તમે લખો… તમે… કચકચાવીને લખો…

Ank 2 - Sharuaat - Mara Shikshanni Ghor Kone Khodi
Wjatsapp
Telegram

કૌશિક પરમાર
૮૧૪૧૧૯૧૩૧૧

શું લખવું?
જે ફાવે તે અને જે સમજ પડે તે.” મોટે ભાગે આપણે, આપણી લાગણીઓ, ગુસ્સો, પ્રેમ, દુઃખ, વિગેરે, એવું કશું જ લખતા નથી. મોટા ભાગના લોકોની ફેસબુક ટાઈમલાઈન, ટવીટર ટાઈમલાઈન શેયર અને રીટવીટથી ભરેલી પડેલી છે. વ્હોત્સએપમાં પણ, કોપી-પેસ્ટ જ ચાલે છે. કારણ? આમાં કંઈ દિમાગ દોડાવાનું હોતું નથી. સમજવાનું કે તર્ક ઉપર ચકાસવાનું હોતું નથી. આ ભાઈ જોરદાર લખે છે. કરો કોપી-પેસ્ટ. આપણો નેતા, આપણી પાર્ટી, આપણો સમાજ ક્યારેય ખોટો હોય જ નહિ. કરો શેયર પર શેયર. પણ જાતે કશું લખતા નથી.
કેટલાકને લખવામાં ડર લાગે છે. આ ડોબા જેવા નેતાઓ, કે જેમણે ક્યાં શું બોલવું ને ના બોલવું એનું ભાન નથી, એ લોકો બેફામ બોલે છે, આખો દેશ જોવે છે, ને તોય છાતી કાઢીને રોજ લોકો વચ્ચે ફરે છે. તો તમને શેનો ડર લાગે છે? તમારુ લખેલું તમારા મિત્રો અને સગાં-સંબધીઓ સિવાય કોઈ નથી જોતું. માંડ ૫૦ લોકોની રીચ હશે અને ૨૫ લાઈક પણ નથી મળતી. ક્યારેય ૫૦ રીટવીટ આવી છે? તો આ ખોટો ડર કાઢી નાંખો. લખશો, ભૂલો કરશો, સુધારશો, એમ કરતાં કરતાં જ તમારા વિચારો અને લેખનને ધાર મળશે. સારી તલવાર બનાવતાં ૪ દિવસ લાગે છે, તો આપણે તો માણસ છીએ. ૪ મહિના તો જોઈએને!

તમે બે-ચાર લાઈન લખવાથી “શરૂઆત” કરો. પછી નાનો ફકરો અને પછી આપડી જેમ… દે ગપાક… દે ગપાક… દે ગપાક…
એક્ચ્યુઅલી આ લોચો ક્યાંથી શરુ થયો? તમારી કેળવણી, એક પાખંડી, ધૂર્ત, ઘોર જાતીવાદી, ઘોર મૂડીવાડી, સાંપ્રદાયિક, … સમાજ વ્યવસ્થામાં થઇ છે. એટલે તમને આડું-અવળું કેટકેટલુંય શીખવાડવામાં આવ્યું છે. જુઠ્ઠા જુઠ્ઠા ઈતિહાસ અને જુઠ્ઠા જુઠ્ઠા ગૌરવો લેતાં શીખવાડવામાં આવ્યું છે. તમારી પાસે વિચારોના નામે અત્યારે પૂર્વગ્રહો જ છે. એક વાર તમે લખશો એટલે તમને સમર્થન મળશે અથવા વિરોધ મળશે. તમે એની સાથે ચર્ચા કરશો, દલીલો કરશો. વાદ-વિવાદ-સંવાદ થશે એટલે તમને તમારા અને એના, વિચારો ખબર પડશે. જેનાથી, તમારા વિચારોમાં સુધારો થશે અથવા તો વિચારો વધુ દ્રઢ થશે. પણ કંઇક તો થશે જ. તમે હવે વધુ સારું લખવા પ્રયત્ન કરશો. વળી, તમારા લખેલા વિચારો જોઇને, સરખે-સરખાં વિચારોવાળા લોકો તમારી નજીક આવશે અને વિરોધી વિચારોવાળા સુધરશે અથવા તમારાથી દુર જતા રહેશે. (હા. મને અનુભવ છે. ઘણા લોકો સાથે ચર્ચા કર્યા બાદ તેમના વિચારોમાં પરિવર્તન આવ્યું છે અને ઘણા લોકો પાસેથી, હું પણ શીખ્યો છુ.)

