આવા બધા સ્લોગન સ્ત્રીઓ માટે સમાજે કરેલા અન્યાયો સામે રૂપાળા શોભા ના ગાંઠિયા સાબિત થાય છે.સમાજ સ્ત્રીઓ ને કિંમતી ઘરેણાં સાથે સરખાવશે અને એ ઘરેણાં ને મખમલી ડબ્બા માં પેક કરી ને તિજોરી માં કેદ કરે છે.
મહિલા દ્વારા જન્મ લઈને પુરુષ નો એક એક દિવસ મહિલા ને આધીન થઇ જાય છે. છતાં મહિલાઓ વર્ષોથી એવા અન્યાય ને સહન કરતી આવી છે. જે પુરુષ નિર્મિત હોય. અને સમય જતા એ અન્યાયી નિયમો સ્વિકારાયેલ જરૂરિયાત બનતી ગઈ. મહિલા દિવસ ના નામે હોય તો પણ ભલે એક દિવસ પણ સ્ત્રીઓના નામે થાય તો જાગૃતિ તરફ એક કદમ જવાનો એહસાસ તો થાય છે. સમય ની સાથે સાથે મહિલાઓ ની સ્થિતિ માં પરિવર્તન દેખાઈ રહ્યું છે.અને મહિલાઓ માટે અલિખિત બંધનો જે બની ચુક્યા છે એ બંધનો એક એક તૂટી રહ્યા છે. તૂટવું અને તોડી પાડવું માં ખુબ મોટું અંતર છે. મહિલાઓ એ આગળ આવી ને મહિલાઓ ઉપર ઠોકીબેસાડવામાં આવેલી રૂઢિઓ પરંપરાઓ ને તર્ક સાથે સમજવી પડશે, અને તોડી પાડવા આગળ આવવું પડશે. સ્ત્રી જો જુનાપુરાણા નિયમો ને તોડી ને સમાજ ની ચીતરાયેલી કેડી માંથી બહાર નીકળશે તો સ્વાભાવિક છે ટીકાઓ થવાની, કારણ કે વર્ષો થી બંધન માં મુકાયેલી સ્ત્રી ને આઝાદના રૂપ માં સમાજ પચાવી ના શકે એ સાચું છે. એટલે ટીકા ટિપ્પણી પણ થશે હા એ ટીકા ના વરસાદ માં મોટો ફાળો બીજી મહિલાઓ નો પણ હોય જ છે. મહિલાઓ જ મહિલાઓ ની પરિસ્થિતિ ને સમજી ને સહકાર માં નહિ ઉભી રહે તો પુરુષોને તો સદીઓ થી સ્ત્રીઓ ને કેદ કરી શોભાનો ગાંઠિયો બનાવી રાખવામાં રસ છે જ.
મહિલાઓ માટે નારી તું નારાયણી,દેવી, શક્તિનો અવતાર,ઘરની શોભા,કુટુંબની ઈજ્જત,, જેવા મખમલી શબ્દો વાંચવા કે લખવા કે ફિલ્મો માં સાંભળવા સુધી સારા લાગે.હકીકત માં આવા મોભાદાર હોવા ના શબ્દો પણ એમના માટે સોના નું પીંજરું સાબિત થાય છે.બેડીઓ ભલેને સોના થી મઢેલી હોય કામ તો કેદ કરવાનું જ કરે ને. નારી માટે વપરાતા આવા સન્માનિત લાગતા શબ્દો હકીકત માં પોકળ સાબિત થાય એવા અઢળક ઉદાહરણો આપણા ઘર થી ચાલુ કરી ને આપણી આજુબાજુ માં નજર કરીયે તો મળી જાય છે.
સ્ત્રીઓએ પોતાની એક આગવી ઓળખ છે એ સ્વીકારતા થવું પડશે. સંસ્કાર ના નામે પરંપરા ની કઠપૂતળી બની ને ક્યાં સુધી સમાજ માં ખોટેખોટા માન ના નામે સાચે સાચા અન્યાય વેઠ્યા કરવાના?
અવ્યવહારિક નિયમો ના પાલન માં સ્ત્રીઓ પોતાની આગવી ઓળખ ઉભી નથી કરી શકી અને પાછળ ની પેઢી ને પણ ગણ્યા ગાંઠ્યા કુટુંબો સિવાય પરમ્પરા અને સંસ્કાર ના નામે કેદ કરતા જાય છે અને નવાઈ ની વાત તો એ છે કે જે મહિલાઓ અન્યાય સહન કરતી આવી છે એજ મહિલાઓ પાછળ ની પેઢી ને અન્યાય સહન કરવા તૈયાર કરે છે. અરે અન્યાય કરવામાં પણ મહિલાઓ નો ફાળો હોય છે.
