બૌદ્ધ | તથાગત બુદ્ધનાં ચાર મહાન સત્યો અને અષ્ટાંગ માર્ગ

બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે તમામને હાર્દિક શુભેચ્છાઓ…
તથાગત બુદ્ધ પોતાના પાંચ પરિવ્રાજકોને પોતાનો પ્રથમ ધમ્મ ઉપદેશ આપતા જણાવે છે કે,
“મારો માર્ગ એ સદ્દધમ્મનો માર્ગ છે. આ સદ્ ધમ્મને આત્મા, પરમાત્મા સાથે કંઈ લેવાદેવા નથી. આ સદ્દ ધમ્મ ને મૃત્યુ બાદ આત્માનું શું થાય છે તેનાથી કોઈ મતલબ નથી. આ સદ્ ધમ્મ ને કર્મકાંડ કે ક્રિયા કલાપો સાથે પણ કોઈ લેવાદેવા નથી.મારા આ ધમ્મ નું કેન્દ્ર બિંદુ મનુષ્ય છે અને આ પૃથ્વી પર રહેતા એક મનુષ્યના અન્ય મનુષ્ય સાથે કેવા સંબંધો હોવા જોઈએ તે છે.
તથાગત બુદ્ધ આગળ જણાવે છે કે દુઃખના અસ્તિત્વનો સ્વીકાર કરવો અને દુઃખને નાશ કરવાનો ઉપાય બતાવવો એ જ ધમ્મનો આધાર છે. ધમ્મ માટે એકમાત્ર આ જ આધાર હોઈ શકે છે.જે ધર્મ આ પ્રાથમિક વાત નો પણ સ્વીકાર નથી કરી શકતો, તે ધર્મ જ નથી.

તથાગત બુદ્ધે ચાર મહાન સત્યો આપ્યા છે.
(૧) દુઃખ છે:
જીવનમાં સર્વત્ર દુઃખ છે. જે સુખ મળે છે તે ક્ષણિક છે. માનવી સુખ મેળવવાની આશાએ દુઃખ વેઠતો રહ્યો છે. જીવનમાં જ્યારે આપણને ઇચ્છિત વસ્તુ ન મળે ત્યારે દુઃખ થાય છે. આથી જીવન દુઃખોથી ભરેલું છે.
(૨) દુઃખનું કારણ છે:
દુઃખનું કારણ અસંતોષ છે. માણસને સંતોષ નથી. તેની ઇચ્છાઓ નો કોઇ પાર નથી. એક ઈચ્છા પૂરી થાય એટલે બીજી જાગે છે. માનવી પાસે જે છે તેનો આનંદ માણવાનો બદલે જે નથી તેના અસંતોષ થી દુઃખી થયા કરે છે.
(૩) દુઃખ નિવારી શકાય છે:
દુઃખથી મુક્તિ મેળવી શકાય છે. જીવન અને જગતના દુઃખોથી છૂટી શકાય છે. ઇચ્છાઓ, અસંતોષ વગેરેને દૂર કરવાથી દુઃખ નિવારી શકાય છે.
(૪) દુઃખ નિવારણનો માર્ગ છે:
દુ:ખને દૂર કરવા માટે તથાગત બુદ્ધે જે માર્ગ શોધી કાઢ્યો તે મધ્યમ માર્ગ છે. આ માર્ગને અષ્ટાંગ માર્ગ કહેવામાં આવે છે. અષ્ટાંગ માર્ગ પ્રમાણે જીવન જીવવાથી દુઃખની નિવારી શકાય છે.
આ માર્ગમાં ૮ અંગો હોવાથી તેને અષ્ટાંગ માર્ગ કહેવામાં આવે છે. જે નીચે મુજબ છે.
(૧) સમ્યક દ્રષ્ટિ
(૨) સમ્યક સંકલ્પ
(૩) સમ્યક વાણી
(૪) સમ્યક કર્મ
(૫) સમ્યક આજીવિકા
(૬) સમ્યક વ્યાયામ
(૭) સમ્યક સ્મૃતિ
(૮) સમ્યક સમાધિ