તમે લખવાનું શરુ કરશો એટલે તમારે સૌ પ્રથમ વિચારવાનું શરુ કરવું પડશે. વિચારવાનું શરુ કરશો એટલે તમારી તર્કશક્તિ વધશે. તર્કશક્તિ વધશે એટલે તમે તર્ક કરવાં, દલીલો કરવા, વાંચન વધારશો, અથવા તો કોઈ એક્ષપર્ટને પૂછવાનું રાખશો. તમે એવું શોધી લાવશો જે ઇતિહાસના પડમાં ક્યાંય દફન થઇ ગયું હોય. અથવા જે લોકો તમને સભ્યતા, સંસ્કૃતિ, અસ્મિતા, સંપ્રદાય, વિગેરે બાબતે ઉલ્લુ બનાવે છે, એ તમે જાતે સમજી શકશો. તમે પછી આંખ બંધ કરીને કોઈને માનશો નહિ, ફોલો નહી કરો. પણ બુદ્ધિપૂર્વક તેનું અનુમોદન (સમર્થન) કરશો અથવા તેની આલોચના (ટીકા) કરશો. કારણ, એ સમયે તમારી પાસે તમારી પોતાની, આગવી સમજ-બુદ્ધિ હશે, આગવા વિચારો હશે. અને જયારે લોકો તમને, તમારા વિચારોથી ઓળખશે ત્યારે તમે આપોઆપ એક જાગૃત નાગરિક બનશો. જાગૃત નાગરિકો જ સારો દેશ, સારો સમાજ બનાવી શકે. અંધભક્તો નહી. એ આપણે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ખુબ સારી રીતે સમજી ગયા છીએ. બોલો! આટલું બધું ફક્ત એક લખવાથી થાય છે.

આય… હાય… કૌશિકભાઈએ તો કેટલું અઘરું અઘરું લખ્યું…. તો ચાલો થોડી સરળ વાતો પણ કરી લઈએ….

Ank 2 - Sharuaat - Mara Shikshanni Ghor Kone Khodiછોકરીઓ-મહિલાઓ, તમે લખો.
મહિલાઓને શું લાગણીઓ થાય છે એ તમને જ ખબર પડે. અમે પુરુષો, સમાનતાની વાતો કરી શકીએ. જેમ સમજ પડે તેમ તમને સન્માન આપી શકીએ. પણ ખરેખર, તમારે કેવું સન્માન જોઈએ છે? કેવી સમાનતા જોઈએ છે? એ તો તમને જ ખબર પડે. તમે લખો કે રસ્તા પર આવતા-જતાં કેવી રીતે છોકરાઓ તમને એક્ષ-રે નજરથી જુએ છે? એ વખતે તમને શું ફિલ થાય છે? તમે લખો, બસમાં કેવી રીતે સભ્ય દેખાતા લોકો, તમને જાણી જોઇને સ્પર્શ કરે છે. તમે લખો, માસિકને અપવિત્ર બનાવી, તમારી સાથે કેવું કેવું વર્તન કરવામાં આવે છે. તમે લખો, આ કહેવાતા સમાનતાવાદી પુરુષપ્રધાન સમાજમાં, મહિલાઓ સાથે કેવી અસમાનતા ચાલે છે? શ્રી જોશીનો આર્ટીકલ તમે વાંચ્યો? હવે, આવી બધી પીડા, તો તમે જ કહી શકો. આનાથીય કેટલાંય મોટા પ્રશ્નો છે પણ અમે કેવી રીતે લખી શકીએ? અમે છોકરાઓ છીએ. છોકરીઓના પ્રશ્નો, તમે જાતે લખશો નહિ, તો બીજાઓને ક્યાંથી ખબર પડશે?