જેમ કે …કેટલાક સંવાદ સામાન્ય રીતે અવાર નવાર સાંભળવા મળે છે.
*હવે મોટી થઇ ગઈ છે ધીમે બોલ તારા થી ભાઈ ની જેમ જોર જોર થી ના બોલાય.
*રસોઈ કરતા શીખ ક્યાં સુધી છોકરા ની જેમ ફરીશ? છોકરી છે કાલે સાસરે જઈને બધું કરવાનું છે.
*હું તો માં છું તો પ્રેમ થી સમજાવું છું કાલે સાસુ નું સાંભળવું પડશે ત્યાં કોઈ પ્રેમ થી નથી સમજાવવાનું
*અમે સાસરે આવ્યા તો માથે થી ઓઢેલું નીચે સરકવા નહોતા દેતા, અને આ આજકાલ ની આવેલી વહુ ઓ ને એમની માં એ કઈ સંસ્કાર જેવું આપ્યુંજ નથી જુઓ ને કેવી ખુલ્લા માથે ફરે છે.
*ઘરમાં છોકરી માટે જ સંવાદ ચાલતા હોય, દુપટ્ટા વિના ના નીકળ બહાર કેટલા છોકરા ઉભા છે ? પણ કોઈ દીકરા ને નહિ કહે કે આંખો સીધી રાખજે બહાર કોઈ ની દીકરી આપણી દીકરી જેવી જ હોય.
*સ્ત્રીઓ માટે સમાજ માં ચાવવાના અને બતાવવા ના અલગ અલગ દાંત છે. એક તરફ શક્તિ નો અવતાર કે ઘરનું ઘરેણું કહેવાય અને બીજી તરફ એના માથે થી સાડી નો છેડો જરા સરકી જાય તો બેઈજ્જત બેશરમ બની જાય છે. છે ને દોગલાપણું સમાજ નું? ઘૂંઘટ એ એક પ્રકાર ની કેદ જ છે. ખિસકોલી ની જેમ ઉછળકૂદ કરતી એક છોકરી વહુ બનતા જ આમ અચાનક કેદખાના માં પુરાઈ જાય છે. પુરુષો ઘર માં દીકરી નું મોઢું રોજ જોવે છે, માં નું મોઢું રોજ જોવે જ છે, ભાભી કાકી માસી બધાના મોઢા જોવાય અરે ભરબજાર ની ભીડ માં લંપટાઇ ની હદ વટાવી ને સામે ની છોકરી ડરી ને ચુપચાપ ત્યાંથી જગ્યા ના બદલી નાખે ત્યાં સુધી ટીકી રહેતા હોય એમને ઘરે મર્યાદાઓ નો પોટલું સલામત રાખતી વહુ જોઈએ છે.
એજ રીતે જોઈએ તો સ્ત્રી પરણેલી હોવાની નિશાની શામાટે ? છે કોઈ તર્ક એમાં? સ્ત્રી માટે મંગલસૂત્ર સુહાગ ની નિશાની, સેંથી માં સિંદૂર, હાથ માં બંગડી તો પુરુષ માટે શું? કઈ નહિ કુંવારા પરણેલા કે વિધુર હોય કોઈ ફર્ક નહિ, આ બધી દોહરી નીતિ પરંપરા ના નામે કોઈ પણ તર્ક વગર અને હા તર્ક વગર જ છે.જે તર્ક પ્રવર્તી રહ્યા છે એ આવા પુછાયેલા સવાલો ની સામે ઉભા કરવામાં આવેલા છે. કોઈ તથ્ય એમાં સાબિત થતું નથી. બંગડી ના પહેરવા થી કોઈ નો ઘરવારો મરી નથી જતો, મંગલસૂત્ર પહેરવાથી સંસાર મંગલમય થઇ જતો નથી, એવું હોતું તો પુરુષો એ પણ ક્યારનું એક મંગળસૂત્ર ધારણ કરી લીધું હોતું જેથી ડબલ આનંદ મંગલ થી જીવન પસાર થાય, આ બધા સુહાગ ની નિશાનીના નામે સ્ત્રીઓના ગુલામી ના ચિહ્નો જ છે.સ્ત્રીઓ માટે ઉભી કરવામાં આવેલી રીતો અને રૂઢિઓ એ સ્ત્રીઓ ને સુહાગ ના રૂપાળા નામ આપીને મર્યાદા ના નામે એક ની એક અવસ્થા માં કેદ રાખવાની સાજિસ થી વધુ કઈ નથી.અહીં પરમપરા ને નામે સ્ત્રીઓ ઉપર થતો અન્યાયજ છે. કોઈ સિંદૂર,મંગળસૂત્ર કે કંગન પતિ ને અમરત્વ આપતું નથી, કોઈ કડવાચોથ પતિ ની ઉમર પત્ની કરતા વધુ જ હોવાનો વિશ્વાસ અપાવી શકતી નથી. સોળસોમવાર હોય કે ગૌરી વ્રત હોય કે વટ સાવિત્રી બધું છોકરી ને જ કરવાનું એ પણ પતિ માટે અને વળી પતિ સારો જ મળવાની કોઈ ગેરંટી નથી. અખંડ સૌભાગ્યવતી ના આશીર્વાદ લઈને હરખાતી સ્ત્રી બિચારી ને ખબર પણ નથી કે અંખંડ સૌભાગ્યવતી ભવ એટલે તારું તારા પતિ પેહલા મૃત્યુ થાવ એવો એક બિહામણો સંદેશો હસતા હસતા મેળવતી હોય છે.મૂળ આશીર્વાદ એવો છે કે તું મરે ત્યારે વિધવા ના હોય.આમાંય અન્યાય ?

