પંજાબની વિરંગનાઓ

Wjatsapp
Telegram

અંગ્રેજીમાં કહેવત છે, You can not ask the darknes to leave; you must turn on the light ! મતલબ, જીવનમાં વ્યાપેલ અંધકારમાંથી બહાર આવવા માટે જાતે જ કમર કસવી પડે.

શોષણ અને દમન આદિ આનાદી કાળથી ચાલ્યું આવે છે. જેની લાઠી એની ભેંસ, એ ન્યાયે વંચિતો હંમેશા સહન કરતા આવ્યા છે. જે રીતે અમીરો ગરીબોનું શોષણ કરતા આવ્યા છે, તે જ રીતે જમીનદારો ખેત મજૂરોનું શોષણ કરતા આવ્યા છે. જમીનદારો ક્યારે પણ ઇચ્છતા નથી કે ખેત મજૂરો જમીનના માલિક બને. ગુજરાતમાં એગ્રિકલચરલ લેન્ડ સીલિંગ એક્ટ હેઠળ ૧૯૬૦ થી ૨૦૧૫ દરમિયાન ૧૨૧૦૯૪ એકર જમીન ૨૩૫૯૫ પરિવારોને આપવામાં આવી હતી, જેમાં ૧૫૩૦૦ અનુસૂચિત જાતિના પરિવાર હતા. ગુજરાતમાં ફક્ત ૩% ખેડૂતો અનુસૂચિત જાતિના છે અને તેઓ કુલ ખેતીલાયક જમીનના ૨.૯% જમીન ધરાવે છે ! હવે આમાં સૌથી દુઃખદ બાબત એ છે કે જે જમીન આપવામાં આવી હતી તેમાંથી ૪૩% પરિવારોને તેમની જમીનનો કબ્જો પણ મળ્યો નથી ! ગામડાઓના માથાભારે તત્ત્વો આ જમીનો પાર ગેરકાયદેસર કબ્જો જમાવી બેઠા છે. આ લોકો વતી કેટલાયે કર્મશીલો અને સંસ્થાઓ એ લડત ચલાવી છે, પરંતુ આજદિન સુધી પરિણામ બહુ ઓછા કિસ્સાઓમાં મળ્યા છે. સફળ લડત ચલાવનારાઓમાં વાલજીભાઇ પટેલ સૌથી મોખરે કહી શકાય. ધારાસભ્ય બનેલા જીગ્નેશભાઈ મેવાણી એ પણ લડત આપેલ છે. ગુજરાતની વાત કરીએ, તો ચિત્ર ઉત્સાજનક તો નથી જ. જો વિકસિત રાજ્ય ગુજરાતમાં આવી હાલત હોય, તો અન્ય રાજ્યોની તો વાત જ શું કરવી ? અન્ય રાજ્યોમાં પણ એકંદરે પરિસ્થિતિ નિરાશાજનક છે.

પંજાબની હાલત પણ આવી જ છે. પંજાબમાં કુલ વસ્તીના ૩૩% વસ્તી અનુસુચિત જાતિની છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. ૩૩% લોકો પાસે રાજ્યની કુલ ખેતીલાયક જમીનની ૩% કરતાં પણ ઓછી જમીન છે. અનુસુચિત જાતિના પરિવારોને જાટ જમીનદારોનાં ખેતરોમાં ખેત મજુર તરીકે મજુરી કરીને ગુજરાન ચલાવવું પડે છે, જ્યાં ખુબ જ શોષણ થાય છે. મોટાભાગની વસ્તી ગરીબ, ભૂખથી બેહાલ, જમીનદારોની કૃપા પર જીવિત હતી. મહિલાઓ ખેતરમાં કામ કરતી વખતે, ચારો લેવા જતા કે રસ્તામાં ચાલતાં જતાં શારીરિક શોષણનો શિકાર થતી. છતાં, પંજાબની અનુસુચિત જાતિની મહિલાઓએ બાબા સાહેબના સંદેશને પચાવી જાણ્યો છે. શિક્ષિત બનો, સંગઠિત થાવ અને સંઘર્ષ કરોનાં નારાને જીવી બતાવ્યો છે. આ વીરાંગનાઓએ દેશની અનુસુચિત જાતિની મહિલાઓ જ નહિ, પરંતુ પુરુષોને સંઘર્ષનો માર્ગ ચીંધ્યો છે. એક એવો સંઘર્ષ કે જે સદીઓથી ચાલી આવતી શોષણની પરંપરાનો અંત લાવે, પરાધીનતામાંથી સ્વાધીનતા લાવે, લાચારીની જગ્યાએ માથું ઊંચું રાખી જીવતાં શીખવે !