પાટીદારો તમે લખો.
તમે લખો કે કેવી રીતે કોંગ્રેસનું એકચક્રી શાશન ખતમ કરી તમે બીજેપીને જીતાડી? તમે લખો કે તમારી પોતાની સરકાર, તમારાં જ સમાજના નેતાઓ, અને રોજગારીમાં તમે પોતે, કેવી રીતે પાછળ પડી ગયા? પાટીદાર યુવાનો બેરોજગાર કેવી રીતે થઇ ગયા? “અનામત આંદોલન” કેવી રીતે થયું? કઈ પૂર્વભૂમિકા હતી? ક્યાં ક્યાં પરિબળો કામ કરી ગયા? તમે આટલું જોરદાર સંગઠન કેવી રીતે બનાવ્યું કે સરકારની પણ તમારાથી ડરે છે? તમારી જ પાર્ટીએ તમને ડંડા શું કામ માર્યા? તમારાં માથા કેમ ફોડ્યા? ખોટાં કેસો કેમ કર્યા? એટલે તમારામાંથી બીજા સમાજના લોકો શીખે.
હું ઘણીવાર સોસીઅલ મીડિયામાં લખું છું કે પાટીદારો ફક્ત રૂપિયાની બાબતમાં જ નહિ, સંગઠન અને રાજકારણની સમજમાં પણ, બીજા કરતાં આગળ છે. તો તમે આ બધું લખો કે જેથી બીજા સમાજ પણ તમારામાંથી કંઇક શીખે.

આદિવાસીઓ, તમે લખો.
આદિવાસી સમાજમાં સૌથી વધુ અશીક્ષણ, ગરીબી, કુપોષણ છે. આદિવાસી સમાજમાં જેટલા પણ લોકો ભણેલા-ગણેલા છે અને જેટલું પણ ભણેલા છે, એ લોકોની નૈતિક અને સામાજિક જવાબદારી બને છે કે એ લખે. ફક્ત સોસીઅલ મીડિયા જ નહિ, તમે તો પ્રિન્ટ મીડિયામાં પણ તમારી વાત લખીને પહોંચાડો. તમે લખો, કે જંગલ તમારા માટે શું છે? શહેરના જંગલી લોકો તો એણે ફક્ત પ્રાણીઓનું નિવાસસ્થાન જ સમજે છે. તમે લખો કે તમારી આજની પરિસ્થિતિ કેવી છે? તમારું ક્યાં ક્યાં, કેવી કેવી રીતે, સરકાર, સમાજ અને પુંજીપતિઓ ધ્વારા શોષણ કરવામાં આવે છે? કેવી રીતે તમને જંગલથી દુર કરવામાં આવે છે? તમે લખો કે ભણી-ગણી શહેરમાં રહેવામાં, નોકરી કરવામાં, તમને કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે? તમારા સિવાય આ કોઈ નહિ લખી શકે. હા! ભાષણ ઠોકવાનું કામ તો કોઈપણ કરી શકશે.

અસ્પૃશ્યો તમે લખો.
કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિ ૫૦૦૦ વર્ષ જૂની છે. અને આ ૫૦૦૦ વર્ષ પહેલા એકલવ્યનો અંગુઠો કાપી લીધો હતો. કર્ણ, અર્જુન કરતાં કેટલોય હોનહાર, તેજસ્વી હોવા છતાં, ફક્ત અને ફક્ત જાતિવાદના લીધે, એનું નામ મેરીટ લીસ્ટમાંથી ગાયબ કરી નાંખવામાં આવ્યું હતું. અને એ લગભગ ૧૯મી સદીની શરૂઆત સુધી બરાબર ચાલ્યું. ગણ્યા-ગાંઠ્યા અસ્પૃશ્યો, આ ૫૦૦૦ વર્ષ જૂની દીવાલમાં કાણું પાડવામાં સફળ રહ્યા. ૧૯૫૦માં, બંધારણ અમલમાં આવ્યા પછી ઠીક ઠીક અધિકારો મળ્યા. પણ આ અધિકારોને સમજનારા અને ભોગવનારા કેટલાં? હે અસ્પૃશ્યો, વીર મેઘમાયા પહેલાનો તમારો કોઈ ઈતિહાસ જ લખવામાં આવ્યો નથી. તમારી પેઢીનું કોઈ નામ-ઠામ જ લખવામાં આવ્યું નથી. તમે જાણે ઇતિહાસમાં ક્યારેય હતાં જ નહિ, એમ બે-પાંચ કિસ્સા સિવાય તમારો ક્યાંય ઉલ્લેખ જ નથી. કારણ? કોઈએ તમારું કંઈ લખ્યું જ નથી. કારણ, તમને લખવાનો અધિકાર નો’તો. તમને ભણવાનો, જ્ઞાન પ્રાપ્તિનો અધિકાર નો’તો. હવે, મળ્યો છે અધિકાર, તો તમે લખો. તમારી સોનેરી, સંઘર્ષમયી આજ લખો કે જે આવનારી પેઢી માટે ઈતિહાસની ગરજ સારશે. તમારાં બધાં દુઃખ, દર્દ, બધી આભડછેટ, બધાં અન્યાય, સરકારની ઉદાસીનતા, કેવી રીતે રોજબરોજની નાની નાની ઘટનાઓમાં તમને અસ્પૃશ્ય હોવાનું નડે છે, એ લખો. તમે આરક્ષણ લઈને જલસા કરો છો, એવું જેને લાગ્યા કરે છે, એને ટેગ કરીને, તમારા સમાજની સ્થિતિ લખો. કરોડપતિ, ઉદ્યોગપતિ, IAS, IAS, IPS અને હાઈ-કોર્ટના જજ સુધ્ધા બની ગયા પછી પણ, જાતિવાદ ભૂખ્યા વરુની માફક, કેવો તમારી પાછળ પડ્યો છે, એ લખો. સરકારના સમરસતાના નાટકો વિષે લખો અને લખો કે કેવી રીતે SC, STનું ફંડ ટીવીમાં જાહેરાતો આપવામાં, પોતાની પ્રસિદ્ધિમાં સરકાર ખર્ચી નાંખે છે. ડૉ. બાબાસાહેબ જેટલું કરી શકતા હતા એટલું એમણે કર્યું, હવે તમારા વારો છે. તમે લખો અને ગામેગામ, એકએક અસ્પૃશ્યની જાગૃતી કરો. ટૂંકમાં, કોઈ એમ ના મને અમે રહી ગયા. હું બધાને કહેવા માંગું છુ કે,

