આંબેડકર મારા આદર્શ કેમ?

હું માનવી છું. મારી પ્રકૃતિ છે. સામાન્ય મહેનતમાં વધુ પૈસા કે મોભો મળે તેવા રસ્તા શોધું છું.. ઉદાહરણ તરીકે, પરીક્ષા હોય તો આખી ચોપડી વાંચી પ્રશ્નપત્ર આપવા જવું અઘરું છે પણ કોઈ સ્યોર સજેશન કે પછી આઈએમપી પ્રશ્ન આપી દે તો ભયોભયો…
આખી ચોપડી કે આખી ગાઈડ કરતા અપેક્ષિત વ્હાલી લાગે છે..
મેં ધો.૧૦ હોય કે ધો.૧૨ની બોર્ડની પરીક્ષા આ રીતે જ પાસ કરી છે…
આંબેડકર એક આદર્શ વિદ્યાર્થી અને આદર્શ રિસર્ચર રહ્યાં… જીવનની પરીક્ષામાં તેમને અપેક્ષિત ઉપર આધાર ન રાખ્યો પણ પોતાના સમાજની સમસ્યા શોધવા ખુદ જ ચોપડીઓ લખી નાખી… દરેક પ્રોબ્લેમની ઉપર લખ્યું… આપણે અપેક્ષિત પુરી વાંચતા નહોતા.. એણે આ દેશનો માયથોલોજિકલ ઇતિહાસ હોય કે વાસ્તવિક ભૂતકાળ, ભૂગોળ, ભાષા, રાજનીતિ શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, પત્રકારત્વ અને વર્તમાન પ્રવાહોથી માડી બધું વાંચી નાખ્યું… જ્યાં ભાષા અવરોધ લાગી તો નવી ભાષાઓ શીખી કાઢી..
બધું જ વાંચી આપણી માટે અપેક્ષિતો બનાવી…પણ આપણે એ પણ વાંચી શકતા નથી.. મૂળ તો ક્યાંથી વાંચવાના… જો એમણે ન વાંચ્યું હોત તો આ દેશના કેટલાય પ્રશ્નો તો હજુ એક હજાર વર્ષ સુધી ચર્ચાયા જ ન હોત…
માનવીની તાસીરનો બીજો ભાગ : એક માનવી તરીકે ક્રોધ અને બદલાની ભાવના. આ કોમન ભાવ કે આવેગ છે પણ આંબેડકર આજીવન આ ભાવથી મુક્ત રહ્યા.. જયારે પદ કે હોદ્દા ઉપર બેઠા સૌનો વિચાર કર્યો.. એક આદર્શ સમાજની રચના માટે કાર્યરત રહ્યા… માત્ર દલિતો કે આદિવાસી કે ઓબીસી જ નહીં પણ મહિલા, મજૂરો, બાળકો તમામને અધિકારો અપાવ્યા… પોતે બાળપણ હોય કે જવાની… નોકરી હોય કે જાહેર જીવન.. હજારો અપમાન અને અન્યાય સહન કર્યા બાદ એક પણ નિર્ણય બદલાની ભવનાથી ના લીધો.. વિરોધી વિચારધારાના વ્યક્તિનો જીવ બચાવવા પણ મળવાપાત્ર અધિકાર છોડયા અને કેટલીય વાર જતું કરવાની ખેલદિલી રાખી…
માનવીની તાસીરનો ત્રીજો ભાગ એટલે ભોગવિલાસ :
હું એવા હજારો લોકોની વચ્ચે મોટો થયો છું કે, જેની આવકમાં વધારો થાય એટલે ગામડે ધાબાવાળું કે પછી બે માળનું મકાન બનાવે.. પછી ગળામાં સોનાની ચેન કે આઠ આંગળીમાં આઠ સોનાની વીંટી… પછી અર્ધાગીનીને સોનાથી મઢી નાખે.. પછી કાર અને વૈભવશાળી જીવન.. મોજ.. કરે..
પણ એક માનવી એ વેળાએ તમામ મોજ શોખ કે વૈભવ છોડી સેવા કરે… માથે દેવું કરી પોતાના સમાજને જગાડવા વર્તમાનપત્રો કાઢે… કમાણીનો હિસ્સો સુખ સાયબી નહિ પણ જાહેર સેવામાં ખર્ચે…
વ્યક્તિગત મહત્વકાંક્ષા, શોખ કે ઈચ્છા તો શું ?
બધું એક ચપટીમાં મળે તેવું હોય તે છોડી…
જે દબાયેલા, કચડાયેલા કે શોષિત સમાજને નથી મળ્યું તે સન્માન અને હક અપાવવા મથ્યા કરે…

માનવીની નબળાઈનો ચોથો આયામ શરીરમાં બીમારી…
શરદી અને તાવમાં રજા રાખનાર યુવાનો…. એક માથું શુ દુઃખે આખું ઘર માથે લેનાર યુવાનોને હું ઓળખું છું.. કોઈ ખખડાવી નાખે કે તોછડાઈ કરે તો મૂડ નથી એમ કહી કામ ન કરે.. ને દરેક વાતે ઇનામ અને પ્રોત્સાહન મેળવવા મથતા યુવાનોને હું ઓળખું છું… પણ એક શરીર જેમાં ડાયબેટીસ ઘર કરી ગયો હોય… અન્ય બીમારીઓ તો ખરી… છતાં આખું બંધારણ લખી નાંખે.. મહિલાઓને હક અપાવવાનો કાયદો ઘડી કાઢે, મજૂરોના અધિકારોનો કાયદો આપે.. આ સિવાય સતત ઉદ્યમશીલ રહે.. મોત બારણે ટકોરો મારતું હોય તોય ચિંતા શું? શરીર ક્ષીણ થાય એવું ઘસી નાંખે.. બીમારી જેનાથી થાકી જાય એવો પરિશ્રમ કરે…
આવું કેટલુંય… એક આદર્શ તરીકે આંબેડકર પ્રથમ જ હોય… આ દેશની કમનસીબી કે, તેણે આંબેડકરને જોવાના ચશ્માં નથી બદલ્યા.. ગાંધી ચશ્માંથી આંબેડકર ન જડે… એ માટે તો અસમાનતાનો મોતિયો ઉતરાવવો પડે.. એક બાળક જે અન્યાય સહન કરી ભણ્યો… એક યુવાન જે યુવાનીમાં ગણ્યો… એક માનવી જે માનવીય અધિકારોનું મૂલ્ય દુનિયાને સમજાવતો ગયો..
આંબેડકર વિધાર્થી તરીકે…યુવાન તરીકે…મહામાનવ તરીકે…
કે પછી વકીલ, અર્થશાસ્ત્રી, પત્રકાર, રીસર્ચર, પ્રોફેસર, મંત્રી, સંગઠક, વક્તા, વિદ્વાન કે ઘણું અન્ય…
બધા જ કામમાં આદર્શ જ રહ્યા…એટલે જ આજીવન મારા આદર્શ રહ્યાં… કાયમી રહેશે….
જીગર પરમાર