ્તવમાં ઘડો બદલવાનું ચિટિંગ કોણ કરી રહ્યું હતું?? રાક્ષસોએ પણ મહેનત કરેલી…એમાંય પેલું સાપનું પૂછડું લેવામાં ચાલાકી કરેલી અને હવે આમાંય આપણે છેતરાઈ રહ્યા છીએ ! રાક્ષસોને લાગ્યું કે આતો આપણે પહેલેથી જ બનાવી રહ્યા છે. આ જજ વિષ્ણુભગવાન પણ પક્ષપાત કરી રહ્યા છે એટલે બળવો થયો. અને અફરાતફરીમાં એ અમૃત ઢોળાયું…અને એટલે ઊંચેથી ઢોળાય છતાંય તે ક્યાં પડે?? પૃથ્વી ઉપર… અમુક જગ્યાએ જ પડે..અલા અંતરિક્ષમાંથી તો મોટા લઘુગ્રહો પણ પૃથ્વીના વાતાવરણમાં ઘર્ષણથી બળી જાય ત્યાં આ ટીપું કેમ કરીને આવ્યું હશે?
છતાંય માનવા ખાતર માની લઈએ કે આ શક્તિશાળી અમૃત કહેવાય! ચાલો માની લઈએ… કે આવ્યું હશે. પણ આજે પણ ત્યાં મેળા ભરાય છે.
આખરે આ લડાઈનો કેસ ભગવાન શિવ પાસે ગયો. એ સમયે આ એક જ ભગવાન એવા કે જે તટસ્થ હતા. એ કોઈનીય સાડાબારી ના રાખે! તો એમને ભોળા ભગવાન કરીને એમનું માન ઘટાડી દેવામાં આવ્યું. હવે સવાલ એ હતો કે ન્યાય થવો જોઈએ અને ન્યાય થયો પણ ખરો કે અમૃત તો નથી રહ્યું, પણ એના બરોબર કાંઈક આપવું પડે… તે એક સજીવન મંત્ર આપવામાં આવ્યો. બન્યું એવું કે આગળ જતાં એ મંત્ર પણ જાતજાતના કાવાદાવા સાથે દેવો દ્વારા લેવામાં આવ્યો.
આ બધી કથાઓને વૈજ્ઞાનિક અભિગમથી જોતાં મને એક સવાલ થાય છે કે આ દેવો હતા કે આજના રાજકારણમાં હોય એવા નેતા-મંત્રીઓ ?
બસ,સાલું જ્યાં હોય ત્યાં કાવાદાવા અને ઝઘડા જ ભર્યા છે!! શાસ્ત્રોમાં લોક કલ્યાણ જેવા કર્યો ક્યાં છે??? અને છે તો એનું મહત્વ આ કથાઓ જેવું છે?
આ કથાઓ ઉપર છૂટથી બોલાય પણ નહીં. કેમ કે લોકોની ભાવના દુભાય!
જયેશ વરિયા