તમે શું શું અનુભવો છો?
શું શું જોઈ રહ્યા છો?
શેનાં શેનાં વિષે, શું શું વિચારી રહ્યા છો? એ લખો.

#નોટબંધીથી દેશને કેટલો ફાયદો થયો, એ લખો.
#GST થી ધંધો કેટલો ખાડે ગયો, એ લખો.

તમને ગમતી પરિણીતી લખો.
કરીના, કેટરીના ને દીપિકા લખો.

જોક્સ લખો, શાયરી લખો, કવિતા અને ગઝલ લખો,
જેને તમારી કવિતા પસંદ ના આવે, એને અન્ફ્રેન્ડ કરી, બ્લોક કરો.

તૂટેલા રસ્તા લખો, ખુલ્લી ગટરો લખો.
ફૂલ સ્પીડે દોડતી અમદાવાદ મેટ્રો લખો,

વગર દિવાળીએ, અમદાવાદમાં આવેલી દિવાળી લખો.
AMCના સત્તાધિકારીઓનું માનસિક દેવાળું લખો.

વિપક્ષની સુસ્તી લખો, આપ’ની મસ્તી લખો.
નવી-નવી પાર્ટીઓ લખો, ને જૂની જૂની પસ્તી લખો.

કારેલા લખો, કંકોડા લખો,
બૈરીને ભાવતાં ભીંડા ને ગીલોડા લખો.

ફેસબુક પર લખો, ટવીટર પર લખો,
વ્હોટસએપ અને SMS લખો.

તમારાં લખવા પર પ્રતિબંધ આવે, એ પહેલા,
મારા ભાયો.. બેણો..

તમે લખો… અને બીજાને પણ લખવા સમજાવો. જ્યાં સુધી આપણે એકબીજા સાથે સંવાદ નહિ કરીએ(પછી એ સમાજની અંદર હોય કે બે સમાજ વચ્ચે), ત્યાં સુધી આપણી સમસ્યાઓનો અંત નહિ આવે. લખવું, એ આજના સમયમાં, અભિવ્યક્તિનું સૌથી સરળ અને સસ્તું માધ્યમ છે. એનો પુરેપુરો ઉપયોગ કરો.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

જે રીતે દેશ બુલેટટ્રેનની ગતિથી પાછળ જઈ રહ્યો છે, ખબર નહિ કે સરકારો, સંસ્થાઓ, તમારું લખવાનું ક્યારે બંધ કરાવી દે એટલે જેટલો પણ સમય છે, “તમે લખો… તમે… કચકચાવીને લખો…”

(જો તમને આ આર્ટીકલ વાંચીને કોઈ લાભ થયો હોય તો સૌથી પહેલા આર્ટીકલ વિષે #Review લખો.)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

10 Responses

 1. HITESH R VAGHELA says:

  વાહ, કૌશિકભાઇ! જીવતી લાશો માં પ્રાણ પૂરવાનો એક સારો અને ઉમદા પ્રયત્ન આપે હાથ ધરેલ છે. જે માટે આપને લાખ લાખ ધન્યવાદ્..

