”આપણે આ દેશના શાસક બનવાનું છે” લખ્યા પછી શું કરવાનું?

Wjatsapp
Telegram

આપણે સૌ જાણીએ છીએ તેમ ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહેલું કે, ”જાવ પોતાના ઘરની દીવાલો પર લખી દો, આપણે આ દેશના શાસક બનવાનું છે.”અને લોકોએ પોતાના ઘરની દીવાલો પર લખી પણ નાંખ્યું. પછી શું કર્યું? લોકો કન્ફ્યુઝ થઇ ગયા કે હવે શું કરવાનું? કેમ કે, આપણા ભાષણબાજ નેતાઓ આપણને આટલું જ કહે છે અને પછી ડૉ. બાબાસાહેબ, કાંશીરામજીના નામે વોટની ભીખ માંગે છે. એનાથી આગળની બાબાસાહેબે કહેલી વાત નથી કહેતા. અને આપણને, બાબાસાહેબના અનુયાયીઓ પાસે બાબાસાહેબના લખાણો અને એમાંય ખાસ તો રાજનીતિને લગતા લખાણો વાંચવાનો સમય નથી.એટલે દીવાલો પર શાસક બનવાની વાત લખ્યા પછી, આગળ બુદ્ધિ ના ચાલતા, આંદોલન, ધરણા, સમાજની વાડી, જાતિ-પેટા જાતિના કાર્યક્રમોમાં વ્યસ્ત થઇ જઈએ છીએ. રોજ સવારે વ્હોટ્‌‌સએપ ખોલીને ચેક કરવા લાગી જઈએ છીએ કે આજે ક્યાં આપણા પર અત્યાચાર થયો છે? આજે આદિવાસી વિરોધી ક્યુ નવું બિલ આવ્યું? કયો નવો પરિપત્ર થયો. ચાલો આંદોલન કરીએ, આવેદન પત્ર આપીએ, અને આપણી સામાજિક જવાબદારી પુરી થઇ ગઈ એમ સમજીએ છીએ. શાસક કેવી રીતે બનવું? એ બાબતે ક્યારેય કોઈ ચર્ચા કે ચર્ચાસભાનું આયોજન નથી કરતાં.
પણ ડૉ.બાબાસાહેબ આંબેડકરે શાસક કેવી રીતે બનવું એ તો કહી ગયા છે. કેવી રીતે ઉલગુલાન કરવું એ બિરસા મુંડા આપણને શીખવાડી ગયા છે. તો એ તમે જાણશો કેવી રીતે? અને શાસક બનશો કેવી રીતે?
બહુજન સમાજની પાર્ટીઓની કામ કરવાની રીત, વોટ માંગવાની રીત, સંગઠન બનાવવાની રીત, મીડિયા અને સોસીઅલ મીડિયા સેલ પ્રત્યેની ઉપેક્ષા, વર્ષો જૂની કેસેટ વગાડતા હોય એવાં ભાષણો, અને બહુજન સમાજના મહાપુરુષોના નામે રીતસર લોકોને ઈમોશનલ બ્લેકમેલ કરવા, ચરી ખાવું, વિગેરેથી શું કોઈ પાર્ટી શાસક બની શકે?
પાર્ટી છોડો,જે વર્ષોથી કાર્યકર્તા તરીકે કામ કરતા હોય તેઓમાં પણ શાસક બનવાની ભૂખ દેખાય છે? ૨૦ વર્ષથી પાર્ટીમાં કામ કરતો હોય કાર્યકર્તા, શું આજે પોતાના વોર્ડમાં ૨૦ લોકો પાસે વોટ નંખાવી શકવાની તાકાત છે? શું પાર્ટીની જનસભામાં ૧૦ લોકોને લઈ જઈ શકે છે? જાે ”ના” તો ઘરની દીવાલો પર શાસક લખો કે ના લખો, શું ફરક પડે?
આ અંકની એક મહિના પહેલા જાહેરાત કરી હતી. હજુ સુધી રાજકારણ પર નેલ્સન પરમાર સિવાય કોઈનોય આર્ટિકલ આવેલ નથી. કોઈ બહુજન પાર્ટીના મીડિયા, સોસીઅલ મીડિયા સેલ તરફથી કોઈ પ્રેસનોટ આવી નથી, કોઈ બહુજન પાર્ટીના કાર્યકર્તા કે બુદ્ધિજીવી કહેવાતા લોકોએ પણ આર્ટિકલ આપેલ નથી. એવું નથી કે ફક્ત શરૂઆતને જ આર્ટિકલ આપવામાં નથી આવતો, પછાત સમાજના, બહુજન સમાજના દરેક લગભગ છાપા, મેગેજીનની આ જ ફરિયાદ છે. માન્યું કે સવર્ણ હિન્દુ છાપાઓ, ઇલેક્ટ્રોનિક મીડિયાવાળા તમારું છાપતા નથી પણ જે છાપે છે, તેને મોકલવામાં શું વાંધો છે? શું આ તમારા શાસક બનવાના લક્ષણો છે?