પતિ વિધુર થાય તો એનામાં કોઈ ફેરફાર નજરે આવે એવા સમાજ માં પ્રચલિત નથી અને સ્ત્રી વિધવા થાય તો, જાણે એની તો જિંદગી જ હવે કોઈ કામની ના રહી હોય, મેં આજ સુધી માં સાંભળ્યું નથી કે સારા પ્રસંગ માં વિધુર પુરુષ એ હાજરી ના આપવી. પણ હા વિધવા ની હાજરી એટલે અપશુકન એવું અનેક વાર સાંભળ્યું છે. આ બધા અલિખિત અને અવ્યવહારિક નિયમો સ્ત્રીઓ ને બંધન માં રાખવા માટે જ બનેલા છે. સજીધજી ને રેહવું એતો સ્ત્રીઓ હક્ક છે. સ્ત્રીઓ નો સ્વભાવ છે સુંદર દેખાવું, વખાણ મેળવવા, આભૂષણો થી લદાયેલા રેહવું,તો શું આ બધું એના પતિ માટે જ છે? એવું જ હોતું તો રોજ ઘરમાં સજીધજી ને ના ફરતી.સજવા માટે કેમ પ્રસંગ ની જ રાહ જોવાય છે. કારણ કે સ્ત્રી નો હક્ક સુંદર રહેવાનો, કુદરતે પુરુષો કરતા સ્ત્રીઓ ને નાજુક અને નમણી બનાવી છે અને પુરુષો એ એને કેદ કરી ને કુદરત ના નિયમો ને પડકાર્યા છે.સ્ત્રી વિધવા થતા જ એના આ બધા હક્કો છીનવી લેવામાં આવે છે. ચાંલ્લો ના કરાય, બંગડી ના પહેરાય, સિંદૂર ના લગાવાય, સારા કપડાં પણ ના પહેરાય, આ તો થઇ પહેરવા ઓઢવાની વાત પણ એની પોતાની ઈચ્છા અને આદતો ને પણ બદલી ને જીવવાનું. એને ગમતું બધું ત્યજવાનું, સારી રીતે સુખે થી રહેવાનું નહિ લોકો ટીકા કરે, અને હા આ ટીકા કરવા માં પણ બીજી સ્ત્રીઓ આ બધું ભોગવી ચુકેલી અને ભોગવી રહેલી વિધવાઓ નો પણ ઓછો ફાળો નથી હોતો.
સમાજ ની વિચિત્રતા ના આવા અનેક દાખલાના ભાગીદારો આપણે બધા જ છીએ, ભણેલા ગણેલા પણ એમાંથી બાદ નથી થતા. બે પ્રેમીઓ ભાગી ગયા હોય તો છોકરા ના બાપ ની ઈજ્જત જતી ક્યાંય જોઈ નથી અને આખો સમાજ છોકરી ના બાપ ની ઈજ્જત ના ચીથરા ઉડાળવા તૈયાર હોય છે.બળાત્કાર છોકરો કરે અને બેઆબરૂ છોકરી ને થવાનું. બળાત્કાર ના સંજોગો માં તો છોકરી બિલકુલ નિર્દોષ હોય છે અને આખી જિંદગી ભોગવવાનું છોકરી ને.આપણે જ આવી સંસ્કાર અને પરમ્પરા ના નામે રીતિઓ તૈયાર કરી બેઠા છીએ.
