નવા લેખકો/કવિઓએ આટલી બાબતો ખાસ ધ્યાન રાખવી

Wjatsapp
Telegram

સુપ્રસિદ્ધ સાહિત્યકાર બાબુ સુથારે આપેલી કેટલીક ટિપ્સ. ખાસ કરીને સોશિઅલ મીડિયામાં લખતા યુવાનો માટે. એકવાર જરૂર વાંચો.

૧. જો તમે કેવળ પ્રેરણામાં જ માનતા હો તો આ સલાહ તમારા માટે નથી. મજા કરો.

૨. અભ્યાસ વગર સર્જન શક્ય નથી. એટલે અભ્યાસ કરો. ઘણા સર્જકો કહે છે કે મીરાંબાઈએ ક્યાં અભ્યાસ કરેલો? નરસિંહે ક્યાં અભ્યાસ કરેલો? ગંગાસતીએ ક્યાં અભ્યાસ કરેલો. જવાબ: એ બધ્ધાંએ અભ્યાસ કરેલો. પણ ત્યારે અત્યારે છે એમ ઔપચારિક શિક્ષણ સંસ્થાઓ ન હતી. ગંગાસતી તો એમના એક પદમાં કહે છે પણ ખરાં: અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને ન રહેવું ભેદવાદીની સાથ રે. આ પંક્તિના આધારે હું એક જ સલાહ આપીશ: અભ્યાસ જગાડો.

૩. શક્ય હોય તો વિશ્વસાહિત્યના કોઈ એક સર્જકનો બરાબર અભ્યાસ કરો. ફરી એક વાર: ‘અભ્યાસ’ શબ્દનો અત્યારે છે એવો ચીલાચાલુ, પરીક્ષાકેન્દ્રી અર્થ ન કરવો.

૪. ભારતીય સાહિત્યના કોઈ એક સર્જકનો બરાબર અભ્યાસ કરો. ઉમાશંકર, સુરેશ જોષી વગેરેએ જો ટાગોરનો અભ્યાસ ન કર્યો હોત તો?

૫. સંસ્કૃત સાહિત્યના વધારે નહીં તો કોઈ એક સાહિત્યકારનો બરાબર અભ્યાસ કરો. શક્ય હોય તો મૂળ સંસ્કૃતમાં. ઉમાશંકર, સુરેશ જોષી વગેરે સર્જકોએ જો સંસ્કૃત સાહિત્ય અને ભાષાનો અભ્યાસ ન કર્યો હોત તો એ ગુજરાતી ભાષાને સમૃદ્ધ ન બનાવી શક્યા હોત.

૬. વધારે નહીં તો એક ઉપનિષદ, એક પુરાણ, એક મધ્યકાલીન સર્જકનો અભ્યાસ કરો.

૭. લોકસાહિત્યમાં રસ કેળવો. લોકસાહિત્યની ભાષામાં રહેલા ધબકારા બરાબર માણતાં શીખો. પંડિત થવાની જરૂર નથી.

૮. સમકાલીન popular cultureને સમજો. ભાઈ ભાઈ જેવાં રેપ ગીતો કે મોબાઈલ ફોનના સનેડા કે મોદીચાલીસા જેવાં ‘સર્જનો’ને બરાબર સમજો. એમાં ગરબા પણ આવી જાય ને સનેડા પણ. ગુજરાતી રેસીપી પણ ધ્યાનથી સાંભળો/વાંચો.

૯. ગુજરાતી સાહિત્યની પરંપરા આત્મસાત કરો. જો તમે નવલકથા લખતા હો તો તમને સરસ્વતીચંદ્રએ કે ભદ્રંભંદ્રએ નવલકથાના ક્ષેત્રમાં કેવું કામ કર્યું છે એની ખબર હોવી જોઈએ.

૧૦. એક પણ બોરીંગ લેખક ન વાંચો. સમય બગાડવા માટે બીજાં ઘણાં કામ કરી શકાય.

૧૧. કોઈક દાર્શનિક પરંપરાથી જ્ઞાત થાઓ. એ જ્ઞાન તમને જગતને જોતાં શીખવશે. કોઈ પણ સર્જન perception વગરનું ન હોઈ શકે. પણ, જો એ perceptionમાં કોઈ એકસૂત્રતા નહીં હોય તો તમારી કૃતિ પીત્ઝા સ્લાઈસ બની જશે.

૧૨. મનમાં જે આવે એ બધું જ લખો. વ્યાકરણ અને જોડણીની ચિન્તા કર્યા વગર.

૧૩. ગુજરાતી ભાષાનું વ્યાકરણ શીખવા વ્યાકરણનાં પુસ્તકો ન વાંચો. બસ, સારા ગુજરાતી સર્જકો વાંચો. યાદ રાખો કે તમારે વ્યાકરણશાસ્ત્રી નથી બનવાનું.

૧૪. પહેલાં લખો. પછી મઠારો. મઠારતી વખતે જોડણી જોઈ લો. ઘરમાં સાર્થ જોડણીકોશ વસાવો. પછી ક્રાફ્ટ મઠારો (મઠારવા વિશે હવે પછી ક્યારેક).

૧૫. માન્યતા મેળવવા વરિષ્ઠ સાહિત્યકારો પાસે ન જાઓ. બ.ક.ઠા.એ કહેલું કે બધાને કાંધિયાની જરૂર હોય છે (આ વિધાન શબ્દફેર હોઈ શકે). વરિષ્ઠ સાહિત્યકારોમાંના ઘણા બધા કાળગ્રસ્ત હોય છે. વળી એ લોકો કહેણા મામાને વધારે મહત્વ આપતા હોય છે. તમારું વાંચીને કહેશે: આવું પણ કોણ લખે છે આજકાલ ગુજરાતીમાં? લખે રાખો.

૧૬. વરિષ્ઠ સાહિત્યકારો વખાણ કરે તો સાચા ન માનો. એ કદાચ એમની ગેંગ બનાવવા પણ વખાણ કરતા હોય. મહિલા સર્જકોને ખાસ સલાહ: વરિષ્ઠ સાહિત્યકારો તમારી પ્રસંશા કરે તો શંકાથી જોજો. જો તમને ખાતરી થાય કે આ વખાણ સાચા છે તો જ મિત્રો સાથે share કરજો.

૧૭. કોઈ સામયિક તમારી કૃતિ ન પ્રગટ કરે તો દુ:ખી ન થવું. બની શકે કે એ સામયિક તમારી કૃતિને લાયક ન હોય. મારી કૃતિઓ પણ reject થતી હોય છે. ગુજરાતી સાહિત્યમાં સંપાદકોનું નિર્માણ કઈ રીતે થાય છે એનો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવી જશે.

૧૮. કોઈ ભૂલ બતાવે અને એ ભૂલ હોય તો સ્વીકારી લો. કોઈ તોછડા બનીને કહે તો ય સ્વીકારી લો. તમે ભૂલ સ્વીકારશો પછી તોછડો માણસ પણ સુધરી જશે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

(અપૂર્ણ)

બાબુ સુથાર

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

  1. Manojkumar Maurya says:

    Most important

    • Sharuaat says:

      આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

Leave a Reply

Your email address will not be published.