એકતા | વિચારધારા એક તો સંગઠનો અલગ અલગ કેમ?

Wjatsapp
Telegram

👊 (અહીં, અનુસૂચિત જાતિ એ ઉદાહરણ સ્વરૂપે છે, બાકી ભારતની દરેક જાતિને લાગુ પડે છે.)

ઘણીવાર લોકો આ પૂછતાં હોય છે અને તેમાંય ખાસ તો યુવાનો આ પૂછતાં હોય છે કે આપણી વિચારધારા એક છે તો સંગઠનો અલગ અલગ કેમ છે?
જેના મુખ્ય કારણો નીચે મુજબ છે.

૧. વિચારધારા એક નથી
“જય ભીમ” “જય બિરસા મુંડા” “લાલ સલાલ” “જય શ્રી રામ” વિગેરે બોલતા તો બધા હોય, પોતાને બહુજન, આદિવાસી, સામ્યવાદી કે હિંદુ સંગઠન તરીકે ઓળખાવતા હોય છે. પણ મોટાભાગના સંગઠનોમાં વિચારધારા જેવું કંઈ હોતું નથી. તૈયાર કેડરને કે તૈયાર મુવમેન્ટને પોતાના અંગત સ્વાર્થ માટે કે પાર્ટીના અંગત સ્વાર્થ માટે અમે આ વિચારધારામાં માનીએ છીએ એવો દાવો કરવામાં આવે છે.
તમે ગમે તેટલા પ્રયત્નો આવા એકસરખા વિચારધારા લાગતા સંગઠનો એક કરી શકાય નહીં, એક થાય નહિ. હા! પ્રતિકાર કરવા, એકસરખા દુષમનોનો સામનો કરવા આવા સંગઠનો એક મંચ પર આવી શકે, થોડો સમય સાથે કામ કરી શકે, પણ એક ના થઈ શકે.
જેમ કે,
અનામત, એટ્રોસિટી બચાવવા બાબતે દલિત, આદિવાસી, ઓબીસી એક થઈને લડે છે પણ એ સિવાય તો તેમનું અસ્તિત્વ અલગ અલગ છે અને રહેશે.

૨. વિચારધારા એક છે પણ પ્રાથમિકતા અલગ-અલગ છે.
વિચારધારા એ વિચારોનો સમૂહ છે. આંબેડકર વિચારધારા એ ડૉ. બાબાસાહેબના શિક્ષણ, સામાજિક, રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક, મહિલાઓ, ખેડૂતો, મજૂરો, વિગેરે એમ અલગ અલગ વિષયો પરના વિચારોનો સમૂહ છે.
એટલે, બાબાસાહેબના ફક્ત શૈક્ષણિક વિચારો પર કામ કરતા લોકોનું સંગઠન, બાબાસાહેબના રાજકીય વિચારો પર કામ કરનાર પોલિટિકલ પાર્ટી સાથે એક કેવી રીતે થઈ શકે?
કોઈ મજૂર સંગઠન, ખેડૂતોના પ્રશ્નો પર કામ કરનાર સંગઠનમાં વિલય કેમ કરી શકે?

૩. વિષય એક અને સંગઠન અનેક
રાજકારણમાં કે અન્ય વિષયોમાં પણ અલગ અલગ નેતૃત્વના કારણે અલગ અલગ પાર્ટીઓ અને સંગઠનો અસ્તિત્વમાં આવતા હોય છે. આ નેતૃત્વ પ્રદેશ પ્રમાણે અલગ અલગ હોય શકે. જેમ કે, શિક્ષણ, એટ્રોસિટી ક્ષેત્રે કામ કરતું જામનગરનું સંગઠન સમગ્ર રાજ્યમાં પોતાનો વ્યાપ કેવી રીતે વધારે શકે? છેક વાપી, વલસાડ કેવી રીતે બ્રાન્ચ ખોલે? મેનેજ કરે?
સ્થાનિક સંગઠનો સ્થાનિક લોકો સાથે મળીને વધુ સારી રીતે કામ કરી શકતા હોય છે. મોટા સંગઠનો દરેક વિસ્તારને એકસરખો ન્યાય નથી આપી શકતા. એમાંય પ્રાથમિકતા અલગ અલગ, કોઈ ias, ips ની તૈયારી કરાવે તો કોઈ 10, 12ના ટ્યુશન તો કોઈ તલાટી, ક્લાર્કની ભરતી.. આમ, એક જ વિષય, એક વિચારધારાના હોવા છતાં એક સંગઠન બની શકતું નથી.