માંડમાંડ બાલ્યાવસ્થા માંથી કિશોરી બનેલી દીકરી ને ખબર પણ ના પડતી હોય પિરિયડ એટલે શું અને એની માં જ એને ઘર ના ખૂણા માં બેસવા ના પાઠ ભણાવે છે,મંદિર થી દૂર રહેવાનું અને રસોડા ને ના અભડાવવા નું શીખવાડે છે.હદ છે આ એકવીસમી સદી માં પણ આવા કુદરત ના નિયમ ને પણ અપવિત્ર બનાવી ને છોકરીઓ ને બચપણ થી જ નાનમ નો સામનો કરવો પડે છે. પીરિયડ્સ એ દુનિયા આગળ વધારવા માટે કુદરતે કરેલ સૌથી અનિવાર્ય અને પવિત્ર પ્રક્રિયા છે. અને એને આભડછેટ જેવી બદનામી અભણ ભણેલા બધા આપે રાખે છે.
મહિલાઓ પોતે એક માણસ છે પછી એ સ્ત્રી છે બાલિકા છે, કોઈ ના ઘર ની વહુ છે, સાસુ છે ,કે વિધવા છે, પુરુષો એ તો સ્ત્રીઓ ને આ પ્રથામાંથી છૂટવા નો ઝંડો પોતે ઉઠાવવો જ પડે કારણ કે આ બધા પ્રતિબંધો નું ઉત્પત્તિ સ્થાન આજ ના નહિ તો ગઈ કાલ ના પુરુષો જ હતા.પણ સ્ત્રીઓ એ તો પોતાના હક છે, પોતાની એક ઓળખ છે, એ ઓળખ ને આવી વાહિયાત સંસ્કારિત કહેવાતી બેડીઓ માંથી છોડાવી ને આઝાદ કરવાની છે. મહિલાઓ મહિલાઓ ની ટીકા કરવાનું છોડે, સાસુ તરીકે ની અકડુ છાપ ને છોડાવે, વહુ પણ પોતાની જેમ એનું એક રૂડુંરૂપાળું બચપણ છોડી ને આવી છે.કોઈ ની દીકરી આપણા ઘરે વહુ બની ને આવે છે તો આપણી પણ દીકરી કોઈ ના ઘર ની વહુ બનવાની છે એ ના ભુલીયે,સાસુ ની ફરિયાદ અને ઉભી કરવામાં આવેલી બીક માંથી દીકરીઓ એ પ્રેક્ટિકલ થઇ ને વિચારવું પડે.સાસુ એ આખી જિંદગી આ કુટુંબ નો ભાર વાહન કર્યો હશે અનેક ચડાવ ઉતારો જોયા હશે. મૂળ બંને પક્ષે સ્ત્રીઓ એ સ્ત્રીઓ માટે જાગતા રહેવાનું છે.વિધવા ને વિધવા ના રૂપ માં નહીં એક સ્ત્રી ના રૂપ માં અપનાવવા ની શરૂઆત સ્ત્રી એ જ કરવાની છે. એની ટીકા કરનારા નું મોઢું બીજી સ્ત્રીઓ એ સીવી લેવાનું ચાલુ કરવું પડશે. આપણે જ આપણી આવતી પેઢી ના ખેવૈયા બનવાનું છે એમની જિંદગી ની નાવ ને આપણે વેઠેલી અન્યાયી પરંપરાઓ અને માન્યતાઓ થી ભરવી ના હોય તો.આપણે સુધારાવાદી બનવું જ રહ્યું.
મહિલા દિન ને ચોકલેટ,સાડી, ગુલાબ થી શોભાનો ગાંઠિયો ના બનાવીએ અને મહિલાઓ ને સમાનતા તરફ લઇ જતા કોઈક નક્કર પગલાં ભરીયે.ચાલો શરૂઆત આપણા જ ઘર થી કરીયે. દીકરી, વહુ, સાસુ,વિધવા થી પહેલા દરેક ને પ્રથમ સ્ત્રી ની નજરે જોઈએ. સ્ત્રી વર્ષોથી અન્યાય સહન કરતી આવી છે અને ૨૧ મી સદી માં હજુ અનેક અન્યાયો સહી રહી છે.
જે કુટુંબો આ માન્યતાઓ ના ચક્રમાંથી બહાર આવ્યા છે એ બધાને ધન્યવાદ, અને બીજા અનેક લોકો ને પ્રેરણા આપે એવી શુભેચ્છા.
બધીજ મહિલાઓ ને મહિલા દિવસ ની શુભેચ્છાઓ.
જીતેન્દ્ર વાઘેલા
9924110761