કવિતા | હા હું ખાખી છું

Wjatsapp
Telegram

■ ખાખીનો ખુમાર

હા,હું ખાખી છું
મારી પાસે છે ખાખીની ખમીરવંતી ખુમારી

ખભે ગૌરવ સમા બેઝ ઝૂલે છે.
નિષ્ઠાના તારાઓ છાતી પર ચમકે છે.
હું ચાલું તો નોખો આવાજ ખુલે છે.
ધરતી ધમધમે છે.
સેવા,સુરક્ષા અને શાંતી,
મારા કર્તવ્યો છે.
રોજ ઊઠીને,નિષ્ઠાનું તિલક કરું છું.
બંદૂકની સાક્ષીએ,કાયદાનું ધ્યાન ધરું છું.
જન જનને ફરજનું ભાન કરાવું છું.
કહી શકું છું,ફરજનું લોબાન પ્રસરાવું છું.

મોનોગ્રામમાં,
માથે બેઠેલા સિંહ ગર્જના કરે છે.
સિંહ મને સૂવા નથી દેતા,ફરજનું ભાન કરાવે છે.
કેડે બાંધેલો કંદોરા સમો બેલ્ટ,
મને હંમેશા સજ્જ રાખે છે.
બૂટની દોરી,
પગને યોગ્ય દિશામાં દોરે છે.

ઠંડી,તડકો,વરસાદ
યુદ્ધો,હુલ્લડો,તોફાનો,
કેટલીયે વિષમ પરિસ્થિતિઓ
આવી પડેલી મહામારીઓ વચ્ચે,
હું અડગ ઊભો હોઉં છું હિમાલયની જેમ,
તમારી સેવામાં,તમારી રક્ષામાં.
મારે આ કહેવાનું નથી,તમે જુઓ જ છો.

મારે પણ તમારી જેમ પરિવાર છે.
મારો પરિવાર પણ,મારી રાહ જુએ છે.
હું પણ કોઈનો પુત્ર છું,કોઈનો બાપ છું,કોઈનો પતિ છું.
હું પણ કોઈની પુત્રી છું,કોઈની મા છું,કોઈની પત્ની છું.
શું મારો પરિવાર મને યાદ આવતો ના હોય ?
શું મારો પરિવાર મને યાદ કરતો ના હોય ?
જવાબ તમે વિચારી જોજો,
આપ જનતા છો,જવાબ દેતા તમને સારા આવડે છે.

પલંગ પર સૂતા-સૂતા,
તમે થાકી જાઓ છો.
A.C.નો પવન ખાતા-ખાતા,
તમે કંટાળી જાઓ છો.
આરામ ખુરશીમાં આરામ ફરમાવતા,
તમારી કમર દુઃખી જાય છે.
મોટા પૈડાંવાળી ગાડી,સનન..,લઈને આવતા,
તમે પાવરમાં આવી જાઓ છો.
કાયદાની ઐસીતૈસી કરનારા તમે,
મારા પર પારકો રોફ જમાવી,
મારી સેવા અને નિષ્ઠા પર ચેલેન્જ કરો છો !
હું નિષ્ઠા પર અડી રહું તો,તમે મને ખસેડી દો છો !
મનોમન હું સમજી જાઉં છું,મારા સત્યનો ઈલાજ શું થયો છે.
મારા કપાળમાં શોભતા,
“सत्यमेव जयते” વિચારને સ્વીકારી,
સાચવીને આગળ વધું છું.
આમેય મારું કાયમી સરનામું ક્યાં છે !

તમને સુખી રાખવા જ હું દુખ સહુ છું
તમે સુખી રહેતા શીખો.
મારી સામે આંખ નહીં,હૈયું ખોલો.
હું તમારો જ છું.
આજે મને કહેતા ગર્વ થાય છે.
છાતી મારી ગજ ગજ ફૂલે છે.
મારી પાસે છે ખાખીની ખમીરવંતી ખુમારી.

હા,હું ખાખી છું.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

✍️ પ્રવીણસિંહ ખાંટ

નિષ્ઠાવાન સુરક્ષા સેવકોને અર્પણ,
સલામ ખાખી,જય ખાખી

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.