શીતળા એક ભયાનક રોગ

શીતળા એક ભયાનક રોગ
શીતળા ના રોગ વિષે માહિતી જોઈએ એ પહેલા. હું જણાવી દઉં કે હું છેલ્લા ૧૦ વર્ષથી કોઈ શીતળા સાતમે ઠંડુ ખાવાની પ્રથા પાડતો નથી. અને આ શીતળા સાતમે પણ હું સવારની ગરમ ગરમ ચા અને પુરીને ખાવાનો છું. જેમને પણ ઘરમાં શીતળા સાતમ નિમિતે પરાણે ઠંડુ ખાવું પડતું હોય અને આવી માન્યતાથી દૂર થવું હોય એમને હું મારા ઘરે આમંત્રણ આપું છું. આવો સાથે બેસી ગરમ ગરમ નાસ્તો કરીશું અને આ દિવસે ગરમ ખાવાથી કોઈ દેવીનો પ્રકોપ નડતો નથી એ બાબત થી લોકોને માહિતગાર કરીશું.
અઢીસો ત્રણસો વર્ષ પહેલા આખા વિશ્વમાં શીતળા (ઓરી) (ચિકનપૉક્સ ) સૌથી ભયાનક રોગ હતો.ભારત પણ આ રોગથી બચી શક્યો નહોતો.આ રોગથી માણસોનું મૃત્યુ થઇ જતું હતું અને જો કોઈ સદ્દભાગ્યે બચી જાય તો શીતળાના નિશાન શરીર ઉપર રહી જતા અને માણસનો ચહેરો પણ વિકૃત થઇ જતો હતો.આંખો પણ ખરાબ થઇ જતી હતી. કેટલાકને અંધાપો પણ સહન કરવો પડતો હતો.
ભારત ધર્મભીરુ પ્રજા છે. દરેક આપત્તિને ધર્મ,ચમત્કાર અને દૈવીકોપ સાથે જોડી દેવા ટેવાયેલી છે. આ રોગને પણ શીતળા દેવીનો પ્રકોપ માનીને ટોટકા,પૂજા, બાધાનો સહારો લેતા હતા. કારણ કે એ સમયે ભારતમાં ચિકિત્સા વિજ્ઞાનની પ્રગતિનો અભાવ હતો.
આ રોગ ચેપી હોવાના કારણે અને રોગને રોગ નહિ પણ પ્રકોપ માનતી પ્રજાની અજ્ઞાનતાના કારણે કોઈ સાવચેતી રાખવાની સમજ હતી નહીં. અને આ રોજ મહામારીની જેમ ફેલાઈ જતો. ભારત માં અંધવિશ્વાસ એટલો જડ બની ગયેલો હતો કે લોકો દવા કરતા દુવા, તંત્રો મંત્રો અને પૂજા વિધિ માં વિશ્વાસ વધુ રાખતા હતા.
આ ભયંકર રોગથી મુક્તિ અપાવવાનું શ્રેય એડવર્ડ જેનર ને જાય છે. અતીશ્રદ્ધા થી પૂજા અર્ચન કરવા છતાં શીતળા માતા નામના કોઈ દેવીએ આ રોગને કાબુમાં લેવા માટે મદદ કરી નહોતી. કારણ કે એ ભારતની પ્રજાની અજ્ઞાનતા માત્ર જ હતી.
શીતળા નામના રોગને આખા વિશ્વમાંથી નેસ્તનાબૂદ કરવામાં ૧૩ મેં ૧૯૪૭માં ઇંગ્લેન્ડ ના બારકેલનગરમાં જન્મેલા એડવર્ડ જેનરએ શોધેલી રસી કારગત નીવડી અને આજે એના પ્રતાપે આપણે આવા ભયકંર રોગ માંથી મુક્તિ મેળવેલી છે. એમનો જેટલો પણ આભાર માનીયે એટલો ઓછો છે.
આટલા વર્ષો પછી આખા વિશ્વમાં ચિકિત્સા વિજ્ઞાન અત્યંત પ્રચલિત બનવા પછી પણ આપણી અંધશ્રદ્ધામાં ડૂબેલી માનસિકતા હકીકતને જાણીને પણ શીતલને માતા કહેવા ટેવાયેલી છે. અને જેતે સમયની રૂઢિને આગળ વધારતા જઇયે છીએ. નાના મોટા ચિકન પોક્સ થાય તો હોસ્પિટલ તો દોડીએ જ છીએ, પણ શીતળામાતાની બીક હજુ મગજ માંથી નથી નીકળતી. ભણેલા કહેવાતા લોકો પણ આજના આધુનિક યુગમાં બાધાઓ રાખવાની માન્યતામાંથી બહાર નથી નીકળી શકતા, એનું એક માત્ર કારણ મગજમાં ઘર કરી ગયેલી દેવીકોપની બીક છે. એટલે જાગૃત લોકો એ ઉદાહરણ રૂપ બનીને આવા કોઈ કોપ હોતા નથી એના દાખલ બેસાડવા રહ્યા. સમય સાથે સામાન્ય જનતા પણ તમારી સાથે જોડાતી જશે.
જીતેન્દ્ર વાઘેલા