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 2. Madhav Jadav says:

  #સમાજવિકાસ:-

  ★વ્યક્તિ દ્વારા—— નફાકારક
  ★સંગઠન દ્વારા——નફાકારક
  – –બિન નફાકારક
  ★સરકાર દ્વારા (રાજ્ય)

  ઉપરોક્ત #સમાજ વિકાસ વિષયને સમજીએ તો ….

  #વ્યક્તિ દ્વારા :- જ્યારે પણ સમાજ વિકાસની પ્રવૃત્તિઓ કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે ત્યારે તે સમાજનો વિકાસ પોતાના નફાને ધ્યાનમાં રાખીને કરે છે. વ્યક્તિનો પોતાનો વિકાસ સમાજના વિકાસથી ખૂબ જલ્દી થાય છે. વ્યક્તિ હસ્તગત સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ હંમેશા નફાકારક જ રહે છે.

  #સંગઠન દ્વારા:- સમાજ વિકાસની પ્રવૃતિઓ સમાજના સદ્દભાવી લોકોના સંગઠન દ્વારા કરવામાં આવે છે.. આ સંગઠન દ્વારા કરવામાં આવતી સમાજ વિકાસની પ્રવૃત્તિઓમાં પણ નફાકારક અને બિન નફાકારક આશય રહેલો છે.
  સમાજ વિકાસ માટે જે સંગઠન કામ કરે તે બહારના સમાજના લોકો દ્વારા નહિ પણ પોતાના જ સમાજના લોકો દ્વારા બનેલું હોવુ જોઈએ અને આ સંગઠનનો ઉદ્દેશ માત્ર સમાજ વિકાસનો હોવો જોઈએ.. સમાજ મધ્યે સમાજ વિકાસની જે કાંઈ પ્રવૃત્તિઓ થાય તે પારદર્શક અને સમાજના દરેક વ્યક્તિના વિકાસ સુધીની હોય છે. સંગઠનમાં જોડાયેલા સદ્દભાવી લોકોની વ્યક્તિગત નફાકારકતા જ નહીં પણ સમાજના દરેક વ્યક્તિની નફાકારકતાનું ધ્યાન રાખે છે. સંગઠનનો આશય સમાજના વિકાસનો રહે છે. માટે સંસ્થા કે ટ્રસ્ટનો વહીવટ બિન નફાકારક રહે છે. અને માટે જ સમાજનો વિકાસ સમાજના સદ્દભાવી લોકોના સંગઠન દ્વારા થાય તે ખૂબ ઇચ્છનીય છે.

  #સરકાર દ્વારા ( રાજ્ય સરકાર):-
  રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલી સમાજ વિકાસની યોજનાઓ સમાજના વિકાસ માટે વાપરવામાં આવતી હોય છે. વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવતી હોય છે. પણ તે સમાજના લોકો સુધી પહોંચી શકે કે કેમ એ સમાજના લોકોની સમજ અને અમલ પર આધાર રાખે છે. કેટલીય યોજનાઓ સમાજના લોકો સુધી પહોંચી શક્તિ નથી. સમાજના લોકો વંચિત રહી જાય છે. ઘણીવાર આવી સમાજ વિકાસની યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મુકાય છે તે સરકારી અમલદારો અને સમાજ વિકાસ કરવાની પ્રવૃત્તિઓ કરનારા વ્યક્તિ દ્વારા પણ સમાજના લોકો સુધી પહોંચી શકતી નથી.સરકાર દ્વારા સમાજ વિકાસની યોજનાઓ સીમિત લોકો માટે નફાકારક બની જાય છે.

  #સમાજ વિકાસ સમાજના જ સદ્દભાવી લોકો સંકલિત થઈ ‘સંગઠન’ રૂપે નિઃસ્વાર્થ ભાવે સમાજ કલ્યાણ કરવાના આશયથી બિન નફાકારક રીતે પ્રવૃતિઓ કરે તો સમાજના દરેક વ્યક્તિની નફાકારકતા જરૂર વધે…સાચા અર્થમાં સમાજ પરિવર્તન થાય…

  સમાજના શિક્ષિત અને સમજદાર યુવાનો, યુવતીઓ , વડીલો ‘સંગઠન ‘ દ્વારા સમાજ વિકાસ શક્ય છે.