પંજાબ સરકારે ૧૯૬૪ માં વિલેજ કોમન એક્ટ પસાર કર્યો હતો. જેના અંતર્ગત રાજ્યની અનુસુચિત જાતિના નાગરિકોને જે તે ગ્રામ પંચાયતના તાબા હેઠળની ખેતી લાયક જમીનની જાહેર હરાજીમાં ૩૩% હિસ્સો મળે. હવે, આ જાહેર હરાજીમાં વર્ષોથી ઉચ્ચ જાતિના ગણાતા જાટ સમાજનો દબદબો હતો. તેઓ ૬૭% સામાન્ય જમીન પર તો હાવી થઇ જ જતા, પરંતુ અનુસુચિત જાતિની ૩૩% જમીનની હરાજીમાં પ્રોક્સી વ્યક્તિને મોકલીને આડકતરી રીતે કબજો જમાવતા. અર્થાત, સરકારે કાયદો કરીને અનુસુચિત જાતિને ૩૩% જમીન પર અધિકાર તો આપ્યો, પરંતુ તેઓ તે અધિકારથી વંચિત જ રહ્યા ! તેઓને લેખે મજુરી જ રહી. આ અન્યાય સામે કેટલાક કર્મશીલો અને સંગઠનો લડત આપતા હતા. પરંતુ તેઓને ભાગ્યે જ સફળતા મળતી હતી. તેવામાં ઝમીન પ્રાપ્તિ સંઘર્ષ સમિતિ(આ સમિતિના મેન્ટર અને તેની રચના વિષે જાણવું રસપ્રદ છે, જે પછી કોઈવારનાં માર્ગદર્શન હેઠળ કેટલાક જીલ્લાઓમાં લડત ચાલી. ૨૦૧૪માં સંગરુર જીલ્લાની અનુસુચિત જાતિની મહિલાઓ એ સંગઠિત થઈને અનુસુચિત જાતિઓના હિસ્સાની સરકારી જમીન જાટ અને અન્ય ઉચ્ચ સમુદાયનાં કબજામાં જતી અટકાવવા કમર કસી, અને શરુ થયો એક નવો અધ્યાય, દમન અને શોષણ સામે લડત અને સ્વાભિમાન માટેનું યુદ્ધ ! સંગરુર જીલ્લાના ભટ્ટીવલ કલાન નામના ગામનાં ૨૦૦ અનુસુચિત જાતિના પરિવારોની મહિલાઓએ ગ્રામ પંચાયતમાં થઇ રહેલ જાહેર હરાજી નામના નાટકમાં હોબાળો કર્યો પોલીસની લાઠીઓ ખાધી અને હરાજી મોકૂફ રખાવી. ત્યારબાદ સખત પોલીસ બંદોબસ્ત હેઠળ બ્લોક કચેરીમાં હરાજી યોજાઈ. આ જાહેર હરાજીમાં અનુસુચિત જાતિની મહિલાઓ ૧૫.૫ એકર જમીન મેળવવામાં સફળ રહી. આ હરાજીમાં એક એકરના રૂ. ૨૦૦૦૦ નાં હિસાબે રૂ. ૩૧૦૦૦૦ ભરીને ૧૫ પરિવારોએ સહિયારી ખેતી આરંભી. ટાઢ કે તડકો જોયા વિના સખત મહેનત કરતાં વર્ષને અંતે ૨.૫ ક્વિન્ટલ ઘઉં અને રૂ. ૧૨૦૦ નફો મળ્યો, જે આ પરિવારો માટે સન્માનજનક વળતર હતું. કેમકે દોઢ બે એકર જમીનમાં તેઓ પાલતું પશુઓ માટે ઘાસચારો વાવતા હતા, જેનાથી તેમને દૂધ મળી રહેતું અને થોડી આવક પણ મળતી. આમ જીવનભર જમીનદારોના ખેતરોમાં કાળી મજુરી કરીને માંડ માંડ ગુજારો કરતાં અનુસુચિત જાતિના પરિવારો પોતાના ખેતરોમાં કામ કરીને સ્વનિર્ભર બન્યા. આં જ રીતે બલાદ કલાં ગામના ૧૮૮ પરિવારોને ૧૧૮ એકર જમીન મળી, જેના પ્રતાપે તેઓ વર્ષે રૂ. ૩૬૦૦૦ જેટલી આવક કમાતા થયા. આ આંદોલન થકી સંગરુર અને પતિયાલા જીલ્લાના ૫૫ ગામોના અનુસુચિત જાતિના લોકોને સ્વાધીનાતાનો સ્વાદ ચાખવા મળ્યો.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આ લડાઈ ફક્ત જમીનના ટુકડા માટેની નહિ, પરંતુ સ્વમાન, સ્વરોજગાર અને આત્મસમ્માનની લડાઈ હતી. આજે પંજાબના સાત જીલ્લાઓના અનેક અનુસુચિત જાતિના પરિવારોએ કાળી મજૂરી છોડી સ્વસહાયનાં માર્ગ તરફ પ્રયાણ કર્યું છે.

લેખક : અશ્વિન સોલંકી
ashvinsolanki@gmail.com

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.