બહુજન સમાજ – પ્રતિકારને આંદોલન સમજે છે. ભાષણો કરનારને સાવજ કહે છે. બંધારણ બાબાસાહેબે લખ્યું એટલે બંધારણ પ્રત્યે લગાવ છે પણ બંધારણ વાંચવું નથી અને બંધારણ વિરોધી જે પ્રવૃત્તિઓ થઇ રહી છે તેના માટે સાર્વજનિક મંચ બનાવીને લડવું નથી.

આદિવાસી – આદિવાસીઓ સંસ્કૃતિ બચાવવા જેટલી મહેનત કરે છે અને જેટલા જાગૃત છે તેટલા જાગૃત બંધારણ ,કાયદાઓ પ્રત્યે નથી. શાસક બનવાની ભૂખ હજુ આદિવાસી સમાજમાં જાેઈએ એટલી નથી.

ઓબીસી – ઓબીસી સમાજ સવર્ણ હિન્દુની પ્રગતિને જ પોતાની પ્રગતિ માને છે. તેને થતાં જાતિગત અન્યાય બાબતે હજુ પણ અજાણ છે. એલઆરડી બાબતનું આંદોલન દલિત-આદિવાસી-ઓબીસી એમ ત્રણેવનું સંયુક્ત આંદોલન હતું. ગુજરાતની સૌથી મોટી વસ્તી ઓબીસી છે તેમ છતાં ઓબીસી સમાજ પોતાના બંધારણીય હક-અધિકાર બાબતે પૂરતો જાગરૂક નથી.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

માઇનોરિટી – દરેક ભાજપ-આરએસએસ વિરોધીને પોતાનો દોસ્ત સમજે છે. કેટલાય યુવાનો છેલ્લા ૪ વર્ષમાં ૪ અલગ અલગ સંગઠનોમાં પોતાના રહનુમા શોધતા રહ્યા છે. રાજકીય જાગૃતિ તો અહીં પણ નથી.
દરેક સમાજમાં કેટલાંક જાગૃત લોકો છે, એ હું ચોક્કસ માનું છું પણ તેમની સંખ્યા સમાજની કુલ સંખ્યા સામે ન બરાબર ગણાય તેવી છે. જયારે આજે આપણે બહુજન સમાજના, બહુમત લોકોની વાત કરી રહ્યા છીએ. એટલે જેને લાગુ પડતું હોય એણે જ માથે ઓઢવું અને આ જે કંઈ પરિસ્થિતિ છે તેમાં સુધારો લાવવા પ્રયત્ન કરવો.
આ અંક તૈયાર કરતા જે અનુભવ મને મળ્યો તે પ્રમાણે,
૧) ગુજરાતનો બહુજન સમાજ રાજકારણમાં ઘણો પછાત છે.
૨) ગુજરાતના બહુજન સમાજને સત્તાની ભૂખ નથી.
એટલે આ અંકમાં આપણે હાર્ડકોર પોલિટિક્સની વાત નહીં કરીએ પણ રાજનીતિની પ્રાથમિક બાબતોની જ વાત કરીશું. શાસક બનવા માટે ભૂખ જાગે તેવી વાત કરીશું. સંઘઠન કેવી રીતે બનાવવું તેની વાત કરી કરીશું. એક રાજકીય પાર્ટીના કાર્યકર્તાએ કેવી રીતે વર્તવું તેની વાત કરીશું.
ટૂંકમાં,ઘરની ભીંત પર ”આપણે આ દેશના શાસક બનવાનું છે” લખ્યા
પછી શું કરવાનું? એની વાત કરીશું.
જય બહુજન
કૌશિક શરૂઆત

આ આર્ટિકલ શરૂઆતના માર્ચ મહિનાના અંકમાં “ર રાજકારણનો ર”માં છપાયો હતો.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.