  સમાજ પરિવર્તન ઝંખે છે, આવો આપણે સંકલિત થઈ યથાશક્તિ ભોગ આપીએ અને ‘સંગઠન’ રૂપે સમાજ પરિવર્તન કરીએ..🙏

 3. Madhav Jadav says:

  સત્ય વચન :
  👉આપણે ઘાંસની સળીથી વિશેષ કાંઈ નથી…

  જેમ અનેક ઘાંસની સળીઓને જોડવાથી સાવરણી કે સાવરણો બનાવવામાં આવે છે અને કેટલાયે કચરાને દૂર કરે છે , પણ જો આજ સાવરણાથી એક એક ઘાંસની સળી છૂટી પડી દૂર થાય તો એ જ સળી ખુદ કચરો બની જાય છે. આ છે ‘સંગઠન’ની તાકાત !!

  ‘સંગઠન’માં જ શક્તિ છે.
  આપણે વાણી વિચારે ભિન્ન ભિન્ન છીએ , ઢીલા કે કઠણ , નબળા કે મજબૂત આપણે સૌ એક જ સમાજરૂપી વડની ડાળીઓ છીએ.. કોઈ નબળી ડાળી તૂટે તો તેની પીડા વડને જરૂર થાય.. કુપોષણથી નબળી રહેલી ડાળીને જોઈને વડને જરૂર વેદના થાય..

  મિત્રો, સમાજ ‘સંગઠન’માટે ખૂબ સુંદર ઉદાહરણો આપણી સામે છે.

  ઘડિયાળની ધરી પર આવેલાં કાંટા પણ આપણને કઈક શીખવે છે.

  પોતાની ક્ષમતાને એકધરી પર તાલમેળથી સંકલિત કરી ‘સંગઠન’રૂપે સહકારથી સમયસર ચાલે છે.

  *સેકન્ડ કાંટો પોતાની ક્ષમતા મુજબ ધરી પર પરિભ્રમણ કરે છે.
  એક રાઉન્ડ પૂરું એટલે
  મિનિટ કાંટો પણ સેકન્ડ કાંટાના સહકારથી મિનિટ સમય દર્શાવે.. આ બન્ને કાંટાના સહકારથી કલાક કાંટો પણ કલાક સમય દર્શાવે છે.

  ત્રણેય પોતાની ક્ષમતા મુજબ કાર્યરત છે કોઈ વાદ વિવાદ નહિ કે નાના મોટાનો ભાવ નહિ..

  મિત્રો સંપૂર્ણપણે એકબીજા માટે સન્માન અને સહકારની સદ્દભાવના સાથે સંકલિત થઈશું તો આપણે અલગ અલગ હોવા છતાં આપણે સંગઠન શક્તિનો સંચાર સમાજ મધ્યે કરી શકીશું. સમાજ વિકાસના ઉમદા કામ કરવા સમર્થ હોઈશું.

  દરેક મિત્ર , યથાશક્તિ સહકાર આપવા સદ્દભાવી બને !

  કોઈ એક પાસે બધું જ હોઈ ના શકે.. સમાજસેવા માટે તન મન અને ધન આ ત્રણેયની જરૂર છે. આપણે યથાશક્તિ તન (શારીરિક) મન (બૌદ્ધિક , સદ્દભાવના) અને ધન( આર્થિક ) રીતે તાલમેળ સાધીએ.. સંકલિત થઈએ..

  🙏જય ભીમ

  -માધવ જાદવ

 4. Madhav Jadav says:

  #નવી પેઢીના હિતની કામના કરનારા ઘણા છે, ૫રંતુ તેમના હિત માટે યોગ્ય લોકો તૈયાર થતા નથી !!

