રમેશ સવાણીજીએ શરૂઆત બુક સ્ટોરની મુલાકાત લીધી. જાણો શું કહ્યું પુસ્તકો વિશે…

પુસ્તકો-વિચારો જ દુનિયા બદલી શકે !
‘શરુઆત પબ્લિકેશન’નો પાયો નાખનાર કૌશિક પરમાર [સંપર્ક : +91 81411 91311] સાથે 12 ઓગષ્ટ 2021ના રોજ, બે કલાક ગાળી. વૈચારિક રીતે કૌશિક બહુ મજબૂત છે. તેમની પુસ્તકોની શોપ; B-111, નરોડા રોડ ઉપર અરવિંદ મેગા ટ્રેડ કોમ્પ્લેક્સ, અશોક મિલની નજીક, અમદાવાદ ખાતે છે. ગાંધી/નેહરુ/સરદાર/આંબેડકર/જોતિરાવ ફૂલે/સાવિત્રીબાઈ ફૂલે અને બીજા સામાજિક નિસબત ધરાવતા લેખકોના પુસ્તકો અહીં મળે છે. જુદા જુદા 28 પુસ્તકોની ખરીદી પણ કરી. સામાજિક ન્યાયની વિભાવનાને સમજવા માટે આ પ્રકારના પુસ્તકો વાંચવા પડે. પુસ્તકો-વિચારો જ દુનિયા બદલી શકે !
ડો. આંબેડકરજીનું પત્રકારત્વ સમાજ જાગૃતિ/ઉદ્ધાર માટેનું હતું. તેમણે ‘મૂકનાયક’ (31 જાન્યુઆરી 1920) ‘બહિષ્કૃત ભારત’ (3 એપ્રિલ 1927)‘સમતા’ (29 જૂન 1928)‘જનતા’ (24 નવેમ્બર 1930) અને ‘પ્રબુદ્ધ ભારત’ (4 ફેબ્રુઆરી 1956) સામયિકો પ્રગટ કર્યા હતા. તેઓ કઈ રીતે સમાજને જાગૃત કરતા હતા? એમની શૈલી કેવી હતી? તત્કાલિન મુદ્દાઓ પરત્વે તેમના વિચારો કેવા હતા? વગેરે બાબતો જાણવી જરુરી છે; તો જ તેમને સાચા પરિપેક્ષમાં સમજી શકાય. 31 જાન્યુઆરી 1920ના રોજ ‘મૂકનાયક’ના પ્રથમ અંકમાં તેમણે લખ્યું હતું : “આપણા ઉદ્ધાર માટે આપણું પોતાનું અખબાર જોઈએ. આપણા બહિષ્કૃત લોકો ઉપર થઈ રહેલ અન્યાય તથા ભવિષ્યમાં થનાર અન્યાયને રોકવા માટે; ભાવિ ઉન્નતિ માટે; વિચાર-વિનિમય કરવા માટે સમાચારપત્ર જેવું બીજું કોઈ સ્થાન નથી. મુંબઈ પ્રાંતથી નીકળનાર સમાચારપત્રો ઉપર નજર કરતા માલૂમ પડે છે કે અધિકાંશ સમાચારપત્ર કોઈ જાતિ વિશેષનું હિત સાધવા વાળા છે; બીજી જાતિના કલ્યાણની એને ચિંતા નથી. એટલું જ નહીં, ક્યારેક તો તે અહિતકારક પ્રલાપ કરતા જોવા મળે છે. એવા સમાચારપત્રોને અમે ચેતવણી આપીએ છીએ કે કોઈ જાતિની જો અવનતી થઈ, તો તેનું કલંક બીજી જાતિઓ પર લાગ્યા વિના નહીં રહે. સમાજ એક નૌકા જેવો છે. નાવમાં યાત્રા કરનારા યાત્રિઓ જાણીજોઈને બીજાને નુકશાન કરવાના ઈરાદે/પરેશાન કરવા માટે/મજા કરવા માટે કે પોતાના વિધ્વંસકારી સ્વભાવના કારણે નાવમાં છેદ કરે તો નાવ સાથે સાથે તેમને પણ જળ સમાધિ લેવી પડે છે. એ રીતે એક જાતિનું નુકશાન કરવાથી, પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રુપે નુકશાન કરનારી જાતિનું પણ અવશ્ય નુકશાન થશે; એમાં કોઈ સંદેહ નથી. એટલે સ્વહિત સાધનારા સમાચારપત્રોએ બીજાને નુક્શાન કરીને કેવળ પોતાનું હિત સાધવાની મૂર્ખતા ન કરવી જોઈએ.”
1920 જેવી હાલત ઓગષ્ટ-2021માં પણ છે જ ! મુખ્ય ધારાના અખબારો દલિતોના પ્રશ્નોને પૂરતી જગ્યા ફાળવતા નથી. આ સ્થિતિમાં કૌશિક પરમારે પુસ્તક પ્રકાશનની સાથે ‘શરુઆત’ સામયિક પણ શરુ કર્યું છે. તેમની ‘શરુઆત’ ક્રાંતિકારી બની રહે, એવી શુભકામના પાઠવવી જ પડે ! – રમેશ સવાણી રમેશ સવાણીજીના પુસ્તકો ખરીદવા માટેની લિંક. 50%ડિસ્કાઉન્ટ.