૪. બધા સંગઠનો કોઈ એક નેતૃત્વ નીચે ભેગા ના થઇ શકે?
તમે જ કહો,
જે વ્યક્તિ જિલ્લા અને તાલુકાનું સંગઠન ચલાવીને રાષ્ટ્રીય અધ્યક્ષ લખાવતો હોય તે પોતાનું સંગઠન બીજા કોઈ સંગઠનમાં મર્જ કરીને મેળવે શુ?
દા. ત. રાજકોટમાં ૨૫ સંગઠનો છે. આ બધાને ભેગા કરી દઈએ. તો રાજકોટનો પ્રમુખ ફક્ત એક જ બનશે ને? ૨-૪ ઉપપ્રમુખ બનાવો. તો બાકીના ૨૦ લોકોનું શુ કરશો? સંગઠનનો પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પોતાનું સંગઠન મર્જ કરીને મેળવે શુ? અને આ તો પ્રમુખની વાત છે, ૨૫ સંગઠનના બાકીના હોદ્દેદારોને જિલ્લાના સંગઠનમાં કયો હોદ્દો મળે? જાહેર જીવનમાં હોદ્દા ખૂબ મહત્વના હોય છે. હોદ્દાના ભોગે એકતા કોણ કરે?

૫. તો શું કૌશિકભાઈ એકતા ક્યારેય થશે જ નહીં?
સૌથી પહેલા એકતાનો ખ્યાલ સમજી લો પછી એકતાની વાત કરો. એક જ જાતિના (અહીં અનુસૂચિત જાતિના) લોકોને ભેગા કરવા એકતા નથી. આ જાતિવાદ છે. જે કરવાની ડૉ. બાબાસાહેબ ના પાડી ગયા છે.
“એકતા એટલે એકસરખા વિચારોવાળા લોકો ભેગા મળીને કોઈ એક નિર્ધારિત લક્ષ્ય માટે કામ કરે.”

અહીં,
એકસરખી વિચારધારા,
એકસરખું લક્ષ્ય
ખૂબ અગત્યનું છે.
જેના પર કોઈ કામ કરતું નથી, વિચારતું સુદ્ધા નથી.
અને પાછીકરવી છે એકતા.
આના પછી પણ,
એક બેનર (એક સંગઠન, એક પાર્ટી)
એક નેતા, અને
એક એજન્ડા
હોવો પણ જરૂરી છે.
આ માટે, બધાને સંતોષી શકે, બધાનું નેતૃત્વ કરી શકે, તેવો નેતા જોઈએ.
આવા નેતા બનવાની અત્યારે કોઈની તૈયારી નથી.

ઉદાહરણ માટે કેટલાંક નામ નીચે આપું છું.
૧. કૌશિક શરૂઆત (બહુજન સાહિત્યક્ષેત્ર)
૨. જગદીશ પરમાર (ભીમ આર્મી)
૩. વિશન કાથડ (બહુજન સાહિત્યકાર)
૪. ચિરાગ રાજવંશ (ભારતીય દલિત પેંથર – દલિતોનું આક્રમક સંગઠન)
૫. રાજુ સોલંકી (સામ્યવાદી વિચારધારાને વરેલ)
૬. જીગ્નેશ મેવાણી (જય ભીમ + લાલ સલામ)
૭. મનુ રોહિત (કાયદાકીય રાહે ન્યાય મેળવી આપનાર – જ્ઞાનિસ સંગઠન)
૮. કિરીટ પરમાર (NGO)
૯. ડી. ડી. સોલંકી (આંદોલનકારી)
૧૦. ચંદ્રિકાબેન સોલંકી (આશા વર્કર અને અન્ય શોષિત બહેનો માટે કામ કરનાર)

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

હવે તમે જાતે જ વિચારો કે ઉપરના બધા એક જ અનુસૂચિત જાતિના હોવા છતાં, એક થઈને કામ કરી શકે? છે કોઈ શકયતા? ના સમજ પડે તો આર્ટિકલ ફરીથી વાંચો. તમારા એકતાના કોન્સેપટ ક્લિયર કરો, પછી એકતા કરો.

  • કૌશિક શરૂઆત

નોંધ : એકતા થાય. ૧૦૦% થાય. પણ એકતા કરવા માટે તમારે એ સમજવું ખૂબ જરૂરી છે કે એકતા કરવી કોની જોડે? એકસરખી જાતિના લોકોને ભેગા કરવા એકતા નહિ, જાતિવાદ છે. અને આપણે જાતિવાદ નથી કરવાનો.

You may also like...

Leave a Reply

Your email address will not be published.