  આજે સમાજમાં નવી પેઢી પાસે અપેક્ષાઓ રાખવામાં આવતી રહી છે અને હમેશાં રાખવામાં આવશે. આજે ૫ણ તેમની પાસે દરેક અસફળતાને સફળતામાં બદલવાની, દરેક અવ્યવસ્થાને વ્યવસ્થામાં બદલવાની અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે, ૫રંતુ આ ૫રિવર્તન માટે તેમને કંઈક આ૫વું જોઈએ.તેમની વ્યવસ્થાઓ માટે,યોગ્ય વાતાવરણ માટેની ઘોર ઉપેક્ષા સેવવામાં આવે છે. આ વાત ભલે અટ૫ટી લાગે, ૫રંતુ સ્વસ્થ સમીક્ષાના ક્રમમાં આને નકારી કે ખોટી ઠરાવી શકાય નહિ.
  તેમના શિક્ષણ માટે શિક્ષણ આપણે મોટી સંસ્થાઓમાં એડમિશન વધારવામાં આવી રહયાં છે, ૫રંતુ આ સંસ્થાઓમાં તેમના મૂળ પ્રયોજનની પૂર્તિ કેટલા અંશે કરી શક્યા છીએ. એ તરફ કોઈ ઘ્યાન આ૫વા માંગતું નથી. એમની પાસેથી સુંદર જીવનની અપેક્ષા તો રાખવામાં આવે છે, ૫રંતુ જીવનની સૂક્ષ્મ વાતો અને વાસ્તવિકતાઓ સમજાવવા માટે નથી શિક્ષક તૈયાર કે નથી વાલીઓ તૈયાર. એમની પાસે સંયમશીલતાની આશા રાખનારાઓ તેને અનુરૂ૫ ઉદાહરણ તથા વાતાવરણ પ્રસ્તુત કરવાની હમેશાં ઉદાસીન રહે છે.
  તેમની શક્તિનો મનમાન્યો ઉ૫યોગ કરી લેવાનો બધાને ઉત્સાહ છે, ૫રંતુ તેમનું ‘મન’ ઠીક કરવામાં કોઈને રસ નથી. અનુગમન માટે તેમને ઘણા ઉ૫દેશ આ૫વામાં આવે છે. ૫રંતુ જો તેઓ એ માર્ગ ૫ર ચાલવા ઇચ્છે તો તેમને સાથ આ૫વા માટે કોઈ તૈયાર થતું નથી. આવા અનેક ઉદાહરણો સામે દેખાય છે, જેમાં એ કટુ સત્ય સ્વીકારવું ૫ડે છે, કે નવી પેઢી પાસેથી જેટલી અપેક્ષાઓ રાખવામાં આવે છે, તેટલી જ ઉપેક્ષા વ્યાવહારિક ૫ક્ષે તેમના પ્રત્યે સેવવામાં આવે છે. તેમની હિતની કામના કરનારા ઘણા છે, ૫રંતુ તેમના હિત માટે યોગ્ય લોકો તૈયાર થતા નથી. આ અભાવ દૂર કરવો ૫ડશે, ત્યારે જ નવી પેઢી દ્વારા પ્રગતિના સ્વપ્ન સાકાર થઈ શકશે…..

 5. Dr. Hasmukh N. Leua says:

  તમે લખો… તમે… કચકચાવીને લખો… its nice starts…. Hu pan lakhish… Kachkachavi be lakhish ….

 6. Kartik bhaskar says:

  અસરકારક 👌

 7. jitu dinguja says:

  કચકચાવીને લખો, લખવાના વિષય ઉપર આટલું બધું લખાય છે તો અલગ અલગ વિષય પર કેટલું લખાય? ખુબ સરસ.
  સોસીયલ મીડિયા સાથે સંકળાયેલા હોવ તો તમારા રસ ની કોઈ પણ બાબત ને ધ્યાન થી વાંચો લખવાવારા ની ભાવના વાંચો શબ્દોમાં ઉતારેલી ભડાસ વાંચો એના મગજ માં ચાલતો સંઘર્ષ ને અનુભવો વાંચો.અને લખતા સંકોચ દૂર કરવાની શરૂઆત ટિપ્પણીઓ કરીને કરો. જે સમજાય એમાં ટિપ્પણીઓ કરવાની શરૂઆત કરો. એક એક દિવસ વધુ ને વધુ શબ્દો જોડતા જવાશે અને વિચારો અને ફિલિંગ ને શબ્દોમાં ઉતારતા થશો.જેટલું વાંચો રસ થી વાંચો કોમેન્ટ કરવાની અને કોમેન્ટ માં ચર્ચા નો સામનો કરવાની આદત કેળવો પછી કૌશિકભાઈ ની રાહે દોડી નીકળો.

 8. શરૂઆત says:

  ખુબ સરસ. અભિનંદન.

 9. Anilkumar Talpada says:

  #શરૂઆત થઈ ગઇ છે..

Leave a Reply

Your email address will not be published.